- કંડલા ઈમામી એગ્રોમાં ગેસ ગળતરથી પાંચના મોતના મામલે
- મંગળવારે મધરાત્રે સર્જાયેલી દુર્ઘટનાનું કારણ જાણવા તપાસનો ધમધમાટ
કંડલા સ્થિત ઇમામી એગ્રોટેક લિમિટેડ નામની કંપનીમાં મંગળવારે મધરાતે ગેસ ગળતર થતાં સુપરવાઇઝર સિદ્ધાર્થ રાઘવરામ તિવારી(ઉ.વર્ષ 29, હાલ રહે છ વાળી આદિપુર, મૂળ રહે મોરિયા,જિલ્લો દંતિયા, રાજ્ય મધ્યપ્રદેશ) તથા અમજદ યુનિશ ખાન (ઉંવ 32, રહે હાલ છ વાળી આદિપુર, મૂળ રહે વિકાસ નગર આલમપુર ગાગેપુરા, તાલુકો લાચદ, જિલ્લો ભીંડ,રાજ્ય મધ્યપ્રદેશ), આશિષ ઓમ પ્રકાશ ગુપ્તા (ઉંમર વર્ષ 32, રહે સેક્ટર સાત ગણેશ નગર, ગાંધીધામ,મૂડ રહે. ગંગોરા, જિલ્લો શિવપુરી, રાજ્ય મધ્ય પ્રદેશ), આશિષ કુમાર ઓમ પ્રકાશ કુમાટ (ઉંમર વર્ષ 24, રહે. હાલ છ વાળી આદિપુર, મૂળ રહે મૌઘા,જિલ્લો ગાજીપુર, રાજ્ય ઉત્તર પ્રદેશ)અને બોઇલર ઓપરેટર સંજુજી ઉર્ફે સંજય વિનાજી ઠાકોર (ઉંમર વર્ષ 29, રહે હાલ મિંડ્ઢ ગલી નંબર 92,12 વાળી આદિપુર, મૂળ રહે. વનાસણા, તાલુકો સિદ્ધપુર, જિલ્લો પાટણ) નામના યુવાનોના મોત થયા હતા. પાંચ મોતના પગલે ભારે હાહાકાર મચી ગયો હતો. કંપનીમાં થયેલી આ હોનારત બાદ પાંચેયની લાશ રામબાગ હોસ્પિટલમાં રાખવામાં આવી હતી, જે બુધવારે સાંજ સુધી તેમના પરિવારજનોએ સ્વીકારી ન હતી. રામબાગ ખાતે એકત્ર થયેલા લોકોએ જણાવ્યું હતું કે,ગેસ ગળતર થતાં પ્રથમ બેને અસર થઇ હતી જે જોઇને અન્ય સીડી વાટે નીચે જતાં તેમને અસર થઇ હતી. અંતે બોઇલર ઓપરેટર સંજય ત્યાં કોઇને ન જોઇ ટાંકામાં જોવા જતાં ચાર લોકોને અંદર જોઇને તે અંદર જતાં તેને પણ અસર થઇ હતી, જેમાં આ પાંચેયના જીવ ગયા હોવાનું રામબાગ ખાતે આવેલા લોકોએ જણાવ્યું હતું. આ અંગે કંડલા પોલીસનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, અન્ય ટાંકાઓમાંથી પાઇપ વાટે સ્લજ નીકળતો ન હોવાથી સુપરવાઇઝર સિદ્ધાર્થ તેની તપાસ કરવા ગયો હતો. તપાસ કરતાં કરતાં તે સીડી વાટે નીચે ટાંકામાં ઊતર્યો હતો, જેમાં તેને ગેસ ગળતર થતાં આ જોઇને અન્ય બે શ્રમિક પણ અંદર ગયા હતા, તેમને પણ ગેસ ગળતર નડયું હતું. બાદમાં બીજા બે લોકો જતાં તેમને પણ જીવ ખોવાનો વારો આવ્યો હતો. આ પાંચેયને પ્રથમ આદિપુરની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રામબાગ હોસ્પિટલ લઇ જવાયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તમામને મૃત જાહેર કર્યા હતા. રિફાઇન્ડ કરતી કંપનીમાં ગેસ ગળતર કેવી રીતે થયું અથવા મૃત્યુ પાછળનું સચોટ કારણ જાણવા તપાસ ચાલી રહી છે. મૃતકના પરિવારજનોએ વ્યક્તિદીઠ 50 લાખની માંગણી કરી હતી અને જ્યાં સુધી માંગણી સ્વીકારાય નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અંતે મોડી સાંજે કંપની તરફથી દરેક મૃતકના પરિવારને રૂ.10 લાખની સહાય આપવાનું જાહેર થતાં મૃતદેહ સ્વીકારાયા હતા. આ સિવાય લીગલ સહાય પણ મૃતકોના પરિવારને મળશે એવું પણ કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું.