પાત્ર પરિચયના પ્રારંભથી પ્રભુતામાં પગલા પાડવાના પ્રયાણ સુધી વર-વધૂના પરિવારને પ્રેરણા આપવા અબતક ‘પરિણય પુષ્પમ્’ પૂર્તિનો પુરતો પ્રયાસ
આપણા રિવાજોમાં ‘પરિણય’ને સંસ્કાર તરીકેનો દરજ્જો શા માટે?
વિવાહની વિવિધ વિધીઓમાં વપરાતી વસ્તુઓના મહત્વ કે હેતુથી આપણે કેટલા પરિચીત છીએ?
ઉજવણીના આનંદ સાથે સફળ સંચાલન કરવા માટે કઇ કઇ કાળજી લેવી જરૂરી છે?
નવદંપતી સામે વર્તમાન સમયના સામાજિક પડકારો કયા કયા છે?
લગ્ન દરેક વ્યક્તિ માટે એક એવી અવિસ્મરણીય પળ જેને દરેક વ્યક્તિ ખૂબ જ “મોજથી મનાવવા માગે છે. સમયની સાથે સાથે લગ્નના પ્રકાર અને લગ્નની પ્રથા પણ બદલાઇ રહી છે.
જોકે હિન્દુ લગ્નોમાં વિધિસરના લગ્નોને હજુ એટલુ જ પ્રાધાન્ય અપાય છે પરંતુ તેના માટેની તૈયારીઓમાં ચોક્કસ બદલાવ આવ્યો છે…
“પહેલુ પહેલુ મંગળીયુ વરતાય રે… પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે… લગ્ન પ્રસંગ આ પ્રસંગમાં કોઇપણ જાતની કસર ન રહે તે માટે આપણે આપણાથી બનતુ બધુ કરી છૂટતા હોઇએ છીએ. ‘લગ્ન’ની તારીખ નક્કી થાય ત્યારથી લઇને લગ્નના દિવસ અને ત્યાર પછીનું બધુ પ્લાનિંગ થતું જ હોય છે. પરંતુ ક્યારેક આવા પ્લાનિંગમાં કંઇક છૂટી જાય છે. જેની અસર અન્ય ફંકશન પર પડે છે.પહેલાના સમયમાં લગ્ન માટે બે કે ત્રણ કે તેથી પણ વધારે દિવસો ફાળવવામાં આવતા હતા. પરંતુ આજની ફાસ્ટ લાઇફમાં લગ્ન પ્રસંગને એક જ દિવસમાં સમેટી લેવામાં આવે છે. આ એક દિવસની તૈયારી છ મહિના પહેલાથી કરવી પડે છે.
લગ્નમાં વર-કન્યાના જન્માક્ષર મેળાપથી માંડી હનીમુન સુધીની તૈયારીઓ ખૂબજ વધુ સમય માંગી લે છે. જ્વેલરી, ફ્લોટસ, કાર્ડ-કંકોત્રી, ઇન્વીટેશનને સગા-વ્હાલા સુધી પહોંચાડવા, મહેમાનોનું લિસ્ટ તૈયાર કરવું, આવી બધી પ્રોસેસ લગ્નના એક કે બે મહિના અગાઉ કરવાની હોય છે. લગ્ન, વેડીંગ કે મેરેજ એ દરેકના જીવનની એક એવી પળ છે જેને માણવા દરેક વ્યક્તિ ઉત્સુક હોય છે.
લગ્નને પાણીગ્રહણ, મેરેજ, કલ્યાણમ્ જેવા વિવિધ નામોથી આપણે સંબોધન કરીએ છીએ. દરેક રાજ્ય, ધર્મ અને દેશમાં લગ્નના અલગ-અલગ નામ અને અલગ-અલગ રીતરીવાજો છે.જોકે હિન્દુ ધર્મના મનુસ્મૃતિમાં વિવાહ કે લગ્નના ૮ પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. જેમાં બ્રહ્મ વિવાહ, દેવ વિવાહ, આર્ષ વિવાહ અને પ્રજાપત્ય વિવાહનો ઉલ્લેખ ને અનુમોદન આપવામાં આવ્યું છે. જ્યારે અન્ય ચાર નિંદિત કહેવામાં આવ્યા છે. જે અસુર વિવાહ, પિશાચ વિવાહ કહેવામાં આવે છે.હિન્દુ ધર્મના લગ્નને ૧૬ સંસ્કારોમાં એક માનવામાં આવે છે. વિ-વા-હ જેનો અર્થ છે ‘વિશેષ રૂપે વહન કરવું’. પાણીગ્રહણને પણ સામાન્ય રૂપે હિન્દુ વિવાહના નામે ઓળખવામાં આવે છે. અન્ય ધર્મોમાં વિવાહ એ વિશેષ પ્રકારનો કરાર છે.
અગ્નિના સાત ફેરા લઇ ધ્રુવ તારાઓની સાક્ષીએ બે તન-મન તથા આત્મા એક પવિત્ર બંધનમાં બંધાઇ જાય છે. હિન્દુ વિવાહમાં પતિ-પત્ની વચ્ચે શારીરિક સંબંધથી વધારે આત્મિક સંબંધ હોય છે અને આ સંબંધને અતિપવિત્ર માનવામાં આવે છે.