- કચ્છ-હાલાર પંથકમાંથી રૂ.100 કરોડથી વધુનો ચરસ ઝડપાયો
- દ્વારકા જિલ્લામાંથી 9 દિવસમાં 61 કરોડનો બિનવારસી માદક પદાર્થ ઝબ્બે
- કચ્છમાં ફક્ત ત્રણ દિ’માં રૂ.40.5 કરોડની કિંમતના 81 ચરસના પેકેટ મળતા એજન્સીઓ સતર્ક
સૌરાષ્ટ્રને મળેલા દરિયાકાંઠાના વિશાળ પ્રદેશનો લાભ લેવા ડ્રગ્સ માફિયાઓ રઘવાયા થયાં હોય તેમ સતત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ડ્રગ્સનો જથ્થો બિનવારસી હાલતમાં મળી રહ્યો છે. કચ્છથી ચરસનો એટીએસની ટીમે બિનવારસી હાલતમાં પકડી પાડ્યા બાદ આ સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ એટીએસએ ગાંધીધામ નજીક ખારીરોહર ગામ પાસેથી 800 કરોડની કિંમતનો કોકેન પકડ્યા બાદ વધુ રૂ. 130 કરોડની કિંમતનો કોકેન આ જ વિસ્તારમાંથી એટીએસને બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ સ્થાનિક પોલીસે દરિયાઈ પટ્ટીમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા કચ્છ પંથકમાંથી ફક્ત ત્રણ દિવસમાં પશ્ચિમ કચ્છ પોલીસે રૂ. 40.5 કરોડની કિંમતના ચરસના 81 પેકેટ પકડી પાડ્યા છે. જયારે બીજી બાજુ દ્વારકા પોલીસે છેલ્લા નવ દિવસમાં 61 કરોડની કિંમતનો ચરસનો 123 કિલો જથ્થો બિનવારસી હાલતમાં ઝડપી પાડ્યો છે.
ડ્રગ્સનો કાળો કારોબાર ફૂલીફલી રહ્યો છે જેનું મુખ્ય કારણ એવુ છે કે, ડ્રગ્સના કાળા કારોબારમાં નફાનું માર્જિન ખુબ વધુ હોય છે જેના લીધે ઝડપી પૈસા કમાઈ લેવાની લ્હાયમાં યુવાનો સહિતના લોકો આકર્ષિત થઈને પેડલર બની જતાં હોય છે. સતત સરહદ પારથી આવતો ડ્રગ્સનો જથ્થો પકડાતો રહેતો હોય છે. અબજો રૂપિયાનો જથ્થો પકડાયા બાદ પણ સતત જથ્થો મોકલવામાં આવતો હોય તેનો સીધો મતલબ એવો થાય છે કે, કાળા કારોબારનું નેટવર્ક વધતું હોય તેમજ માર્જિન ખુબ મોટું હોય જેના લીધે પકડાઈ જતું ક્ધસાઈમેન્ટ પણ ડ્રગ્સ માફિયાઓ માટે કોઈ મોટી નુકસાની ગણાતી નથી. ત્યારે ડ્રગ્સના નેટવર્કને જળમૂળથી નાસ કરવા સિવાય હવે કોઈ રસ્તો જ ન રહ્યો હોય તેવું ચોક્કસ ચિત્ર ઉપસી રહ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર દેશમાં સૌથી વધુ લાંબો 1600 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર ગુજરાતને મળ્યો છે. જે વિકાસની અમૂલ્ય તકો પ્રદાન કરે છે પણ આ દરિયાકાંઠાના વિસ્તારનો ઉપયોગ ડ્રગ્સના કાળા કારોબાર માટે કરાઈ રહ્યો હોય તેવા અહેવાલ છાસવારે સામે આવતા હોય છે. ત્યારે આ દિશામાં વધુ મોટા અહેવાલ પ્રાપ્ત થયાં છે. જેમાં પ્રથમ દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય મરીન સીમાથી ખુબ જ નજીક આવેલા અને અતિસંવેદનશીલ ગણાતા દ્વારકા જિલ્લાના દરિયાકિનારેથી ગત 7 જુનથી 16 જુન સુધીના 9 દિવસના સમયગાળામાં પોલીસવડા નિતેશકુમાર પાંડેના માર્ગદર્શનમાં 61 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ચરસનો જથ્થો ઝડપાયો છે. એસપી નિતેશ પાંડેના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસની એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમના જવાનો અલગ અલગ ટુકડીઓ રચી ઓખામંડળના વરવાળા, મોજપ, ગોરીજા, વાચ્છુ, બરડીયા સહિતના દરિયા કિનારા પર બિનવારસુ 123 કિલો જેટલાં ચરસનો જથ્થો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 61 કરોડ રૂપિયાથી વધુની કિંમત થાય છે તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત જિલ્લાના ટાપુઓ સહિતના કાંઠાળા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.
