- અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા આતંકીઓનો મામલો
- પોલીસે 700 જેટલાં સીસીટીવી તપાસ્યા : રાજસ્થાનથી અમદાવાદ સુધી હથિયાર લઇ આવનાર ગદ્દારની શોધખોળ
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલા ચાર આતંકીઓના મામલામાં એક મોટો ખુલાસો થવા પામ્યો છે. આતંકીઓને ખૂની ખેલ ખેલવા માટે હથિયાર ચિલોડા ખાતે નર્મદા કેનાલ નજીકથી મળનાર હતા. જ્યાં અગાઉથી જ ત્રણ લોડેડ પિસ્તોલ મૂકી દેવાઈ હતી જે એટીએસની ટીમે કબ્જે કર્યા હતા. હવે આ હથિયારો કોણ ચિલોડા મૂકી ગયું અને પાકિસ્તાનમાં બનેલા હથિયાર અમદાવાદ સુધી કેવી રીતે પહોંચ્યા તે દિશામાં તપાસ કરતા આ હથિયાર ડ્રોન મારફત રાજસ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા હતા અને ત્યાંથી કોઈક ગદ્દારે આ હથિયાર ચિલોડા પહોંચાડ્યાનો ખુલાસો થવા પામ્યો છે.
ગુજરાતમાં તબાહી મચાવવાનો સામાન પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓએ ડ્રોન દ્વારા પહેલાં રાજસ્થાન અને ત્યાંથી અમદાવાદના ચિલોડા સુધી પહોંચાડ્યો હોવાના પુરાવા પોલીસને મળ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા આઈએસઆઈએસના ચારેય આતંકવાદીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને જેલ હવાલે કરાયા છે પરંતુ તે પહેલાં પોલીસે મેળવેલી વિગતો ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સથી આ વિગતો સામે આવી છે. હવે રાજસ્થાનની સુરક્ષા એજન્સીઓ પણ આતંકવાદના આ કેસની તપાસમાં જોડાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ અનેકવાર રાજસ્થાન અને પંજાબમાં પાકિસ્તાનની બોર્ડર નજીકના વિસ્તારોમાં ડ્રોનથી હથિયાર કે ડ્રગ્સ સપ્લાય થતા ગુના પણ નોંધાયેલા છે.
ગુજરાત એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે ગત 20 તારીખે ચેન્નાઈથી અમદાવાદ એરપોર્ટ આવેલી ફ્લાઈટમાંથી આઈએસઆઈએસના ચાર આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તે જ દિવસે થયેલી તેમની પૂછપરછ ઉપરાંત તેમના ફોનની ગેલેરીમાંથી મળેલા ફોટા અને લોકેશન આધારે તપાસ કરતા ચિલાડા નજીક નર્મદા કેનાલ પાસે એક કાટમાળના ઢગલામાં ત્રણ લોડેડ પિસ્તોલ મળી આવી.આ હશિયારો તે એરપોર્ટ પર ઉતરીને લેવા જવાના હતા અને તેના દ્વારા જ ગુજરાતમાં ગમે ત્યાં ખૂનીખેલ ખેલીને આતંક ફેલાવાના હતા. પોલીસે કબજે કરેલાં હથિયાર પર એફએટીએ(ફેડરલી એડમિનિસ્ટ્રેટેડ ટ્રાઈબલ એરિયા) લખ્યું હતું. જે વિસ્તાર પાકિસ્તાનનો હોઈ હથિયાર પાકિસ્તાની બનાવટનાં અને ત્યાંથી જ સપ્લાય કરવામાં આવ્યાં હોવાનું સ્પષ્ટ હતું. દરમિયાન પોલીસે ચિલોડાવાળા રૂટ પર હથિયાર મળ્યાં તે પહેલાંથી બે-ત્રણ દિવસ સુધીનો મોબાઈલ ડેટા કબજે કરી તેનું એનાલિસિસ કર્યુ હતું. આ સાથે બીજી એક ટીમ સતત સીસીટીવી તપાસી રહી હતી. જેના આધારે એ સાબિત થયું હતું કે હથિયાર રાજસ્થાનથી જ આવ્યાં છે.
એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે હથિયાર અંગેની તપાસમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે તેને રાજસ્થાનમાં પાકિસ્તાન નજીકની કોઈ બોર્ડર પર ડ્રોનથી જ મોકલવામાં આવ્યાં છે અને ત્યાંથી લઈ ચિલોડા સુધી હથિયાર લાવનારને ટ્રેસ કરી રહ્યાં છે અને ઝડપથી તેની પણ ધરપકડ કરી લેવામાં આવશે.પોલીસનું કહેવું છે કે હથિયાર મળ્યાં તેના બે દિવસ પહેલાં સુધીનો મોબાઈલ ડેટા લઈને તપાસ કરવામાં આવી હતી. વેકેશનના કારણે અમદાવાદથી રાજસ્થાન ફરવા જનારા લોકોની સંખ્યા પણ વધુ હતી જેથી વધારે ડેટાનું એનાલિસિસ કરવું પડ્યું. પણ હથિયાર રાજસ્થાનથી જ આવ્યાં છે તે સ્પષ્ટ થઈ ગયું છે.
પોલીસનું કહેવું છે કે 700થી વધુ સીસીટીવીની તપાસ કરાઈ, હથિયાર જે જગ્યાએથી કબજે કરાયાં તેની આસપાસના તમામ રસ્તા પરથી સીસીટીવી ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરાઈ હતી. એટલું જ નહીં હાઈવે નજીક હોઈ હાઈવે પરના ટોલબૂથ, હોટલ-રેસ્ટોરન્ટ અને કોઈ નાના ગામડાં રસ્તામાં આવતા હોય તો તે ગામડાંમાંથી પણ જો ક્યાંય સીસીટીવી લાગેલા હતા ત્યાંથી ફૂટેજ કબજે કર્યા છે. અંદાજે 700થી વધુ કેમેરાના ફૂટેજ કબજે કરીને તપાસ કરવામાં આવી છે.”