વેશ પલ્ટો કરી માતાજીના નામે દાપુ માંગી નિ:સંતાન દંપતીનો વિશ્વાસ કેળવી રોકડ અને ઘરેણા તફડાવ્યા હતા : રૂ.પ.6ર લાખનો મુદામાલ કબ્જે
વડોદરા શહેરનાં વાઘોડીયા રોડ પરનાં એપાર્ટમેન્ટમાં રહેતા દંપતીને સંતાનની લાલચ આપી રોકડ અને સોનાનાં ઘરેણા વિધી કરવાનાં બહાને તફડાવી જવાનો ગુનાનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી રાજકોટનાં નકલી કિન્નરની ધરપકડ કરી રૂ. પ.6ર લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાઘોડિયા રોડ ઉપર રહેતા તનવીબેન ઇવેન્ટ પ્લાનર તરીકે કામ કરે છે. એક સપ્તાહ પૂર્વે તેમના ફ્લેટમાં કિન્નર આવ્યો હતો અને લોકોના ઘરોમાં દાપુ ઉઘરાવીને તનવીબેનના ઘરે પણ આવી પહોંચ્યો હતો અને દાપુની માંગ કરી હતી.કિન્નર દાપુ માંગતા તનવીબેને 20 રુપિયા આપ્યા બાદ કિન્નરે પાણી માંગતા અને ગરમી લાગતી હોવાનું જણાવતા કિન્નર ઉપર ભાવુક થઇ ગયેલી તનવીએ કિન્નરને ઘરમાં બેસાડ્યા હતા. તે સમયે તનવીબેનના પતિ પણ ઘરમાં હતા.
તનવીબેન સંતાન માટે વાત કરતા કિન્નરે જણાવ્યું હતું કે, માતાજી સારા દિવસો લાવશે. ચિંતા કરશો નહીં, તેમ જણાવતા શેરમાટીની ખોટ પુરવા માટે દંપતીએ કિન્નરમાં પોતાનું સપનું પૂરું થવાનું જોઇ બેઠા.ઠગ કિન્નરે દંપતિનો વિશ્વાસ કેળવી લીધા બાદ માતાજીની પૂજા-પાઠ કર્યાં બાદ સંતાન પ્રાપ્તી અવશ્ય થશે તેમ જણાવતા દંપતીએ સોનાની ચેઇન, સોનાની વીંટી અને રુપિયા 1200 રોકડા આપી દીધા હતા. 15 મિનિટમાં આવું છું. તેમ જણાવીને ઘર છોડ્યા બાદ પરત ફર્યો ન હતો. કલાકો સુધી કિન્નર ન આવતા દંપતીને લાગ્યું હતું કે, કિન્નર છેતરપિંડી કરી દાગીના અને રોકડ પડાવી ગયો છે. તનવીબહેને ઠગ કિન્નર સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. એમ.એફ. ચૌધરી સહીતની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી આધારે ડભોઇ રોડ વિસ્તાર ખાતેથી કાર સાથે શંકાસ્પદ ઇસમ મહેશનાથ ઝવેરનાથ પરમાર ઉ.વ 41 (રહે,તરઘડી,રાજકોટ) મળી આવ્યો હતો. તેની પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યુ હતું કે, એક અઠવાડિયા પહેલા ઠગાઈ કરવાના હેતુસર કારમા વડોદરા આવી સાડી, બ્લાઉઝ, ચણીયાની મદદથી કિન્નર જેવો વેશ ધારણ કરી વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા પતિ-પત્નિને સંતાનપ્રાપ્તિની લાલચ આપી પૂજા કરવાના બહાને છેતર્યા હતા. મહેશનાથ ઝવેરનાથ પરમાર પાસેથી કુલ રુપિયા 5,62,350નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને તેને પાણીગેટ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો છે.
ઠગે રાજય વ્યાપી ગુના આચર્યા
પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આરોપી જુદા-જુદા નામ ધારણ કરી આર્થિક ફાયદા માટે કિન્નરનો વેશ ધારણ કરી ઠગાઇના ગુના આચરતો હતો. રાજ્યના ગોધરા, ગાંધીનગર, ડીસા, વડોદરા, અમદાવાદ, સુરત, કચ્છ, ભરુચ ખાતેના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 15થી વધુ ગુનાઓ નોંધાયા છે. તે ઉપરાંત મારામારી, જુગાર અને દારુ પીવાના ગુનામાં અમદાવાદ તથા રાજકોટમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ છે.