ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત આપ્યા બાદ ફક્ત ૬ ઓવરમાં ભારતે ૪ વિકેટ ગુમાવી દીધી!!
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ રહેલી નોટિંગહામના ટ્રેન્ટ બ્રીઝની મેચમાં ભારતની બીજા દિવસની રમતમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ટીમે 21 રનના સ્કોર સાથે રમતની શરુઆત કરી હતી. પરંતુ પ્રથમ સેશનમાં આજના દિવસની શરુઆત સારી કરવા બાદ, બીજુ સેશન ઇંગ્લેન્ડના બોલરોના નામે રહ્યુ હતુ. ભારતે બીજા સેશનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. બીજા દિવસની રમતના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 125 રન રહ્યો હતો. કેએલ રાહુલ અર્ધશતક સાથે રમતમાં હતો.
ભારતીય ટીમે ગઇકાલ ની રમતને શૂન્ય વિકેટ સાથે આગળ વધારી હતી. ઓપનર રોહિત શર્મા અને કેએલ રાહુલે, પ્રથમ દિવસના અંતે રહેલી 21 રનની ભાગીદારી રમતને 97 રન સુધી રમી હતી. રોહિત શર્માની વિકેટ સાથે 97 રને બંનેની જોડી તુટી હતી. જોકે ત્યાર બાદ ભારતીય ટોપ ઓર્ડર એક બાદ એક પેવિલીયન ઝડપ થી પરત ફરવા લાગ્યો હતો. 104 રનના સ્કોર પર ચેતેશ્વર પુજારાએ વિકેટ ગુમાવી હતી. તેણે 16 બોલમાં 4 રન જ નોંધાવ્યા હતા.
પુજારાના આગળના બોલે કેપ્ટન વિરાટ કોહલી ક્રિઝ પર આવવા સાથે જ શૂન્ય રને, એન્ડરસનનો શિકાર બન્યો હતો. 112 રનના સ્કોર પર અજીંક્ય રહાણે ની વિકેટ રન આઉટ સાથે ગુમાવી હતી. રહાણેએ 5 બોલમાં 5 રન કર્યા હતા. બીજુ સેશન ભારતીય બેટ્સમેનો માટે ભારે રહ્યુ હતુ. 97 રન સ્કોર થી 112 રનના સ્કોર દરમ્યાનના 15 રનમાં જ ભારતે 4 વિકેટ ગુમાવી દીધી હતી. આમ ટીમ એકાએક દબાણમાં આવી હતી. ત્યારે વરસાદે ભારતની મુશ્કેલ ઘડીને થંભાવી દીધી હતી.
કેએલ રાહુલે બીજા દિવસની રમત દરમ્યાન ટેસ્ટ અર્ધશતક પુર્ણ કર્યુ હતુ. તે 151 બોલમાં 57 રન સાથે રમતમાં છે. જ્યારે ઋષભ પંત 8 બોલમાં 7 રન કરીને રમતમાં જારી રહ્યો છે. રોહિત શર્મા એ 107 બોલ રમીને 36 રન કરી વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રીજા દિવસની રમતને આગળ વધારવા સાથે મોટી ઇનીંગ રમે તેવી આશા સેવાઇ રહી છે.
જોકે બીજા સેશનના અંતિમ સમયે અપૂરતા પ્રકાશને લઇને મેચ રોકી દેવાઇ હતી. આ દરમ્યાન વરસાદ વરસતા બીજુ સેશન સમાપ્ત જાહેર કરાયુ હતુ. વરસાદ રોકાઇ જતા મેચ ટી બ્રેક બાદ ફરી શરુ કરાઇ હતી. આ દરમ્યાન 1 જ બોલ ની રમત રમી, ત્યાં વરસાદ વરસવાને લઇ ફરી મેચ રોકી દેવાઇ હતી. લાંબા વિરામ બાદ મેચને ફરી થી શરુ કરવાનો નિર્ણય અંપાયરોએ લીધો હતો. પરંતુ 2 બોલની રમત વધુ આગળ વધવા બાદ ફરી એકવાર વરસાદ વરસ્યો હતો. જેને લઇને મેચ રોકાઇ ગઇ હતી.
ત્રીજી વાર વરસાદને લઇ મેચ રોકાયા બાદ ફરી થી શરુ થઇ શકી નહોતી. વરસાદ જલ્દી નહી રોકાતા આખરે બીજા દિવસની રમતને સમાપ્ત કરી દેવાની ઘોષણા કરવામાં આવી હતી. રમતને હવે ત્રીજા દિવસે આગળ વધારવામાં આવશે. આમ બીજા દિવસની રમતના અંતે ભારત નો સ્કોર 125 રન 4 વિકેટે રહ્યો હતો. જ્યારે ભારતીય ટીમની બેટીંગ ઇનીંગ આ દરમ્યાન 46.4 ઓવરની રહી હતી. જેમ્સ એન્ડરસને 2 વિકેટ અને ઓલી રોબિન્સને 1 વિકેટ ઝડપી હતી.
પુજારાની ‘ડિફેન્સીવ’ રમતે ટીમ પર દબાણ ઉભું કર્યું!!
અગાઉ પણ પુજારા ડિફેન્સીવ રમતને કારણે વિવાદમાં સંપડાયો હતો. ઇંગ્લેન્ડ સામેની સિરીઝમાં ભારતીય ટીમે એટેકથી રમવાનું નક્કી જ કર્યું હોય તેવી રીતે પ્રથમ ઇનિંગમાં બોલિંગ કરવામાં આવી હતી. ત્યારે બેટિંગમાં પણ રાહુલ અને રોહિતે ટીમને સારી શરૂઆત આપ્યા બાદ પુજારા ક્રિઝ પર આવતા તેણે ડિફેન્સીવ રમવાનું ચાલુ રાખતા એન્ડરસનના શોર્ટપીચ બોલ પર બેકફૂટ પર રમી રહેલા પુજારાએ વિકેટ ગુમાવી હતી.
પુજારાને તમામ બોલ શોર્ટપીચ મળતા કોહલીએ શોર્ટપીચ બોલ વિરુદ્ધ રમવા માનસિકતા ઘડી હતી ત્યારે કોહલીને બીજા જ બોલે ઓવરપીચ બોલ ફેંકતા તેણે પણ વિકેટ ગુમાવી દીધી હતી. વિકેટ અંગેના દબાણ અને રન વધારાવાની ચિંતામાં રહાણે પણ રન આઉટ થઈ ગયો હતો. આ તમામ વિકેટ પડવાનું કારણ ફક્ત ટીમ પરનું દબાણ હતું.