હરિના લોચનને આંસુ ભીનાં જોવાનો વખત ન આવવા દેવો હોય તો સામાજિક અનિષ્ટોને અને અમાનુષી મનોવૃત્તિને વિલંબ વિના ડામવાનું અનિવાર્ય માનવસેવાને જ પ્રભુસેવા ગણીને સમગ્ર સમાજને એ દિશામાં પ્રયાણ કરાવવાનું અને નરસિંહ મહેતાએ વર્ણવેલા સાચા વૈષ્ણવજનો નીપજાવવાનું જ પરમ હિતકારી ગળાબૂડ વંઠી ચૂકેલો આપણો દેશ જો નહિં ઉગરે તો બહુમુખી અધ:પતન નિશ્ચિત !

આપણા દેશની અને આપણા સમાજની વર્તમાન હાલત બેશક ચિંતાજનક છે અને પીડાકારક પણ છે. આપણો આખો દેશ જાણે કે ગોટે ચડયો છે. અને સાચી સૂઝબુઝ વગરનો બન્યો છે. એનું કારણ શોધવા જવું પડે તેમ નથી, આપણા નેતાઓ જ છે. ચાણકયનાં મતે તો સવા અબજ જેટલી વિશાળ વસતિ ધરાવતા દેશની પ્રજાનાં અસહ્ય બનેલા દુ:ખ દૂર કરવા માટે શું શું કરવું પડે તેમ છે. અને તે કઈ રીતે કરવું ઘટે છે. એ વિષે તેમણે એકવાર નહિ પણ અનેકવાર આત્મખોજ કરવી પડે તેમ છે ! નિરંકુશ શાસન ચલાવતી રહેલી આપણી સરકારોમાં બેઠેલાઓ એમને ચાણકયના મત મુજબ શાસન ચલાવવું નથી, અને જે રાજગાદીલક્ષી અને મતલક્ષી રાજકારણમાં પોતે પાવરધા છે. એટલું બસ છે. એવો એમનો મત છે. લોકશાહી મૂલ્યોનાં અર્થ તેમણે પોતાની મરજી મુજબ તારવી લીધા હોવાની ટકોર થતી રહી છે.

આપણે ત્યાં શહેરીકરણનો, ભૌતિકતાનો અને રાજકારણનો અતિરેક થતો રહ્યો છે. એ આપણી પ્રાચીન સંસ્કૃતિ, સંસ્કારિતા, અને સભ્યતાની નિતાંત વિરૂધ્ધ છે. અને આપણા દેશની રાષ્ટ્રીયતાના રક્ષણ માટે જોખમી તેમજ પડકારરૂપ છે. આપણા શાસકો, રાજકર્તાઓ અને રાજપુરૂષોનાં ભેજામાં એ વાત આવતી નથી કે, રાષ્ટ્રનાં પ્રાદેશિક સંતુલનને ખોરવવાની પણ ચેષ્ટા આપણા દેશ માટે જોખમી છે.

અહી એ વાતની ચેતવણી આપ્યા વગર છૂટકો નથી. કારણ કે આપણા દેશની ઉગતી પેઢી આપણા દેશનાં સંભવિત અધ:પતનનો જવાબ માગવાની છે.

આપણા જાણીતા કવિશ્રી કરસનદાસ માણેકે એક બહુ જાણીતી કવિતા લખી છે ‘એક દિન આંસુભીનાં રે હરિના લોચનિયાં મેં દીઠા.. .પચરંગી ઓચ્છવ ઉજવ્યો તે અન્નકૂટની વેળા, ચાંદીની ચાખડિયે ચઢી ભકતો થયા ત્યાં ભેળા… દેવદ્વારની બહાર ભટકતા ટુકડા કાજ ટટળતા… તે દિન આંસુભીના રે હરિનાં લોચનિયા મેં દીઠા…

એ સનાતન સત્યને જો અત્યારે આપણા દેશમાં ન નિહાળવું હોય તો આપણા દેશની અને આપણી ખોખલી બની ગયેલી રાજસત્તાની તેમજ ધર્મસત્તાની તરફ ઉંડી દ્રષ્ટિ કરવી જ પડે તેમ છે. આ દેશમાં કરોડો ગરીબો ધનિકોની જાહોજલાલ વચ્ચે દેવદ્વારોની બહાર અન્નવિના અડવડે છે. અને ટુકડા માટે ટળવળે છે.

