છ તબકકામાં ૧૩૦ પરીક્ષા લેવાશે: લોકસભાની ચૂંટણી માથે હોવાથી તે પહેલા જ પરીક્ષા પૂર્ણ કરી દેવાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ચાલુ વર્ષે ૧૪ માર્ચથી ૬ મે સુધી પરીક્ષા લેવાનાર છે. જો કે આ વર્ષે પરીક્ષા ગત વર્ષ કરતા ૬ દિવસ મોડી શરૂ કરવામાં આવશે. ૬ તબકકામાં ૧૩૦ પરીક્ષા લેવામાં આવશે. આ વર્ષે લોકસભાની ચૂંટણી પણ માથે હોય તે પહેલા જ પરીક્ષા પૂર્ણ કરી દેવામાં આવશે.
મળતી માહિતી મુજબ ૧૪ થી ૨૫ માર્ચ સુધી પ્રથમ તબકકાની પરીક્ષા લેવાશે જેમાં બી.એ., બી.કોમ, બીએસસી, આઈટી અને બીબીએ સેમેસ્ટર-૬ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. ૨૬ માર્ચથી ૪ એપ્રિલ સુધી સેમ-૪ની ૨૧ પરીક્ષા લેવાશે. જયારે ૪ થી ૧૩ એપ્રિલ સુધી ૧૯ પરીક્ષા લેવામાં આવશે જેમાં સેમેસ્ટર-૨ના છાત્રો પરીક્ષા આપશે. આ ઉપરાંત ૧૫ એપ્રિલ સુધીમાં મોટાભાગની મુખ્ય પરીક્ષાઓ પૂર્ણ થઈ જશે. ત્યારબાદ ૧૬ થી ૨૨ એપ્રીલ સુધી બીએડ, એમ.ફીલ અને માસ્ટર ડિગ્રીની પરીક્ષા લેવામાં આવશે. ૨૩ થી ૨૯ એપ્રિલ સુધી પરીક્ષાનો પાંચમો તબકકો લેવાશે જેમાં માસ્ટર ડિગ્રીના સેમેસ્ટર ૪ના વિદ્યાર્થીઓની ૧૯ પરીક્ષા લેવામાં આવશે જયારે છઠ્ઠા અને અંતિમ તબકકાની પરીક્ષા ૩૦ એપ્રિલથી ૬ મે સુધી ચાલશે જેમાં માસ્ટર ડિગ્રીના સેમ-૨ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ વખતે પરીક્ષાના પાંચને બદલે છ તબકકા ગોઠવવામાં આવશે. આ વખતે પણ ગત ૨૦૧૮ની પરીક્ષાની જેમ પરીક્ષા ચોરી ન થાય તેમજ ગેરરીતિના કેસો બહાર ન આવે તે માટે ખાસ કોલેજોને સુચના અપાઈ છે. તેમજ જો કોઈ કોલેજમાં ગેરરીતિના કેસોની જાણ યુનિવર્સિટીને થશે તો રૂ.૧ લાખનો દંડ તેમજ બીજી વાર કોઈ કોલેજ પકડાય તો ૩ લાખ સુધીના દંડની જોગવાઈ તેમજ જોડાણ રદ્દ કરવાનો નિર્ણય ગત સિન્ડીકેટમાં કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પરીક્ષા સમયે ઓબ્ઝર્વરોને પણ મુકવામાં આવશે જેથી પરીક્ષા ચોરી અટકશે અને ગેરરીતિના કેસો પણ ઓછા બનશે. આ વર્ષે રાજયમાં લોકસભાની ચૂંટણી હોવાથી હાઈવોલ્ટેજ રાજકીય મુકાબલામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણવિદો પણ ઝંપલાવશે. ભાજપ-કોંગ્રેસના શિક્ષણ વિદોને ચૂંટણી પ્રચારમાં રોકાવું પડશે. વહીવટી તંત્ર દ્વારા મતદાન કેન્દ્ર તરીકે કોલેજો પણ માંગવામાં આવે તેવી શકયતા છે. જેથી તે સમયે કોલેજમાં પરીક્ષા લેવી અશકય બનશે. ત્યારે ચૂંટણી પહેલા જ વિદ્યાર્થીઓની પરીક્ષા પૂરી કરી દેવામાં આવે તેવો તખ્તો ઘડવામાં આવ્યો છે.