ભાગદોડ ભરી જીવનશૈલી યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે, યુવાનો ક્રિકેટ રમતા, રાસ ગરબે રમતા હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે ત્યારે સુરતમાં ફરી એક વખત હાર્ટ એટેકની ઘટના સામે આવી છે જેમાં પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતા પિતાનું મોત નીપજ્યું હતું. મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના કોસાડ ગામની છે જ્યાં પુત્રએ તેની છઠ્ઠીમાં જ પિતાની છત્રછાયા ગુમાવી હતી. પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં નાચતા પિતા ઢળી પડ્યા હતા. કિરણ ઠાકુરનું મોત હાર્ટએટેક થી થયુ હોવાની શંકા સેવાઈ રહી છે ત્યારે વધુ તપાસ માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છેરિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
વધુ એક યુવક ડાન્સ કરતાં કરતાં બેભાન થઈ ઢળી પડ્યા
ડિંડોલી વિસ્તારમાં રહેતા 31 વર્ષીય કિરણ ઠાકુર પુત્રના છઠ્ઠી પ્રસંગે સાસરીમાં અમરોલી કોસાડ ગામ ખાતે ગયા હતા. પુત્રની છઠ્ઠીના પ્રસંગમાં તેઓ ડાન્સ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોકટર્સ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તબીબોએ જરૂરી સેમ્પલ લઇ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.
સુરતમાં હાર્ટ એટેકથી યુવકનું મોત
સુરતમાં 11 એપ્રિલના રોજ 27 વર્ષીય શનિ કાલે નામના યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. યુવક મિત્રો સાથે હોટલમાં જમવા ગયો હતો. જમીને ઘરે પરત ફરતી વખતે યુવકને ચાલુ બાઈકે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી મિત્રોએ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવકનું મોત નીપજ્યું છે. 27 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં ગમગીની છવાઈ છે.