જય વિરાણી, કેશોદ:
પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના ઘણા કિસ્સાઓ સં,એ આવતા હોય છે. પણ જૂનાગઢનાં વંથલી તાલુકામાં આશ્ચર્ય પમાડતી અલગ જ ઘટના સામે આવી છે. વંથલીમાં સાસરે રહેતી મહિલાને અન્ય વ્યક્તિ સાથે મૈત્રી થતાં બંને એક જ જ્ઞાતિના હોવાથી મહિલાને લગ્નની લાલચ આપીને પોતાની સાથે રહેવા પ્રથમ પતિને છૂટાછેડા લેવડાવ્યા હતા અને બંને ત્રણ વર્ષથી મૈત્રીકરાર કરી રહેતા હતા. ત્યારબાદ એક વર્ષ સુધી મહિલાને સારી રીતે રાખી હતી પરંતુ છેલ્લા બે વર્ષથી મહિલા પર શારીરિક તેમજ માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો.
પીડિતા પર ખોટી શંકા કરી પીડિતા સાથે ઝઘડો કરતો અને મહિલાને રાત દિવસ રૂમમાં બંધ રાખવામાં આવતી. દરવાજા લોક કરી ગોંધી રાખી જમવાનું પણ સમયસર ન આપતો. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ પણ લાવીને આપતો નહિ અને મહિલા પર રોજ માનસિક- શારિરીક ત્રાસ ગુજારતો હતો ત્યારે ગઇકાલે રાત્રીના મહિલા સાથે ઝઘડો કરી મારકૂટ કરીને રૂમમાં બંધ કરી જતો રહ્યો પરંતું મોબાઈલ આશીર્વાદરૂપ બન્યો હોય તેમ તે આ ત્રાસમાંથી છૂટકારો મેળવી શકી.
દરઅસલ, આરોપી તેનો પોતાનો મોબાઈલ રૂમમાં ભુલી જતો રહ્યો હોવાથી મહિલાએ સમયસર ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરી સંપૂર્ણ ઘટના વિશે જણાવીને મદદ માંગી. તેથી કેશોદ ૧૮૧ ટીમના કાઉન્સેલર ડાયબેન માવદીયા ,જી. આર. ડી. લાભુબેન, પાયલોટ ભનુભાઈ ગોહિલ સાથે ૧૮૧ ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગયા હતા ને સમયસર બંધ રૂમમાં ગોંધી રાખેલ મહિલાને સહી સલામત બહાર કાઢી હતી.
૧૮૧ અભયમ ટીમે પીડિતાને આસ્વાશન આપી તેની સાથે મૈત્રી કરારથી રહેતા પુરુષને ધટના સ્થળે બોલાવી તેનું અને પીડિતાનું કાઉન્સિલિંગ કરતા ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિતાને આગળની કાર્યવાહી તેમજ આશ્રય માટે જુનાગઢ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરમાં મુકવામાં આવ્યા છે.