સમાજમાં આબરૂદાર પરિવાર પોતાની ઇજ્જત બચાવવા આત્મહત્યાની ઘટના પર ઢાંકપીછોડો કરવાના હીન પ્રયાસ
પરિવારમાં એકને મળતું મહત્વ અને બીજાને હાસીયામાં ધકેલી દીધાની લઘુતાગ્રંથી પિડિત વ્યક્તિ જીવન ટૂંકાવે છે
અબતક,રાજકોટ
સમાજમાં મોભાદાર પરિવારમાં ચાલતા આંતરિક કલેશના કારણે આપઘાત અને સામુહિક આત્મહત્યાની ઘટના અવાર નવાર પ્રકાશમાં આવે છે. ત્યારે સભ્ય સમાજ સ્તબ્ધ બની જતો હોય છે. આવી ઘટના પાછળની વાસ્તવીક વિગત કયારેય જાહેર થતી નથી પરંતુ ભદ્ર સમાજ પોતાની આબરૂ અને ઇજ્જત બચાવવા વિવિધ કારણો આગળ ધરી વાસ્તવીકતા છુપાવવાના હીન પ્રયાસ કરે છે ત્યારે સુખી સંપન પરિવારની સંપતિના વારસદારો મિલકત અને વહીવટ સંભાવવા જેવી બાબતે લઘુતાગ્રંથીથી પિડીત હોય છે. તેઓ આત્મહત્યા કે આપઘાતના પ્રયાસ કરતા હોય છે.
શહેરના નાના મવા વિસ્તારમાં આવેલી રાજ રેસીડેન્સીમાં રહેતા જીતેન્દ્રભાઇ દેવરાજભાઇ સખીયા નામના પટેલ યુવાને પોતાના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જીતેન્દ્રભાઇ સખીયા બેડી માકેર્ટીંગ યાર્ડના ડીરેકટર છે. તેમના પિતા ડી.કે.સખીયા રાજકોટ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ છે. ગર્ભશ્રીમત ગણાતા પરિવારના પુત્ર જીતેન્દ્રભાઇ સખીયાએ સગાઇના બીજા જ દિવસે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા તરેહ તરેહની ચર્ચા થઇ રહી છે.
આવી જ એક ઘટના થોડા વર્ષો પહેલાં માધાપર ગામે બની હતી. સુખી સંપન પરિવારની એક સાથે છ વ્યક્તિઓએ સામુહિક આપઘાત કર્યો હતો જેનું કારણ આજે પણ અકબંધ રહ્યું છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના ખેડુત આગેવાનના પરિવારના પુત્રએ કરેલા આપઘાત પાછળનું રહસ્ય બહાર આવ્યું નથી. નેપાળના રાજ પરિવારમાં પણ ફાયરિંગ કરી એક સાથે પરિવારનો નરસહાર કરી હત્યાકાંડ સર્જી દેતા સમગ્ર વિશ્ર્વમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
સમાજ અરિસો છે. સમાજમાં ટકી રહેવા માટે માભાદાર કે પછી સામાન્ય પરિવાર દ્વારા પોતાની આબરૂ બચાવવા પ્રયાસો કરતા હોય છે. ભદ્ર સમાજ પોતાનો મોભો જાળવવા પરિવારમાં પોતાના ઉતરાધિકારી તરીકે એકને મહત્વ અને બીજાને હાસીયામાં ધકેલાતા હોય છે. સમાજમાં બદલાવ આવી રહ્યો છે. ત્યારે પરિવારના મોભી પોતાના જ પરિવારમાં ચાલતી ભેદભાવની નિતિ કયાંક જવાબદાર હોય છે. આર્થિક રીતે સુખી ગણાતા પરિવાર લઘુતાગ્રંથીના કારણે પિડીત વ્યક્તિ કયાકે જોખમી પગલું ભરી પોતાના જીવનનો અંત આણતા હોય છે તો ક્યારેક હત્યાકાંડ સર્જી દેતા હોય છે. જે વાસ્તવીક ઘટના છે તેમ છતાં ભદ્ર સમાજમાં બનેલી ઘટના પર ઢાંકપીછોડો કરવામાં આવે છે. જે ખરેખર સમાજ માટે લાલબતી સમાન છે.