માળખાગત સુવિધાઓ ઉપર સરકારનું ફોક્સ
રોડ પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર સમક્ષ મુકાયો, આ વર્ષે જ મંજૂરી મળવાની સંભાવના : આગામી ચારેક વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે
કરોડો ભાવિકોની આસ્થાના પ્રતીક એવા અમરનાથની ગુફામાં બિરાજતા બરફાની બાબાના દર્શન કરવા જવાની ઈચ્છા સૌ કોઈ ધરાવતા હોય છે. પણ ત્યાં સુધી જવાની યાત્રા કપરી હોય, ઘણા ભાવિકોનું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહી જતું હોય છે. પણ સરકારે આ યાત્રાને સરળ બનાવવા માટે કવાયત હાથ ધરી છે. સરકાર છેક અમરનાથ ગુફા સુધી રોડ બનાવવાનો પ્રોજેક્ટ ઉપર કામ કરી રહી છે.
ચારધામ યાત્રા રૂટની તર્જ પર અમરનાથ ગુફાને રોડ કનેક્ટિવિટી સાથે જોડવાની યોજના છે. આ પ્રોજેક્ટને આ વર્ષે જ મંજૂરી મળી શકે છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું કે નેશનલ હાઈવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન એ આ મહત્વપૂર્ણ રોડ માટે પ્રાથમિક પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કર્યો છે. આ પ્રોજેક્ટને આ વર્ષે જ મંજૂરી મળી જશે તેવી આશા છે. આ રોડ ચારધામ યાત્રા રૂટની તર્જ પર બનાવી શકાય છે.
તેઓએ ઉમેર્યું કે તેમણે પોતે અમરનાથ ગુફા સુધીની હિલચાલને સુધારવા માટે સૂચિત રોડના રૂટની મુલાકાત લીધી છે. આ માર્ગ પહેલગામથી વાયા પંજતરની અને સંગમ ટોપથી બાલતાલ સુધી પ્રસ્તાવિત છે. પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેને ટૂંક સમયમાં કેન્દ્ર તરફથી મંજૂરી મળવાની ખાતરી આપવામાં આવી છે.
એલજીએ કહ્યું કે, અમરનાથ ગુફાને રોડ દ્વારા જોડવાનો પ્રોજેક્ટ ચારથી પાંચ વર્ષમાં પૂર્ણ થશે. માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે એએચ-501 ના ખન્નાબલ-બાલટાલ સેક્શનમાં શેષનાગ ટનલનું કામ એનએચઆઇડીસીએલને સોંપ્યું છે.બાંધકામ એજન્સીએ ટનલ બાંધકામ માટે દરખાસ્ત માટે વિનંતી કરવા કહ્યું છે, જેની બિડિંગ પ્રક્રિયા 20 ફેબ્રુઆરીએ પૂર્ણ થશે.
સરકારે રૂ. 4.53 લાખ કરોડના પ્રોજેક્ટનો પીએમ ગતિ શક્તિ યોજનામાં કર્યો સમાવેશ
સરકારે દ્વારા માળખાગત સુવિધાઓ વિકસાવવા માટેના પ્રોજેક્ટને વેગ આપવાનું શરૂ કર્યું છે. અત્યંત મહત્વના છે તેવા રૂ.4.53 લાખ કરોડના પ્રોજેક્ટનો સરકારે ગતિ શક્તિ માસ્ટર પ્લાનમાં સમાવેશ કર્યો છે. નેટવર્ક પ્લાનિંગ ગ્રૂપ એ ઘણા રોડ, રેપિડ રેલ, મેટ્રો અને રેલ્વે પ્રોજેક્ટ તેમજ પેટ્રોલિયમ પાઈપલાઈનને મુખ્ય ઈન્ફ્રા ડેવલપમેન્ટ તરીકે શોર્ટલિસ્ટ કર્યા છે જેને ઝડપથી પૂર્ણ કરવાની જરૂર છે.
ક્યાં પ્રોજેક્ટનો પીએમ ગતિ શક્તિમાં સમાવેશ?
પ્રોજેક્ટ | સંખ્યા | રકમ |
રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે | 23 | 2.99 લાખ કરોડ |
હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ | 8 | 79 હજાર કરોડ |
રેલવે | 21 | 47 હજાર કરોડ |
કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ | 5 | 12 હજાર કરોડ |
પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ | 4 | 9 હજાર કરોડ |
પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટર વે | 2 | 5 હજાર કરોડ |
કુલ | 63 | 4.53 લાખ કરોડ |