ગોંડલ યાર્ડમાં 21 રૂપિયે મણ ડુંગળી વેંચનાર ખેડૂતનો ખર્ચો પણ ન નીકળ્યો
જામનગરના વધુ એક ખેડૂતને ગરીબોની કસ્તુરી એટલે કે ડુંગળી માત્ર રડાવી ગઈ નથી પરંતુ હવે પછી વાવેતર કરવામાંથી વિમુખ કરી ગઈ છે. કારણ કે મહા મહેનતે પકાવેલી ડુંગળી માર્કેટયાર્ડમાં લઈ જતા ધૂતારપર ગામના ખેડૂતને 23 મણ ડુંગળીના નફાના ધોરણે જે ભાવ મળવા જોઈએ તે ભાવ તો ન મળ્યા પરંતુ ખરાજાત બાદ કરતા આ ખેડૂતને 131 રૂપિયા સામાં ચૂકવવાની નોબત આવી છે.
ગોંડલ યાર્ડમાં ડુંગળી લઈને ગયેલા જામનગર તાલુકાના બજરંગપુર ગામના ખેડૂતને 8 થી 9 મણ ડુંગળીના માત્ર રૂપિયા 10 ભાગમાં આવ્યા, ખેડૂત સાથે થયેલ ક્રૂર મજાક હજુ વિસરાઈ નથી ત્યાં વધુ એક ખેડૂત સાથે આવો જ અન્યાય થયો છે આ વખતે ખેડૂતને આવક થવાના બદલે સામા પૈસા ચૂકવવાનો વારો આવ્યો છે વાત જાણે એમ છે કે જામનગર તાલુકાના ધુતારપર ગામના જમનભાઈ કુરજીભાઈએ પોતાના ખેતરમાં પકવેલી 23 મણ 12 કિલો ડુંગળી લઈને રાજકોટ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં વેચાણ કરવા ગયા હતા ગઈકાલે તેમની ડુંગળી આરકે ટ્રેડિંગ નામની પેઢીમાં ગઈ હતી.
જ્યાંથી જય ગુરુદેવ ટ્રેડર્સ નામની પેઢીએ જમનભાઈની 23 મણ 12 કિલો ડુંગળી 21 રૂપિયા મણ લેખે ખરીદી હતી. 23 મણ 12 કિલો ડુંગળીના જમનભાઈને માત્ર રૂપિયા 495 ઉપજ્યા, પરંતુ કઠણાઈ હવે શરૂ થાય છે કારણ કે ડુંગળી ઉતરાઈના 36 રૂપિયા, ટ્રક ભાડાના 590 રૂપિયા આમ કુલ ખરાજાત 626 રૂપિયા થઈ, આમ ખેડૂતને 131 રૂપિયા પેઢીને પરત દેવાના થયા હતા. ડુંગળી બિયારણ, વાવણી, સિંચાઈ, ખાતર-દવા અને મહેનત તેમજ લણણી બાદ ટ્રાન્સપોર્ટેશન સુધીની પ્રક્રિયામાં ખેડૂતને એક મણ ડુંગળી પકવતા રૂપિયા 200 થી 300 રૂપિયાનો ખર્ચ થાય છે.
જ્યારે ખેડૂત ડુંગળીનો પાક લઈ વેચાણ કરવા જાય છે ત્યારે હાથમાં નફને બદલે માત્ર નિરાશાના આશુ બચે છે. વર્તમાન સમયમાં ખેડૂતને નફાના પૈસા તો ઠીક પરંતુ સામા ચૂકવવાનો વારો આવ્યો છે.સરકાર ખેડૂતોની ડબલ આવક કરવાના ભણીગા ફૂંકી રહી છે પરંતુ હાલ સ્થિતિ એવી છે કે ખેડૂતે પકવેલી જણસી પર સામા પૈસા ચૂકવવાનો વખત આવ્યો છે
સરકારની કૃષિ લક્ષી નીતિ બરાબર જ છે પરંતુ વેપારીઓની સંગ્રહખોરી અને રીંગ પદ્ધતિના કારણે ખેડૂત પીસાઈ રહ્યો છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય વ્યાપારની નીતિ પણ સરકારે સુધારવી જોઈએ તો જ ખેડૂતોને ન્યાય મળી શકે એમ વિદ્વાનોએ મત વ્યક્ત કર્યો છે. સરકાર ડુંગળીને પણ ટેકાના ભાવે ખરીદી કરે અથવા તો સહાય કરવા આગળ આવે તો જ હાલની સ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાશે અન્યથા એવું થશે કે ખેડૂતો ડુંગળીનું વાવેતર કરવાથી વિમુખ થઈ જશે.