વિસ્ફોટક સંગ્રહ કરનાર શખ્સે આ જથ્થો ગોંડલના વેપારી પાસેથી ખરીદયો હોવાનું ખુલ્યું: કુલ ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો
જુનાગઢનાં વંથલી પાસેથી વિસ્ફોટક જીલેટીન મળી આવ્યા હતા પોલીસ ત્યારે સફાળી જાગી હતી. પૂર્વ બાતમીના આધારે એસઓજીએ જુનાગઢ વંથલીના રવની ગામની સીમમાંથી ગેરકાયદેસર જીલેટીન સ્ટીક નંગ ૧૬૨૧ તથા ઈલેકટ્રીક ડીટોનેટર સ્ટીક નં.૧૧૦૦ તેમજ આ વિસ્ફોટકને કાર્યરત કરવા મીટર, વાયર સહિતનો મુદામાલ જપ્ત કરતા આખાય પંથકમાં ચકચાર જાગી હતી.
આ અંગે વિસ્તૃત વિગત અનુસાર વંથલીના કોયલી ફાટક પાસેથી તાજેતરમાં જીલેટીન વિસ્ફોટક મળી આવ્યા હતા. આ પ્રકરણમાં એક શખ્સની અટક પણ કરાઈ હતી પરંતુ આ પ્રકરણમાં સફાળી જાગેલી પોલીસના ઉચ્ચ અધિકારીઓની સુચનાથી ગેરકાયદેસર વિસ્ફોટકો વેચનારાઓની શોધખોળ પોલીસે આદરી હતી. જેમાં શ્રીજી સ્ટોન ક્રસરમાં આ પ્રકારનો માલ પડયો હોવાની પોલીસને બાતમી મળી હતી ત્યાં ચેકિંગ હાથ ધરતા ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે રાખેલા વિસ્ફોટક પદાર્થ જીલેટીન સ્ટીક નં.૧૬૨૧ કિંમત રૂ.૧૬૨૧૦, ઈલેકટ્રીક ડિટોનેટર સ્ટીક નંગ.૧૨૦૦ કિંમત રૂ.૧૧૦૦૦, કોડ વાયર ૩૭૫ મીટર કિંમત રૂ.૨૨૫૦ મળી આવ્યો હતો.
મુળ મટીયાણાના અશોકભાઈ હાજાભાઈ જોગલની અટક કરી હતી. ભરડીયાના માલિક હરદાસભાઈ ભીમસીભાઈ સોલંકી હોવાનું બતાવ્યું હતું. તેમજ આ વિસ્ફોટક પદાર્થ ગોંડલના વિષ્ણુભાઈ પટેલ પાસેથી ખરીદી કર્યા હતા. વેપારીએ ખરીદી કરતી વખતે કોઈ જ પ્રકારના લાયસન્સ, આધાર પુરાવા માંગ્યા ન હતા. જોકે પોલીસે ત્રણેય શખ્સ સામે ફરિયાદ નોંધી છે.