જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કામગીરી કરાઇ
જામનગરમાં મહાકાળી સર્કલ નજીક મહાનગરપાલિકાની જગ્યામાં ૧૧ જેટલી કેબીન ખડકી દેવાઈ હતી. જેને દૂર કરી લેવા માટે અનેક વખત નોટીશો આપ્યા છતાં દબાણ નહીં હટાવતાં આખરે આજે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટુકડીએ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, ત્યારે સ્થાનિકો દ્વારા વિરોધ પ્રકટ કરવામાં આવ્યો હતો.
જામનગરમાં મહાકાળી સર્કલ નજીક મહાનગરપાલિકાની જગ્યામાં ગેરેજ, ચા ની લારી સહિતની ૧૧ વ્યક્તિ કેબિનો ખડકી દેવામાં આવી હતી, તે દબાણનો દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અગાઉ નોટીશો આપવામાં આવી હતી. એક થી વધુ વખત નોટિસ આપવા છતાં પણ સ્થાનિકોએ દબાણ નહીં હટાવતાં આખરે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત, સિક્યુરિટી અધિકારી સુનિલ ભાનુશાળી અને તેઓની ટીમ દ્વારા દબાણ હટાવવાનું શરૂ કરાયું હતું.
આ વેળાએ પ્રારંભમાં સંઘર્ષ થયો હતો, અને સ્થાનિકોએ દબાણ હટાવવા સામે વિરોધ દર્શાવ્યો હતો.ઉપરોક્ત જગ્યા અંગેના કોઈપણ પ્રકારના આધાર પુરાવાઓ રજૂ કરી શક્યા ન હોવાથી સીટી સી. ડિવિઝન ના પી.આઈ. અલ્પેશ ચૌધરીની રાહબરી હેઠળ દબાણ હટાવવાનું કામ ચાલુ રખાયું હતું, અને મહાનગરપાલિકાની અંદાજે ૧,૫૦૦ ચોરસ મીટરથી વધુની જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે.
સાગર સંઘાણી