જ્યાં બીજી બાજુ કચ્છ જિલ્લો આંતરરાષ્ટ્રીય દરિયાઈ અને જમીની સરહદ ધરાવતો જિલ્લો હોય અને ડ્રગ્સ માફિયાઓ દ્વારા કચ્છ દરિયાઈ માર્ગનો નાર્કોટિક્સના ગેરકાયદેસર કાળા કારોબાર માટે ઉપયોગ થતો હોવાની શક્યતા વધુ હોય જેથી નાર્કોટિક્સ જેવા દૂષણને જળમૂળથી દૂર કરી યુવાનોને નશાની લતથી દૂર રાખી સમાજને પાયમાલ થતાં અટકાવવા માટે કચ્છ પોલીસે સતત પેટ્રોલિંગ કરતા અનેક સ્થળો પરથી ચરસના અલગ અલગ પેકેટ મળવા પામેલ છે. ભુજ સરહદી વિસ્તારના રેન્જ આઈ.જી. ચિરાગ કોરડીયા અને ભુજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક સાગર બાગમારના નેતૃત્વમાં કચ્છ-ભુજ જિલ્લાની એસઓજી તથા કોસ્ટલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ દ્વારા તાબાના પોલીસ કર્મચારીઓ, સાગર રક્ષક દળના સભ્યો, ફિશરમેન વોચ ગ્રુપના સભ્યોને સાથે રાખીને દરિયાઈ વિસ્તારમાં કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ હતું. જે પેટ્રોલિંગ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં પશ્ચિમ કચ્છના વિવિધ વિસ્તારોમાંથી કુલ 81 પેકેટ સરસનો જથ્થો મળી આવ્યો છે.
પશ્ચિમ કચ્છ પોલીસે ફક્ત ત્રણ દિવસમાં પકડેલા ચરસના જથ્થાની જો વાત કરવામાં આવે તો ગત તારીખ 15 જૂનના રોજ જખૌ મરીન પોલીસ સ્ટેશન હદમાંથી ચરસના 10 પેકેટ મળી આવ્યા હતા. ત્યારબાદ 16 જૂનના રોજ જખૌ મરીન પોલીસ સ્ટેશનની હદમાંથી વધુ 10 પેકેટ ચરસનો જથ્થો ઝડપાયો હતો. તે બાદ આ સિલસિલો સતત યથાવત રહેતા નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચરસનું એક પેકેટ મળી આવ્યું હતું. જે બાદ 17 જુનના રોજ જખૌ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વધુ 20 પેકેટ જયારે માંડવી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચરસના 40 પેકેટ બિનવારસુ હાલતમાં મળી આવ્યા હતા.ત્રણ દિવસમાં મળી આવેલા ચરસના જથ્થામાં 81 પેકેટનો સમાવેશ થાય છે જેની બજાર કિંમત આશરે રૂ. 40.50 કરોડ થવા પામે છે.
દ્વારકાના સરહદી વિસ્તારમાં પોલીસનું રાઉન્ડ ધ ક્લોક સર્ચ અને પેટ્રોલિંગ: એસપી નિતેશ પાંડે
દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેએ ’અબતક’ સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લા પોલીસની એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની ટીમના જવાનો અલગ અલગ ટુકડીઓ રચી ઓખામંડળના વરવાળા, મોજપ, ગોરીજા, વાચ્છુ, બરડીયા સહિતના દરિયા કિનારા પર બિનવારસુ 123 કિલો જેટલાં ચરસનો જથ્થો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં 61 કરોડ રૂપિયાથી વધુની કિંમત થાય છે તેને પકડી પાડવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત જિલ્લાના ટાપુઓ સહિતના કાંઠાળા વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશનની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.હાલ જિલ્લા પોલીસની એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો સતત પેટ્રોલિંગ કરીને સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
અંજાર પોલીસની મોટી કાર્યવાહી પોષડોડાનો 253 કિલો પાવડર ઝડપાયો
