સરકાર એક્શનમાં આવતા ગ્રાહકોને રૂ.300 કરોડ રિફંડ કરવા કંપનીઓ સંમત થઈ, રૂ.10 કરોડ ચૂકવી પણ નાખ્યા
ભારતના ટોચના ચાર ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર નિર્માતાઓ, જેમણે ગ્રાહકોને સ્કૂટર સાથે ચાર્જર અને સોફ્ટવેર માટેના અલગ ચાર્જ લઈને ધારાધોરણોનું ઉલ્લંઘન કર્યું હતું. જેને પગલે સરકાર એક્શનમાં આવતા આ કંપનીઓએ ગ્રાહકોને રૂ. 300 કરોડથી વધુને રિફંડ ચૂકવવા માટે સંમત્તિ દાખવી હતી. જેમાંથી રૂ. 10 કરોડના રીંફડ ચૂકવી દેવામાં આવ્યા છે. આ વર્ષની શરૂઆતમાં, ગ્રાહકોની ફરિયાદો બાદ સરકારી તપાસમાં જાણવા મળ્યું હતું કે ઓલા ઇલેક્ટ્રિક, એથર એનર્જી, ટીવીએસ મોટર અને હીરો મોટોકોર્પ તેમના ચાર્જર અને પ્રોપ્રાઈટરી સોફ્ટવેરને તેમના ઈલેક્ટ્રીક સ્કૂટર્સમાં એડ-ઓન તરીકે બિલિંગ કરી રહ્યાં છે. જેથી તેઓના ઈલેક્ટ્રિક સ્કૂટરની જાણ કરવામાં આવેલ વેચાણ કિંમત ઓછી કરી શકાય.
આ વર્ષે મે મહિનામાં, ચાર કંપનીઓ ઑફ-બોર્ડ ચાર્જર ખરીદનારા ગ્રાહકોને રૂ.305.61 કરોડ રિફંડ કરવા સંમત થઈ હતી. સત્તાવાર અંદાજ મુજબ, એથર એનર્જીએ રૂ.157.78 કરોડ, ઓળા ઇલેક્ટ્રિકે રૂ.130 કરોડ, ટીવીએસ મોટર કંપનીએ રૂ.15.6 કરોડ અને હીરો મોટોકોર્પએ રૂ.2.26 કરોડ રિફંડ કરવાના છે. સરકારી ડેટા દર્શાવે છે કે ઓલા ઇલેક્ટ્રિકે તેના કુલ રિફંડ બાકીના રૂ.4.25 કરોડ પાછા ચૂકવ્યા છે જ્યારે એથર એનર્જીએ રૂ.3.97 કરોડની ભરપાઈ કરી છે. હીરો મોટોકોર્પએ રૂ.1.64 કરોડ રિફંડ કરીને તેની મોટાભાગની જવાબદારીને સાફ કરી દીધી છે, અને ટીવીએસ મોટર કંપનીએ રૂ.9 લાખ પાછા ચૂકવ્યા છે. કેન્દ્ર તેની એફએએમઇ યોજના હેઠળ સ્થાનિક રીતે બનાવેલ ઇ સ્કૂટરના વેચાણ પર સબસિડી આપે છે. જો કે, રૂ.1.5 લાખથી વધુ કિંમતના ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ પાત્ર નથી.
જ્યારે આ કંપનીઓએ રિફંડમાં ધીમી પ્રગતિના એક કારણ તરીકે ગ્રાહકોના બેંક ખાતાની વિગતોની ઉપલબ્ધતા ન હોવાનો ઉલ્લેખ કર્યો છે, ત્યારે અધિકારીઓએ તેને નકારી કાઢ્યું છે અને કહ્યું છે કે ખરીદદારો વિશેની માહિતી ઉપલબ્ધ છે અને રિફંડ ઝડપી થઈ શકે છે.