જૂનાગઢમાં રખડતા પશુઓ અને આવા પશુઓ દ્વારા સર્જાતા ગમખ્વાર અકસ્માતોની અનેક ફરિયાદો છતાં મનપા કે પોલીસ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની અનેક ફરિયાદ ઉઠવા પામી હતી ત્યારે તાજેતરમાં પશુઓ દ્વારા સર્જાયેલ અકસ્માતની ઘટનામાં મૃતકના પરિવારજનો દ્વારા જવાબદાર તંત્ર સામે રૂપિયા એક કરોડનો દાવો માંડવામાં આવ્યો છે, અને તેમાં જૂનાગઢ મનપા કમિશનર, પોલીસ અધિક્ષક અને ગૃહ વિભાગને પક્ષકાર તરીકે જોડવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.
જાણવા મળતી વિગતો અનુસાર ગત તારીખ 1 માર્ચ 2021 ના રોજ ગિરનાર દરવાજા પાસે બે ખુંટીયા બાંધતા હતા ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા મોટરસાયકલને આ ખુટીયાઓએ અડફેટે લેતા પ્રવીણભાઈ નારણભાઈ વાળાનું આ અકસ્માતમાં મૃત્યુ નીપજયું હતું જયારે તેમની સાથેના કિશોરભાઇ નારણભાઈ વાળાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને આંખે અંધાપો તથા કાને બહેરાશ આવી જવા પામી હતી.
આ બાબતે અકસ્માતનો ભોગ બનેલાના પરિવારજનોએ જૂનાગઢના સિનિયર ધારાશાસ્ત્રી દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેમનો યોગ્ય પ્રત્યુતર નહી મળતા ભોગ બનનારના પરિવારજનો એ જૂનાગઢના જાણીતા ધારાશાસ્ત્રી પી.ડી. ગઢવી દ્વારા જૂનાગઢની કોર્ટમાં અકસ્માતના વળતર પેટે રૂપિયા એક કરોડનો દાવો દાખલ કરેલ છે અને તેમાં જૂનાગઢ મનપાના કમિશનર, જુનાગઢ પોલીસ વડા અને ગૃહ વિભાગને જોડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગો અને શહેરના તમામ મહોલ્લા અને સોસાયટી વિસ્તારોમાં રખડતાં ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે અને આ અંગે અનેક રજૂઆતો મનપામાં કરવામાં આવી છે, છતાં પણ મનપા દ્વારા રખડતા પશુઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાની લોકોમાં વ્યાપક ફરિયાદો અને બુમો ઉઠી રહી છે, ત્યારે જ મનપા સહિતના જવાબદાર તંત્ર સામે એક કરોડનો દાવો થતાં જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.