ઝાલાવાડ પંથકમાં અંધશ્રદ્ધાના નામે ધતિંગનો વધુ એક કિસ્સો વાઈરલ થતા ભૂવાને પોલીસે બોલાવતા મંદિરમાં પાઠ જોવાનુંં બંધ કરાયું
સાયલા ખાતે આવેલ વિશ્વાસુ મેલડી માના મંદિરના ભુવા દ્વારા કારણ કાઢી આપવાના નામે, જોઈ આપવાના બહાને તકલીફમાં મુકાયેલા લોકો પાસેથી રૂા.1150 લેવાતા હોવાની,સ્ત્રી પર અત્યાચાર કરાતો હોવાની અને તેના વિડીયો યુ- ટયુબ ફેસબુકમાં મુકવામાં આવતા હોવાની ફરીયાદો અને પોલીસ પગલા પછી આ મંદિરમાં સેવા કરતા સુરેશ ભુવા અને તેના સાગરીતે પોતાની લીલા સંકેલી લીધી હોવાનું જાણવા મળેલ છે.
આ અંગેની વધુમાં જાણવા મળતી વિગત એવી છે કે, સાયલા યજ્ઞાનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે વિશ્વાસુ મેલડી માતાનું મંદિર આવેલ છે. જયાં સાયલા તાલુકાના રતનપર ગામનો સુરેશભાઈ માધાભાઈ કુરીયા નામનો શખ્સ પોતાને સુરેશ ભુવા તરીકે ઓળખાવી જોવાનું કામ, કારણ કાઢવાનું કામ કરે છે.
જયારે કપૂરવાવ થાનગઢ ખાતે રહેતો સુરેશ શીવલાલભાઈ કણસાગરા ભુવાની સાથે રહી ભુવા જે કારણ કાઢવાનું કામ કરતા તેના વિડીયો ઉતારી યુ- ટયુબ, ફેસબુક પેજમાં મુકી જાહેરાત કરવાનું કામ કરતો હતો. થાનગઢના સુરેશે ભુવા સુરેશના અનેક વિડીયો બનાવી જય શ્રી વિશ્વાસુ મેલડીમાં સાયલા ધામ નામના ફેસબુક પેજ તથા જય શ્રીફ સુરેશ ભુવાના વિશ્વાસુ મેલડી મા નામના ગૃપ પેજમાં અપલોડ કર્યા હતા.
દરમ્યાનમાં માવદાનભાઈ ગઢવી નામના વ્યકિતએ પોતાનો એક વિડીયો વાયરલ કરીને સુરેશ ભુવાની લીલાનો પર્દોફાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેના માટે સુરેશ અને માવદાનભાઈ ગઢવીને બોલાચાલી પણ થઈ હતી. આ અરસામાં નારી એકતા ફાઉન્ડેશન નામની સંસ્થાએ જીલ્લા પોલીસ વડાને લેખીત આવેદનપત્ર પાઠવી એવી વિશ્વાસુ મેલડી માતા મંદિરના નામે પૈસા પડાવવામાં આવે છે.
સુરેશ ભુવાજી નામનો વ્યકિત અંધશ્રધ્ધાના કારણે સ્ત્રીપર અત્યાચાર થયા ના સોશ્યલ મીડીયામાં વિડીયો વાયરલ થતા આ વિડીયો નારી એકતા ફાઉન્ડેશનના ધ્યાને આવતા સ્ત્રીપર થતા અત્યાચારને રોકવા આ આવેદનપત્ર આપવામાં આવે છે. નારી એકતા ફાઉન્ડેશનને સુરેશ ભુવા પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. પોલીસવડાને થયેલી આ રજુઆત અને વિડીયો વાયરલ થયા બાદ સાયલા પોલીસ હરકતમાં આવી હતી.
જેમાં સુરેશ ભુવા ઉર્ફે સુરેશ માધાભાઈ કુરીયા અને સુરેશ કણસાગરાએ જણાવેલ છે કે, કારણ કાઢતા અને સ્ત્રીઓને મારતા હતા તે વિડીયો ડીલીટ કરી દીધેલ છે. ત્યારબાદ બીજા વિડીયો ઉતારતા નથી. આજ પછી જે કારણ કાઢવાનું કામ કરતા તે આજથી બંધ કરી દીધેલ છે. અને હવે પછી કારણ કાઢવાનું કામ નહી કરૂ તેની ખાતરી આપુ છુ.
સાયલા તાલુકાના રતનપરનો સુરેશ કુરીયા જે પોતાને ભુવા ગણાવતો તે જોવાનું અને કારણ કાઢવાનું કામ કરતો અને થાનગઢનો સુરેશ કણસાગરા પ્રજાપતિ જોવડાવવા આવતા લોકોના વારા લખવાનું, વિડીયો બનાવી અપલોડ, કરવાનું કામ કરતો હતો. અહીં દર રવિવારે અને મંગળવારે આવતા 100 માણસોના વારા લખાતા તેવો વિડીયો વાયરલ થયેલ છે. માતાજીના જે કોઈ પુજાપાઠ થતા તેના ખર્ચ માટે રૂા. 1150 લેવાતા હતા.