- પાંચ દિવસમાં અંદાજે 17 લાખ લોકો મેળામાં મહાલ્યા : લોકોએ છુટ્ટા હાથે પૈસા વાપર્યા, ધંધાર્થીઓને કરોડોનો વ્યાપાર, સ્થાનિક અર્થતંત્રને મળ્યું બૂસ્ટર ડોઝ
- કલેક્ટર અરુણ મહેશ બાબુ અને પ્રાંત અધિકારી કે.જી.ચૌધરીની મહેનત રંગ લાવી, તમામ વ્યવસ્થા ઉડીને આખે વળગી : પોલીસની પણ કાબીલેદાદ કામગીરી, મેળાને ઝડબેસલાક સુરક્ષા આપી
કાઠીયાવાડની રોનક બનેલો એવો રાજકોટનો આઝાદીનો અમૃત લોકમેળો એક દિવસ લંબાવાયા બાદ આજે પણ યથાવત રહ્યો છે. આ મેળાને પાંચ દિવસમાં અંદાજે 17 લાખ લોકોએ માણ્યો છે. લોકોએ છુટ્ટા હાથે પૈસા વાપરતા ધંધાર્થીઓને કરોડોની કમાણી થઈ છે.
જેને પરિણામે સ્થાનિક અર્થતંત્રને બુસ્ટર ડોઝ મળ્યું છે.લોકમેળામાં સાતમના દિવસથી જ ચિક્કાર ભીડ જોવા મળી હતી. બે વર્ષ બાદ મેળાનો જલસો જામતા મેઘરાજાએ પણ તેમાં વિઘ્ન પાડવાનું મોકૂફ રાખ્યું હોય લોકોએ મનભરીને આનંદ અને ઉલ્લાસ સાથે મેળાને માણ્યો હતો.
આ મેળામાં કલેકટર અરુણ મહેશ બાબુ અને પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીની મહેનત રંગ લાવી છે. તેઓનું સુચારુ આયોજન ઉડીને આખે વળગે તેવું હતું.
બીજી તરફ પોલીસે પણ કાબીલદાદ કામગીરી કરી હતી. જન્માષ્ટમીના દિવસે ડિસ્કો રાઈડ્સમાં એક યુવાન નીચે પટકાતા ગંભીર ઈજા થતા સ્થળ પર બેભાન બની ગયો હતો. એમ્બ્યુલન્સને ભીડમાં આવવામાં વાર લાગે તેમ હોય પોલીસે તેને સરકારી ગાડીમાં હોસ્પિટલે ખસેડયો હતો.
મેળામાં 40 બાળકો ગૂમ થયાની કંટ્રોલરૂમ પર જાણ કરાઈ હતી અને આ બાળકોનો બાદમાં વાલીઓ સાથે ભેટો કરાવાયો હતો.
મનપા દ્વારા રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરી ઉપરાંત મેડીકલ ટીમ દ્વારા સ્થળ પર સારવારની સુવિધા રખાઈ હતી જેમાં નાની ઈજાઓ કે ચક્કર આવવા,ડિહાઈડ્રેશન જેવા કેસમાં આશરે 100 વ્યક્તિઓને સારવાર અપાઈ હતી.
મેળામાં વર્ષો જુનો મેદનીનો ક્રમ જળવાયો હતો, સવારના સમયે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોનું પ્રમાણ ખાસ્સુ વધારે રહ્યું હતું.
જ્યારે સાંજ બાદ શહેરીજનો બની ઠનીને મેળામાં મોડી રાત્રિમાં મેળો બંધ કરવાની જાહેરાત થાય ત્યારે માંડ બહાર નીકળ્યા હતા.