અહીં શહેરીકરણનો, ગગનચૂમ્બી ઈમારતો અને એરક્ધડીશન્ડ બાથરૂમો તેમજ ટોઈલેટ -વોશરૂમોનો, ભૌતિકતાનો અને રાજકીયકરણનો અતિરેક થતો રહ્યો છે, આપણી સંસ્કૃતિ, સંસ્કારિતા તેમજ સભ્યતા જોખમમાં મૂકાતા રહ્યા છે અને આપણા દેશની રાષ્ટ્રીયતાના રક્ષણની આપણા દેશની રાજસત્તા તેમજ ધર્મસત્તાને કશીજ ખેવના નથી !

આપણા દેશમાં શહેરીકરણનો ચસરકો મુંબઈથી થયો હોવાનું સહુકોઈ જાણે છે. અને તે છેક ગુજરાતને આંબી ગયો છે.

ભૌતિકવાદ એટલી હદે વકર્યો છે કે, આપણો દેશ મૂળભૂત રીતે હિન્દુસ્તાન કે ભારત હોવાનું જણાતું નથી.

ભૌતિકવાદની વિપૂલતા અને વ્યાપકતા જોતા એવું જ લાગે છે કે, જો આપણા ઈતિહાસે રામાયણ, મહાભારત, ભગવદગીતા વગેરે પૌરાણિક ગ્રંથો તેમજ શ્રી રામ, શ્રી કૃષ્ણ, વાલ્મીકી તુલસીદાસ, કબીર, નાનક, બુધ્ધ, મહાવીર જેવા સંતજનો જો આપણા દેશને સાંપડયા ન હોત અને તેમણે અનાર્યો તેમજ સંત મહંતો, સાધુ-સન્યાસીઓએ દેશભરમાં વિહરતા રહીને વિદેશી સંસ્કૃતિ તેમજ વિદેશી પ્રચારનાં આક્રમણને રોકયું ન હોત તો અત્યારે ભૌતિકવાદે કલ્પના બહાર ભારત વર્ષને અજગરભરડો લઈ લીધો હોત !

આવું જ શહેરીકરણનાં અને રાજકીયકરણનાં અતિરેકની બાબતમાં બની શકે..

દેશની વર્તમાન હાલતમાં દેશનાં સામાજિક અનિષ્ટોને તથા અમાનુષી મનોવૃત્તિને વિલંબ વગર ડામવાનું અનિવાર્ય ગણાશે, અને માનવસેવાને જ પ્રભુસેવા ગણીને સમગ્ર સમાજને એ દિશામાં પ્રયાણ કરાવવું પડશે અને નરસિંહ મહેતાએ વર્ણવેલા સાચા વૈષ્ણવજનોને નીપજાવવા પડશે… દેશ ગાબૂડ વંઠી ચૂકયો છે અને જો નહિ ઉગરે તો તેનું બહુમૂખી અધ:પતન નિશ્ર્ચિત બનશે એક કહ્યા વિના છૂટકો નથી…

કમનશીબે આપણા પ્રધાનોને અને રાજકર્તાઓને રોજ નવા નવા વિચારો આવતા રહે છે અને તરેહ તરેહની કલ્પનાઓ થયા કરે છે, એને અટકાવવાનું ઔષધ કોરોનાની જેમ શોધવા જેવું છે.

આપણે ઈચ્છીએ અને પ્રાર્થના કરીએ કે, આપણી સરકારમાં બેઠેલા અને એમના મળતિયાઓને એરૂ પકડવા જેવા કે ઝેરનાં પારખાં કરવા જેવા વિચારો આવતા વહેલી તકે અટકે!

આપણા બધા, નેતાઓ સહિત, દેશના હિતમાં હોય એવું જ વિચારવાની ટેવ પાડીએ અને ગંદા-ગોબરા રાજકીય વિચારોથી આઘા રહીએ એમાં જ દેશનું ભલું છે. એક જ લીટીમાં કહીએ તો શહેરીકરણનાં, ભૌતિકતાના અને રાજકીયકરણનાં અતિરેકથી અને દેશમાં કયાંય પ્રાદેશિક સંતુલનને ખોરવવાના ઉધામા ન કરીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.