‘પ્રેમ’ને કોઈ સીમાડો નથી હોતો!!!
અનૈતિક મજબુરી, દબાણ, સંજોગોનો ભોગ કે બ્લેકમેઈલીંગથી નહીં પરંતુ સાચા પ્રેમના સંબંધો માટે હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
પ્રેમ અને વહેમમાં મસમોટો તફાવત છે… પ્રેમ લાગણી સાથે જોડાયેલી બાબત છે. સાચો પ્રેમ શારીરિક સંબંધોથી ઉપરની બાબત છે. સમલૈંગિક સંબંધોની વાત નીકળે ત્યારે સમાજ શરમ અનુભવે છે. સમલૈંગિકોના હક્ક માટે અવાજ ઉઠાવવામાં ખચકાય છે. જો કે, ભારતીય કાયદામાં તમામને એકસમાન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તાજેતરમાં ઓરિસ્સા હાઈકોર્ટે સમલૈંગિકો માટે ખુબ મહત્વનો ચૂકાદો આપ્યો છે. જેમાં હાઈકોર્ટે નોંધ્યું છે કે, પ્રેમના કોઈ સીમાડા નથી હોતા… સહમતીથી બંધાયેલા સમલૈંગિક સંબંધોમાં પરિવાર વિક્ષેપ કરી શકે નહીં.
સમલૈંગિક સંબંધો ઉપર શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. અનૈતિક મજબુરી, દબાણ, સંજોગોનો ભોગ કે બ્લેકમેઈલીંગનો ભોગ પણ કેટલીક વાર લોકો બને છે. જો કે, સાચા પ્રેમ બાબતે હાઈકોર્ટનો નિર્ણય મહત્વનો સાબીત થયો છે. તાજેતરમાં બે મહિલા સમલૈંગિકો મુદ્દે હાઈકોર્ટમાં મામલો પહોંચ્યો હતો. જ્યાં ન્યાયાધીશ એસ.કે. મિશ્રા અને સાવિત્રી રાઠોની ખંડપીઠે મામલો સાંભળ્યો હતો. આ મામલામાં બન્ને યુવતીઓ લીવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી. જો કે, યુવતિઓને તેમની માતા સહિતના સંબંધીઓ દ્વારા અલગ કરી દેવામાં આવી હતી.
કોર્ટે આ કેસમાં નોંધ્યું હતું કે, બન્ને યુવતીઓ ૨૦૧૭થી લીવ ઈન રિલેશનશીપમાં છે. બન્ને ૨૦૧૧માં પ્રેમમાં હતી. આ કેસમાં મહિલાઓને રક્ષણ આપતા પ્રોટેકશન ઓફ હ્યુમન ફ્રોમ ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ ૨૦૧૫ હેઠળ પણ કાર્યવાહી થઈ છે. લીવ ઈન રિલેશનશીપમાં રહેવા હક્ક મળે છે. જો બન્ને પક્ષ લીવ ઈન રિલેશનશીપમાં રહેવા સહમત હોય અને સમલૈંગિક હોય તો પણ તેમને છુટા પાડી શકાય નહીં. અલબત આ મામલો લોકોની લાગણીનો છે વહેમ નહીં પરંતુ પ્રેમનો છે.
વડી અદાલતે પણ સમલૈંગિક સંબંધો માટે થોડા વર્ષ પહેલા મહત્વનો ચુકાદો આપ્યો હતો. માનવ અધિકારની તર્જ ઉપર પણ બન્ને યુવતિઓને સાથે રહેવાનો હક્ક છે. સમલૈંગિક હોવાથી તેની સુગ રાખી શકાય નહીં. આ કેસમાં હાઈકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટે આપેલા વિવિધ ચુકાદાઓને આગળ ધરીને નિર્ણય લેવાયો હતો.