અંજાર હાઈવે રોડ પર રતનાલ પાસે આવેલી હાઈવે હોટલ પર અંજાર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે કરવામાં આવેલી તપાસમાં આ હોટલમાંથી મોટી માત્રામાં પોષડોડાનો પાવડર પકડાયો છે. અંજાર પોલીસ સ્ટેશનેથી જાણવા મળેલી વિગતો મુજબ રતનાલ પાસે આવેલી રામદેવ હોટલ રાજસ્થાનેથીમાં તપાસ કરવામાં આવી હતી. જેમાં હોટલમાંથી પોષડોડાનો 196.465 કિલો પાવડર મળી આવ્યો હતો. આ ઉપરાંત 56.680 કિલો ફાડિયા મળી આવ્યા હતા. કુલ 253.145 કિલો માદક દ્રવ્ય કબજે કરવામાં આવ્યું છે. જેની કિંમત 7,69,335 આંકવામાં આવી છે. આ સાથે મોબાઈલ અને ટ્રક સહિત કુલ 12,66,485 નો મુદ્દામાલ કબજે કરી અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા રાજસ્થાનના રામાલાલ મુનાલાલ ચૌધરીની અટક કરવામાં આવી છે, જ્યારે ધર્મારામ ચૌધરી હાજર મળી આવ્યો નથી. જેની ધરપકડ માટેનો ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
પોરબંદરના દરિયાકાંઠેથી ચરસના 6 પેકેટ મળી આવ્યા
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. દરિયાઇ પટ્ટીમાં અલગ અલગ સ્થળેથી ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. પોરબંદર દરિયાકાંઠેથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. તો પોલીસને આશંકા છે કે મોટું ક્ધસાઇનમેન્ટ દરિયામાં ફેંકી દેવામાં આવ્યું હોઈ શકે છે.સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સર્ચ ઓપરેશન દરમિયાન પોરબંદરમાં એક જ દિવસમાં ચરસના 6 બિનવારસી પેકેટ મળી આવ્યા છે. ડોગ સ્કવોર્ડની મદદથી પોરબંદર પોલીસને સફળતા મળી છે. ગીર સોમનાથમાં પણ માછીમારની બાતમીને આધારે ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સ મળી આવવાની ઘટનાઓ બાદ સમગ્ર સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સધન તપાસ કરવાની પોલીસને સૂચના આપવામાં આવી છે. ત્યારે પોલીસને તપાસ દરમિયાન દરિયાકાંઠેથી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવવાની આશંકા છે.
આંધ્ર-ઓડિશામાં ઉગતા શીલાવતી ગાંજાનો ભાવ અધધધ રૂ.1.2 લાખ પ્રતિ કિલો!!
આંધ્ર-ઓડિશા બોર્ડર કે જેણે એઓબી ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે તે ક્ષેત્રમાં ગેરકાયદે ઉગાડવામાં આવતા ગાંજાની જાત શીલાવતીની કાળા બજાર કિંમત તાજેતરના દિવસોમાં દેશના વિવિધ ભાગોમાં લગભગ રૂ. 1.2 લાખ પ્રતિ કિલો થઈ ગયાના અહેવાલ છે. તાજેતરની લોકસભાની ચૂંટણીઓ માટે સુરક્ષા એજન્સીઓએ તમામ રાજ્યોની સરહદો પર ચેકપોઇન્ટ ઉભા કર્યા હોવાથી ડ્રગના દાણચોરોએ પાછલા કેટલાક મહિનામાં પ્રતિબંધિત વસ્તુઓને ખસેડવાનું મોટું જોખમ લીધું હતું. આંધ્રપ્રદેશ પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભાવમાં વધારો થવાનું આ મુખ્ય પરિબળ હતું. અધિકારીઓ એમ પણ કહે છે કે શીલાવતીએ તાજેતરમાં ગેરકાયદે બજારમાં લોકપ્રિયતામાં હિમાચલ પ્રદેશની મલાના ક્રીમની વિવિધતાને પાછળ છોડી દીધી છે અને ઉત્તરમાં ઘણા ખરીદદારો મળ્યા છે.
સંગઠિત ડ્રગ સિન્ડિકેટ દ્વારા એઓબી દ્વારા રાઉટ કરાયેલ ગાંજાની અન્ય રાજ્યો અને મેટ્રો શહેરોમાં ખૂબ માંગ છે. જ્યારે માદક દ્રવ્યોના વિક્રેતાઓ તેને ખેડુતો પાસેથી રૂ. 3,000 થી રૂ. 5,000 પ્રતિ કિલોના ભાવે ખરીદે છે, જ્યારે વિઝાગ, હૈદરાબાદ, દિલ્હી, મુંબઈ, ગોવા, બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા જેવા શહેરોમાં ગાંજો તેના હેન્ડલર સુધી પહોંચે ત્યાં સુધીમાં તેની કિંમતો અનેકગણી વધી જાય છે. હવે મહત્વની વાત એવી છે કે, ગાંજાની આ જાત હવે સૌરાષ્ટ્ર સુધી પહોંચ્યાના અહેવાલ મળી રહ્યા છે. જે દિશામાં પોલીસ એજન્સીઓ તપાસ કરી રહી હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે.