આજી માત્ર ૨૦ દિવસનો મહેમાન: એપ્રિલના આરંભે આજી અને અંત સુધીમાં ન્યારી ડેમ ડૂકી જશે બંન્ને ડેમમાં ક્યાથી સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવાશે તેની કોઈ જ સુચના સરકાર દ્વારા અપાઈ નથી
ગત વર્ષે ચોમાસાની સીઝનમાં શહેરમાં રેકોર્ડબ્રેક વરસાદ પડ્યો હોવા છતાં ઉનાળાના આરંભે જ રાજકોટવાસીઓ પર જળસંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. આગામી એકાદ સપ્તાહમાં આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં નહીં આવે તો પાણી વિતરણ વ્યવસથા ખોરવાઈ જાય તેવી ભીતિ સર્જાઈ છે. આજીમાં ૮૦૦ એમસીએફટી અને ન્યારીમાં ૪૦૦ એમસીએફટી પાણી ઠાલવવા માટે મહાપાલિકાના દ્વારા બે માસ પૂર્વે સરકારમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હોવાનું જાણવા મળી રહ્યું છે. એપ્રિલના આરંભે આજી ડેમ જ્યારે અંત સુધીમાં ન્યારી ડેમ ડૂકી જશે.
મહાપાલિકાના ઈજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ૨૯ ફૂટની ઉંડાઈ ધરાવતા આજી-૧ ડેમની આજની સપાટી ૧૭.૬૦ ફૂટ છે. ડેમમાં ૩૧૭ એમસીએફટી પાણી સંગ્રહિત છે. જે પૈકી ૧૫૦ એમસીએફટી પાણી ડેડ વાટર છે. વિતરણ વ્યયવસથા ટકાવી રાખવા માટે રોજ ડેમમાંથી ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે. ૨૦ દિવસ સુધી ચાલે તેટલું પાણી હાલ આજી ડેમમાં ઉપલબ્ધ છે. ત્યારબાદ પાણી ઉપાડી શકાય પણ તેના માટે ઘણી જહેમત ઉઠાવી પડે તેમ છે.
ન્યારી ડેમની વાત કરવામાં આવે તો ૨૫ ફૂટની ઉંડાઈ ધરાવતા ન્યારી ડેમની સપાટી હાલ ૧૭ ફૂટની છે જ્યારે ડેમમાં ૫૯૨ એમસીએફટી પાણી સંગ્રહિત છે. ૬૦ એમસીએફટી ડેડ વોટરનો જથ્થો છે. ન્યુ રાજકોટમાં વિતરણ કરવા માટે ન્યારીમાંથી રોજ ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. આમ ડેમમાં શહેરને ૫૦ દિવસ સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. આજી અને ન્યારીની સરખામણીએ ભાદરની સ્થિતિ ઘણી સારી છે. ૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી ૨૭.૩૦ ફૂટની છે અને ડેમમાં ૩૯૪૪ એમસીએફટી પાણી સંગ્રહિત છે. રાજકોટને ૧૪૨ દિવસ અર્થાત ચોમાસા સુધી ચાલે તેટલું પાણી ભાદર ડેમમાં સંગ્રહિત છે. ન્યારી-૨ ડેમનું પાણી પ્રદુષિત હોવાના કારણે વિતરણ માટે ઉપાડવામાં આવતું નથી. તો લાલપરી તળાવનું પાણી ઝુ માટે અનામત રાખવામાં આવે છે.
મહાપાલિકા દ્વારા રાજ્ય સરકાર સમક્ષ ૨ માસ પૂર્વે જ એવી માંગણી મુકી દેવામાં આવી હતી કે, ચોમાસા સુધી શહેરીજનોને નિયમીત ૨૦ મીનીટ પાણી આપવા માટે આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૮૦૦ એમસીએફટી અને ન્યારી ડેમમાં ૪૦૦ એમસીએફટી પાણી ઠાલવવામાં આવે. વિતરણ વ્યવસ્થા પર કોઈ અસર ન થાય તે માટે માર્ચના બીજા સપ્તાહી આજીમાં નર્મદાના નીર શરૂ કરી દેવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. જ્યારે ન્યારીમાં મે માસી નર્મદાનું પાણી શરૂ કરવામાં આવે તો કોઈ તકલીફ પડે તેમ નથી. માર્ચની ૧૧મી તારીખ છે. છતાં રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના અંતર્ગત આજી અને ન્યારીમાં ક્યારી નર્મદાનું પાણી ઠાલવવામાં આવશે તેની કોઈ જ સુચના આપવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. રેકોર્ડ ચોમાસાની સીઝનમાં ૧૨૦ વર્ષમાં ન પડ્યો હોય તેટલો વરસાદ રાજકોટમાં વરસ્યો હોવા છતાં શહેરમાં જળસંકટના ભણકારા વાગી રહ્યાં છે.
જો કે મહાપાલિકાના શાસકો અને અધિકારીઓને એવો પૂર્ણ વિશ્ર્વાસ છે કે, આજી અને ન્યારી ડેમ ડુકશે તે પૂર્વે રાજ્ય સરકાર દ્વારા બન્ને જળાશયોમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સૌની યોજના અંતર્ગત ૪ વખત આજી ડેમ ભરી દેવામાં આવ્યો છે. જ્યારે ન્યારી ડેમમાં ગત વર્ષથી નર્મદાના પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. જો આવતા સપ્તાહી સૌની યોજના અંતર્ગત જળાશયોમાં નર્મદાનું પાણી છોડવામાં નહીં આવે તો વિતરણ વ્યવસ્થા પર અસર થવાની ભીતિ સર્જાઈ રહી છે.