ભાજપાનો એક-એક કાર્યકર્તા ઘરે-ઘરે જઇને કમળ ખિલવશે જ અને દેશમાં ફરી એકવાર વિકાસની રાજનીતિનો ભવ્ય વિજય થશે: વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢના વંથલીમાં વિજય સંકલ્પ સંમેલનમાં ભાજપાના લક્ષ્યાવધિ કાર્યકરોને આહવાન કર્યુ કે ભારત માતાને પરમવૈભવે બિરાજીત કરવા અને રિપૂદલ વારિણી જેમ શકિતશાળી બનાવવા દેશને સુરક્ષિત હાથોમાં રાખવાનો સંદેશ ઘરે-ઘરે પહોચાડી ફિર એકબાર-મોદી સરકારનો સંકલ્પ સાકાર કરે.

તેમણે કહ્યું કે, ભારતમાતા માટે જીવન ખપાવી દઇને દેશ માટે જીવનારા, રાષ્ટ્રભકિત જેમની રગેરગમાં છે એવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જેવો ચોકીદાર ફરી પ્રધાનમંત્રી ન બને એ માટે ચોર મંડળી તેમને સત્તામાં આવતા રોકવા ભેગી થઇ છે. આ અંગે કોંગ્રેસ પર નિશાન તાકતાં વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, જે ચોર હોય એને જ ચોકીદારની બીક હોય.

કોંગ્રેસે પપ વર્ષ સુધી દેશને ચોર તરીકે લૂંટવામાં કોઇ કસર છોડી નથી. ભ્રષ્ટાચારે માઝા મૂકી દીધી હતી. કોંગ્રેસીઓએ હવામાંથી, પાતાળમાંથી, રમતમાંથી એમ કોઇ ક્ષેત્ર ભ્રષ્ટાચાર કરવામાં બાકી નથી રાખ્યું તેમના બે નેતાઓ સોનિયાજી અને રાહૂલ આજે પણ જામીન પર છે એ વાતની યાદ અપાવતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, જે પક્ષની સરકારોના એક ડઝનથી વધુ મંત્રીઓ કૌભાંડોમાં જેલમાં રહેલા હોય એ પક્ષ હવે સત્તામાં આવવા પ્રજાને ગૂમરાહ કરે છે તે પ્રજાને સમજાઇ ગયું છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસે એક જ પરિવારની ભકિતમાં લીન થઇને દેશના ગરીબ, વંચિત, પીડિત, સામાન્ય માનવીની કોઇ ચિંતા જ કરી નથી. એટલા માટે હવે જ્યારે એક ગરીબ ઘરનો ચા વેચનારો વ્યકિત વડાપ્રધાન બન્યો છે તે ફરીવાર બની જશે તો તેમના બારેય વહાણ ડૂબી જવાની બીકના કારણે પરિવારવાદ વંશવાદની ચિંતા કરનારી કોંગ્રેસ અને મૂલાયમ, શરદ પવાર, મમતા જેવા લોકો ભેગા થયા છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસનું તો કલ્ચર જ સ્લોગન-નારા આપવાનું છે. નહેરૂજીએ કહ્યું આરામ હરામ હૈ, પછી આવ્યું ઇંદિરાજી આઇ હૈ નઇ રોશની લાઇ હૈ, પછી સ્વચ્છ ઇમેજવાળા નેતા તરીકે રાજીવજીને લાવ્યા પણ ભ્રષ્ટાચારે એવી માઝા મૂકી કે ખૂદ વડાપ્રધાને કહેવું પડેલું કે દિલ્હીથી નીકળતો રૂપિયો ઘસાઇને ૧પ પૈસા જ લોકો સુધી પહોચે છે.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, લોકોમાં નિરાશા વ્યાપેલી હતી. ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયેલો હતો એવામાં ર૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્રભાઇએ નવી આશાનું કિરણ જગાવ્યું. માત્ર પ વર્ષના સમયમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગરીબને મકાન, જનધન યોજનાથી બેન્ક ખાતામાં સીધા જ કોઇ વચેટિયા વગર પૈસા જમા કરાવ્યા. આયુષ્યમાન ભારત જેવી સૌથી મોટી આરોગ્ય યોજનામાં ગરીબમાં ગરીબ વ્યકિતને પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવી શરૂ કરી, ગેસના ચૂલાના ધૂમાડામાંથી મુકિત અપાવી ઉજ્જવલામાં બહેનોને ગેસ આપ્યા. આવા જનહિતના અનેક કામો કરીને નામૂમકીનને મૂમકીન કરનારી મોદી સરકાર માટે હવે તો મોદી હૈ તો મૂમકીન હૈ નો ભાવ દરેક દેશવાસીમાં જાગ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.