રંગીલુ રાજકોટ શહેર હોળી અને ધુળેટી પર્વ પર રંગથી રંગાય તે પહેલાં જ રક્તરંજિત થયું છે. જેમાં પ્રેમ પ્રકરણના મામલે પત્નીના પૂર્વ પ્રેમીએ યુવાનને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે. એક ફૂલ દો માલીની ચાલતી અદાવતમાં કરુણ અંજામ સામે આવ્યો છે. પોલીસે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી એક આરોપીની અટકાયત કરી છે. ચાર માસ પહેલા હત્યારાએ પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હોવાની પણ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ મૃતક અને હત્યારાને પાસા હેઠળ જેલવાસ ભોગવતી વેળાએ પણ માથાકૂટ થઈ હોવાનું જાણવા મળ્યું છે.

એક ફૂલ દો માલીની ચાલતી અદાવતનો કરુણ અંજામ: એક આરોપી સંકજામાં 

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી માટે તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ તે પહેલાં ગોકુલધામ આવાસમાં રહેતા અને વેલ્ડિંગ કામ કરતા કિશન ભરતભાઈ ડોડીયા નામના ૨૪ વર્ષીય યુવાન ગત રાત્રીના બારેક વાગ્યાનો આસપાસ ગોકુલધામ ગેટ પાસે વાડીનાર ચાની હોટલ પર ચા પીતો હતો ત્યારે હિરેન ગોવિંદ પરમાર અને કિશન કાંચા સહિતના શખ્સોએ આડેધડ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી છે.

ચાર માસ પહેલા હત્યારાએ પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી’તી: પાસા હેઠળ જેલવાસ ભોગવતી વેળાએ પણ બંને વચ્ચે માથાકૂટ થઈ’તી

આ ઘટના અંગે જાણ થતાં માલવિયા નગર પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ દોડી ગયો હતો. જ્યાં પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ મૃતક કિશન ડોડીયાની પત્ની રાધિકાને અગાઉ હિરેન પરમાર સાથે પ્રેમ સબંધ હતા. પરંતુ તેનાથી અલગ થયા બાદ રાધિકા મનસુખ મકવાણાએ કિશન ડોડીયા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ હિરેન પરમાર અવારનવાર રાધિકાને કિશનને છોડી પોતાની સાથે રહેવા આવવા માટે પજવણી કરતો હતો. પરંતુ રાધિકાએ કિશનને છોડવાની ના પાડી હતી.

ભૂતકાળમાં હિરેન પરમાર અને કિશન ડોડીયા બંને પાસા હેઠળ જેલવાસ ભોગવી રહ્યા હતા તે દરમિયાન પણ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી પરંતુ તે મામલે બંને વચ્ચે સમાધાન થયું હતું. છતાં પણ હત્યારો હિરેન પરમાર શાંત ન બેસતા ચાર માસ પહેલા જ રાધિકાના ઘરમાં ઘૂસી માથાકૂટ કરી ઘરમાં તોડફોડ કરી હતી. જે બાબતે રાધિકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

તે દરમિયાન ગત રાત્રીના બારેક વાગ્યાની આસપાસ કિશન ડોડીયા ગોકુલધામ ગેટ પાસે ચાની હોટલ પર ઉભો હતો ત્યારે હિરેન પરમાર અને કિશન કાંચા સહિતના શખ્સો ત્યાં ધસી આવ્યા હતા અને કિશન ડોડીયા કઈ સમજે તે પહેલા જ છરીના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલાં કિશન ડોડીયાને તેના મિત્ર અજય ઉર્ફે ગજનીની રીક્ષામાં લોહિયાળ હાલતમાં ઘરે અને ત્યાર બાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે તાબડતોડ કાર્યવાહી કરી એક આરોપીની અટક કરી કિશન ડોડીયાની પત્ની રાધિકા ડોડીયાની ફરિયાદ પરથી ખૂનની કોશિશનો ગુનો નોંધ્યો હતો. પરંતુ કિશને પ્રાથમિક સારવારમાં દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી હાથધરી છે. મૃતક કિશન ડોડીયા બે ભાઈ અને ચાર બેનમા નાનો હોવાનું અને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.