રાજુલા શહેરમાં તાજેતરમાં યોજાયેલ પોલીસના લોક દરબારમાં સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા, પોલીસની તીસરી આંખથી સજજ કરવા માટે પ્રસ્તાવ રજુ કરવામાં આવેલો હતો. જે અનુસંધાને આજરોજ માર્કેટીંગ યાર્ડમાં એક દુકાનના ઉદઘાટન પ્રસંગે રાજુલા શહેરના વેપારીઓ અને ધારાસભ્ય શ્રી અંબરીષભાઈ ડેરની ઉપસ્થિતિ રહેલ હતી. તેમાં આ સીસીટીવી કેમેરાની ચર્ચા થયેલ હતી. જેમાં ૩૩% રકમ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર આપશે.
જયારે બીજા ૩૩% રકમ પોલીસ વિભાગના સુરક્ષા સેતુ વિભાગમાંથી આપવામાં આવશે તેવું પી.આઈ. જાડેજાએ જણાવેલ હતું. જયારે બીજા ૩૩% શહેરના વેપારીઓ, જન્માષ્ટમી કમિટી, મુસ્લિમ સમાજ દ્વારા આપવામાં આવશે. તેવું આ ઉદઘાટન પ્રસંગે ભેગા થયેલા વેપારીઓ અને ધારાસભ્ય અંબરીષભાઈ ડેર દ્વારા નકકી કરવામાં આવતા આવનારા સમયમાં રાજુલા સીસીટીવી કેમેરાથી સજજ થઈ જશે અને તેનાથી ગુનાખોરી જેવી કે ચોરી, લુંટ, મારામારી અને રોમીયોગીરીમાં નોંધપાત્ર ઘટાડો થશે તેવું આ મીટીંગમાં ચર્ચામાં જાણવા મળ્યું છે.