ઇકોના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત: ચારને ઇજા, બે વર્ષની બાળકીનો આબાદ બચાવ
રક્ષાબંધનના પૂર્વ દિવસે ધોરાજીના અમદાવાદથી રાણાવાવ પાસેના મોકર ગામે વતનમાં તહેવાર કરવા આવી રહેલ વિપ્ર પરિવારની કારને અકસ્માત થતા વિપ્ર દંપતીના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે ચારને ગંભીર ઇજા થઇ હતી. જ્યારે બે વર્ષની એક બાળકીનો આબાદ બચાવ થયો હતો.
મળતી માહિતી મુજબ મૂળ મોકર ગામના વતની અબોટી બ્રાહ્મણ પ્રવીણભાઈ રાજાભાઈ લગધીર અમદાવાદ ખાતે મારુતિ કુરિયરમાં કામ કરતા હતા. તેઓ રક્ષાબંધન તહેવારે વતન મોકર આવવા નીકળેલ હતા. ત્યારે આજ રોજ સવારે અંદાજીત સાડાસાત વાગ્યે ધોરાજીના ભૂતવડ પાટિયા પાસે કોઈ ઢોર અચાનક વચ્ચે પડતા તેને બચાવવા ઇકો કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી બેસતા ઇકો કાર ઉછળી ને રોડ સાઈડમાં આવેલ એક કારખાનની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
જેમાં પ્રવીણભાઈ રાજાભાઈ લગધીર અબોટી બ્રાહ્મણ ઉવ ૩૫ તેમજ ગીતાબેન પ્રવીણભાઈ લગધીર ઉવ.૩૨ રે. મૂળ મોકર હાલ અમદાવાદ ના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા. જ્યારે કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી હતી.
કિરીટભાઈ દેવજીભાઈ જોશી ઉવ ૩૭, પ્રિયાબેન રામભાઈ લગધીર ઉવ ૨૨, મગનભાઈ કેશુભાઈ જોશી ઉવ ૨૨, મંજુબેન કિરીટભાઈ જોશી ઉવ ૩૭ ને ઇજાઓ પહોચી હતી. તેમજ બે વર્ષની બાળકીનો આબાદ બચાવ થયો હતો. આ બનાવ બાદ ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી મૃતકના પરિવારજનોને સાંત્વના આપી લીગલ કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી હતી. રક્ષાબંધનના પૂર્વ દિવસે થયેલા ગમખ્વાર અકસ્માતમાં વિપ્ર દંપતીના મોતથી બ્રહ્મસમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માતના બનાવ અંગે ધોરાજી પોલીસ વિષેસ તપાસ ચલાવી રહી છે.