- ન્યારી ડેમ પાસે અકસ્માતની ઘટનામાં ઈજાગ્રસ્ત પરાગનું મો*ત.
- પરાગના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ
- ન્યાય ન મળે ત્યાં સુધી મૃ*તદેહ ન સ્વીકારવાનો નિર્ણય
- પોલીસે અકસ્માત કરનાર કાર ડ્રાઇવર સગીર યુવકની કરી ધરપકડ
- પોલીસને ગેરમાર્ગે દોરનાર પ્રવિણસિંહ જાડેજાની પોલીસે કરી ધરપકડ
- પરિવારજેનોએ ગૃહ મંત્રીને પણ ન્યાય અપાવવા કરી વિનંતી
ન્યારી ડેમ પાસે થોડા દિવસ પહેલા કારે અડફેટે લેતાં ગંભીર રીતે ઘવાયેલા પરાગ ગોહેલને તબીબોએ બ્રેઇન ડેડ જાહેર કર્યા બાદ શનિવારે સાંજે તેણે ખાનગી હોસ્પિટલમાં દમ છોડી દીધો હતો. આ અકસ્માત અંગે તેના શેઠે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. હવે તેણે પોલીસે કાર ચાલક નબીરાને બચાવવા માટે બીજા ચાલકને આગળ ધરી દીધાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. જે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે.
આશાસ્પદ યુવકના મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટ્યો
રાજકોટનાં ન્યારી ડેમ રોડ પર ગત 21 માર્ચનાં રોજ પૂરઝડપે આવતી એક સફેદ કલરની કારે એક્ટિવા સવાર યુવક પરાગ ગોહેલને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં પરાગ ગોહેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જો કે, 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મો*ત નીપજ્યું છે. યુવકનાં મો*તથી પરિવારનો શોકનો માહોલ સર્જાયો છે. જો કે, પરિવારજનોએ ન્યાયની માગ કરી છે અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃ*તદેહ સ્વીકારવામાં નહીં આવે તેવો નિર્ણય કર્યો છે. પીડિત પરિવાર સાથે બહોળી સંખ્યામાં સમાજનાં લોકો અને આગેવાનો હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે.
આ દરમિયાન અકસ્માત કરનાર પ્રવિણસિંહ જાડેજા વિરૂદ્ધ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અને પોલીસને ગેરમાર્ગે દોરનાર પ્રવિણસિંહ જાડેજાની પોલીસે ધરપકડ કરી હતી. તેમજ આ સમગ્ર ઘટનાક્રમ પછી પરિવારજેનોએ ગૃહ મંત્રીને પણ ન્યાય અપાવવા વિનંતી કરી હતી.
‘ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે’
અનુસાર માહિતી મુજબ, ખાનગી હોસ્પિટલ ખાતે પોલીસ મૃ*તદેહનું પંચનામુ કરવા પહોંચી છે. તેમજ મૃ*તદેહને ફોરેન્સિક PM માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવશે. આ કેસમાં પીડિત પરિવારે પોલીસની કાર્યવાહી સામે સવાલ ઊઠાવ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરિવારજનોનો આરોપ છે કે પોલીસ અકસ્માતમાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે, ઘટનાનાં CCTV ફૂટેજ અને પોલીસનાં નિવેદન અને દાવાઓમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો હોવાના આક્ષેપો છે. આ કેસમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તો અનેક રહસ્ય ઉજાગર થઈ શકે તેમ છે તેવું પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.