કોરોનાની સાથોસાથ કુદરત પણ ક્રૂર બનતો હોય તેવી ઘટના ગોંડલના ભાલાળા પરિવારમાં બનવા પામી છે 12 દિવસના અંતરે જ વૃદ્ધ દંપતી બાદ નાના પુત્રનું નિધન થતા પરિવાર શોકમગ્ન બન્યો છે.
ગોંડલના બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગરમાં રહેતા અને મર્કન્ટાઈલ બેન્કમાં ડેઈલી કલેક્શનનું કામ કરતા કેતનભાઇ ભાલાળાના પિતા ઘુસાભાઇ (ઉ.વ. 72) કોરોનાથી સંક્રમિત થતા ગત તારીખ 29 એપ્રિલના મોતને ભેટયા હતા પરિવાર હજુ ઘરના વટવૃક્ષ સમાન પિતાના નિધનના શોકમાંથી ઊગર્યો નહોતો ત્યાં જ માતા જમકુબેન (ઉ.વ.68)ને કોરોનાની ભરખી જતા તેમનું તારીખ 7 શુક્રવારના અવસાન થયું હતું. કુદરતને કાળજે હજુ ટાઢક ન પહોંચી હોય ત્યાં પરિવારના સૌથી નાના લાડકવાયા કેતનભાઇ (ઉ.વ.43)નું કોરોના ના કારણે નિધન થતા પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી દુવિધા ઉભી થવા પામી હતી
ભાલાળા પરિવાર પર અચાનક આવી પડે કાળ રૂપી આફત અંગે અનિલભાઈ ભાલાળા અને દિનેશભાઇ ભાલાળા એ જણાવ્યું હતું કે અમે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે અમારા પરિવારના ત્રણ ત્રણ સભ્યો માત્ર 12 દિવસના ટૂંકા સમયમાં જ અનંતની વાટ પકડી લેશે હૃદય હજુ પણ માનવા તૈયાર નથી કે અમારા સાથે આવી ઘટના બની ગઈ છે, કેતનભાઇને સંતાનમાં એક દીકરો દીકરી છે અને માતા-પિતાની સાથે રહેતા હતા અમે પણ આજુબાજુના મકાનમાં જ રહીએ છીએ આમારા પરિવારને કોરોનાની નજર લાગી ગઈ હતી જેના કારણે પરિવારનો માળો વિખાઈ જવા પામ્યો છે પરિવારના ત્રણેય વ્યક્તિઓ માટે દવા દુઆ બધું જ કરી છૂટ્યા પરંતુ કશું જ કારગર ન નીવડ્યું.