બનાવની બે દિવસ પહેલા યુવાનને રૈયાધારમાં અમુક શખ્સો સાથે માથાકુટ થઇ હતી: સિવિલ હોસ્પિટલમાંથી ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ બાદ શનિવારે સવારે તેની લાશ મળી
અબતક,રાજકોટ
રાજકોટના રૈયાધારમાં રહેતો યુવાન ભેદી સંજોગોમાં લાપતા થયા બાદ ભોમેશ્ર્વર ફાટક પાસે રેલવેના પાટા પરથી તેની લાશ મળી આવ્યા બાદ મૃતક યુવાનના પરિવારજનોએ હત્યાની શંકા વ્યકત કરી પોલીસને અરજી આપી તપાસ કરવા માંગણી કરી છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર સોપાન હાઇટસ પાસે રહેતા જયેશ વસંતભાઇ ડાભી (ઉ.વ.ર૩) નામનો યુવાન ગુરુવારે તા.રના રોજ સીવીલ હોસ્પિટલમાંથી ભેદી સંજોગોમાં લાપતા થયા બાદ તા.૪ ને શનિવારે સવારે તેની ભોમેશ્ર્વર ફાટક નજીક રેલવેના પાટા પરથી હાથ પગ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.આ અંગે ગાંધીગ્રામ પોલીસે એડી નોંધી તપાસ હાથ ધરી છે ત્યારે આજે મૃતક યુવાનના પરિવારજનો પોલીસ મથકે ધસી જઇ જયેશ ડાભીની હત્યા થયાની શંકા વ્યકત કરી સઘન તપાસ કરવા માંગણી કરી છે. મૃતક યુવાનની બહેન જયોતિ ડાભી, ભાઇ કરણ ડાભી, મામા હરેશભાઇ પરમાર સહીતના પરિવારજનોએ પોલીસને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે જયેશ ડાભીને બુધવારે રૈયાધાર વિસ્તારમાં નેપાળી શખ્સ સાથે માથાકુટ થઇ હતી. ત્યારબાદ બુધવારે રાત્રે જયેશને ઘરેથી બોલાવી જઇ ચારથી પાંચ શખ્સોએ અપહરણ કરી ગયા હતા અને ગુરુવારે સવારે જયેશ પર છરી વડે હુમલો કરી સિવીલ હોસ્પિટલમાં દાખલ કરી ગયા હતા.
સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ જયેશ સાથે હુમલાખોરોએ સમાધાન કરી લઇ પોલીસ સમક્ષ બળજબરીથી પોતાની જાતે હાથમાં છરી લાગી ગઇ હોવાનું નિવેદન લખાવ્યા બાદ જયેશ સીવીલ હોસ્૫િટલમાંથી સાંજે ભેદી સંજોગોમા લાપતા થઇ ગયો હતો.બુધવારે રાત્રે જયેશનું અપહરણ થયા બાદ તેના પરિવારજનોએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ કરવા ગયા હતા. પરંતુ પોલીસે ગુનો નોંૅધવાતા બદલે અરજી લઇ તપાસ કરશું તેમ જણાવ્યું હતું બાદમાં જયેશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો.પોલીસની પુછપરછમાં જયેશ બે ભાઇ એક બહેનમાં નાનો હોવાનું અને કલર કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. જયારે આ ઘટના આપઘાતની હોવાનું પોલીસે જણાવ્યું છે જો કે પરિવારજનો હતયાની શંકા વ્યકિત કરી રહ્યા છે.