દારૂના નશામાં લાકડીથી આઠ વર્ષના પુત્રને ઢોર માર્યો: મૃતકના પિતા સામે નોંધાતો ગુનો
દારૂના દૈત્ય અનેક પરિવારને બરબાદ કર્યા છે. ત્યારે કાલાવડ રોડ પર આવેલા રાણી ટાવર પાસે આવેલી નંદનવન સોસાયટીમાં દારૂના નશામાં ભાન ભુલેલા પિતાએ પોતાના જ આઠ વર્ષના માસુમ બાળકને લાકડીથી બેહેરમીથી ફટકારી મોતને ઘાટ ઉતાર્યાનો ગુનો તાલુકા પોલીસમાં નોંધાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નંદનવન સોસાયટીમાં રહેતા સૌરભ નામના આઠ વર્ષના બાળકને તેના પિતા સિધ્ધરાજ ભુલે લાકડીથી માર મારતા ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબે તેનું મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું.
નંદનવન સોસાયટીમાં ચોકીદાર તરીકેનું કામ કરતા સિધ્ધરાજ ભુલે દારૂના ગઇકાલે ચિકાર દારૂનો નશો કર્યો હતો અને પોતાના આઠ વર્ષના પુત્ર સૌરભ રમતો હતો તેને જમવા માટે બોલાવ્યો ત્યારે સૌરભ રમવામાં મસગુલ હોવાથી જમવા આવ્યો ન હોવાથી સિધ્ધરાજ ભુલે ગુસ્સામાં પોતાના પુત્ર સૌરભને લાકડીથી ઢોર માર માર્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલો સૌરભ સાતે સુઇ ગયો હતો અને ત્રણેક વાગે અચાનક ચિસો પાડતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
સૌરભને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા ત્યારે તે પિતાના મારથી બચવા ભાગ્યો અને પડી જતા તેને પથ્થર લાગવાથી મોત નીપજ્યાનું જાહેર કર્યુ હતું. પરંતુ સૌરભના શરીર પર ઇજાના નિશાન હોવાથી પી.આઇ. જે.વી.ધોળા સહિતના સ્ટાફે ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. મૃતક સૌરભના મોત અંગે તેના પિતા સિધ્ધરાજ ભુલ સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.