ગરવા ગિરનારની જેમ હવે ગબ્બરની પણ પ્રદક્ષિણા; એક જ સ્થળ અંબાજીથી તમામ 51 શકિતપીઠોના દર્શન થઈ શકશે…!!
ગબ્બર પરિક્રમા આગામી ફેબ્રુઆરી-માર્ચથી શરૂ થાય તેવી શકયતા, દેશ-વિદેશના લોકો શકિતપીઠોની જાણકારી મેળવી શકે તેવો હેતુ- કલેકટર આનંદ પટેલ
અંબા અભય પદ દાયિની રે… શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયિની રે.., આરાસુરમાં અંબા કરે રે કિલોલ…. આરાસુરની ટેકરી પર બિરાજમાન મા આદ્યશક્તિની ફરતીકોર ભક્તો પગપાળા ચાલી ભક્તિ કરી શકશે. માઈ ભક્તો હવે આવા રાસ-ગરબા ગાતા ગાતા શક્તિપીઠની પરીક્રમા કરી શકશે. જી હા, શ્રદ્ધાળુઓની આસ્થા હવે ફળશે… ગુજરાતના ગરવા ગિરનારની જેમ ભાવિક ભક્તો હવે ગબ્બરની પણ પરિક્રમા કરી શકાશે..!!
પ્રખ્યાત તીર્થસ્થાન નગર અંબાજીથી ગબ્બર ટેકરી
તરફ જતા માર્ગના નવીનીકરણ કાર્ય હાથ ધર્યા પછી, હવે 51 શક્તિપીઠોની ફરતે ભક્તોને ઉઘાડપગું પરિક્રમા કરવાની મંજૂરી મળશે. ઉલ્લેખનીય છે કે મા સતીના શરીરના ટુકડાઓરૂપી પૃથ્વી પર 51 શક્તિપીઠો સ્થાપિત છે જે ભારત બહાર શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ અને તિબેટમાં પણ છે. આ તમામ જગ્યાએ જઈ માઇ ભક્તોને દર્શન કરવા અઘરું પણ પડતું. આથી વડાપ્રધાન નરેન્દ્રમોદીના નેતૃત્વ હેઠળ બનાસકાંઠા સ્થિત અંબાજીમાં જ 51 શક્તિપીઠો સ્થાપિત કરાયા છે જેથી ભક્તો અહીં એક જ સ્થળેથી તમામ શક્તિપીઠના દર્શન કરી શકે. અલગ અલગ ગુફાઓ પણ અહીં થોડા વર્ષો પહેલા બનાવવામાં આવી છે.
ત્યારે હવે દર્શન ઉપરાંત ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા પણ કરી શકે તે પ્રકારનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના કલેકટર આનંદ પટેલના જણાવ્યા અનુસાર આગામી ફેબ્રુઆરી અથવા માર્ચ મહિનાથી ગબ્બર પરિક્રમા શરૂ થાય તેવી ધારણા છે. આ અંગે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ આગામી ટૂંક સમયમાં ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવશે.