૧૬મીએ જીટીયુના સ્થાપના દિનની ભવ્ય ઉજવણી કરાશે: તડામાર તૈયારીઓ
રાજકોટ શહેર સાથે ધરોબો ધરાવતા ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠ બન્યા અબતકના મોંઘેરા મહેમાન
આગામી ૧૬મીએ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સ્થાપનાને ૧૦ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. રાજકોટ સાથે ઘરોબો ધરાવતા ડો.નવીનભાઈ શેઠના એક વર્ષના વાઈસ ચાન્સેલરના કાર્યકાળમાં જીટીયુની સિદ્ધિઓ આસમાને પહોંચી છે. તાજેતરમાં જીટીયુને આઈએસપીઈ દ્વારા બેસ્ટ ટેકનોલોજીકલ યુનિવર્સિટીનો એવોર્ડ મળ્યો છે. આ સાથે ડોકટર નવીનભાઈ શેઠને ઈન્ડો-નેપાળ કલ્ચરલ કોડિઓડીનેશન તરફથી ભારત-નેપાળ સમરસતા એવોર્ડ એનાયત થયો છે. જીટીયુની હરણફાળમાં જેમનો મહત્વનો ફાળો છે તેવા જીટીયુના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠ નઅબતકથના મહેમાન બન્યા હતા.
અબતક સાથેની વાતચીત દરમિયાન ડો.નવીનભાઈ શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ દેશની પહેલી એવી યુનિવર્સિટી છે કે જેમાં પેપરનું ઈ-એસેસમેન્ટ થાય છે. જીટીયુના પેપર શિક્ષકો લેપટોપ અથવા કોમ્પ્યુટરમાં ચેક કરે છે. જીટીયુનું ડિજિટલાઈઝેશન અન્ય યુનિવર્સિટીઓ માટે પ્રેરણારૂપ છે. આગામી સમયમાં જીટીયુ આંતરરાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી તરીકે ઓળખ ઉભી કરશે. જીટીયુમાં ખાસ ટ્રેનીંગ અને પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટ કાર્યરત છે જે ઈન્ડસ્ટ્રીઝ સાથે સંપર્કમાં રહીને છાત્રોના પ્લેસમેન્ટ માટેની તૈયારીઓ કરે છે. જીટીયુના ડિજિટલાઈઝેશનને કેરાલા, આંધપ્રદેશ સહિતના રાજયોની યુનિવર્સિટીઓ પણ અનુસરે છે. રાજકોટ શહેર સાથે ઘરોબો હોવાનું જણાવી ડો.નવીનભાઈએ કહ્યું કે, રાજકોટમાં તેઓએ જે કામ કર્યું છે તેઓને જે અનુભવ મળ્યો છે તે જીટીયુના વાઈસ ચાન્સેલર તરીકેની જવાબદારીમાં ખુબ કામ આવી રહ્યું છે.ડો.નવીનભાઈ શેઠે વાઈસ ચાન્સેલરનો કાર્યભાર સંભાળ્યો ત્યારપછીની નોંધપાત્ર ઉપલબ્ધિ જીટીયુની માળખાકીય સુવિધાઓ મોટાપાયે ઉભી કરવાની છે.
ભારતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્પીડ, સ્કેલ અને સેન્સિટીવિટી એમ ત્રણ એસને આવરી લઈને વિદ્યાર્થીઓમાં વ્યવસાયલક્ષી કૌશલ્યો વિકસે એ હેતુથી જીટીયુની સ્થાપના કરી હતી અને માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હવે ગાંધીનગરમાં લેકાવાડા ખાતે ૧૦૦ એકર જમીનની ફાળવણી કરતા યુનિવર્સિટીની પ્રવૃતિઓનો વ્યાપ વધારી શકાશે.
ઉપરાંત તાજેતરમાં રાજયના બજેટમાં નવા કેમ્પસની રચના માટે રૂ.૧૩ કરોડ જેવી માતબર રકમની ફાળવણી થઈ, જે થકી ભવનો અને લેબોરેટરી સ્થાપીને અનેક વિશિષ્ટ પ્રકારના કોર્ષ શરૂ કરવાનું હવે શકય બનશે. જીટીયુ નવી માળખાકીય સુવિધાઓનો ભરપુર ઉપયોગ કરીને અનેક સેન્ટર ઓફ એકસેલન્સ સ્થાપવા ઈચ્છે છે, જેથી જીટીયુની ભૂમિકા ફકત વહિવટી ન રહેતા ખરાઅર્થમાં શૈક્ષણિક કાર્યમાં પણ સંકળાશે. ઉપરાંત જીટીયુને યુ.જી.સી.નું ૧૨-બી સર્ટીફીકેટ મેળવવાનું શકય બનતા ગ્રાન્ટ મળતી થઈ જશે.ડો.નવીનભાઈ શેઠના નેતૃત્વમાં જીટીયુએ ચીન અને જાપાન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા વિદ્યાર્થીઓમાં સંશોધનાત્મક વૃતિ અને પ્રવૃતિને વેગ આપવા ભગીરથ પ્રયાસો હાથ ધર્યા છે.
અમદાવાદમાં યોજાયેલી ડોટ સ્પર્ધામાં જીટીયુ પ્રેરિત બે સ્ટાર્ટ-અપને પહેલુ અને બીજું ઈનામ પ્રાપ્ત થયું. આ સ્પર્ધામાં રાજયભરના ૨૦ સ્ટાર્ટ-અપ પ્રોજેકટ વચ્ચે જીટીયુના ઈનોવેટીવ પ્રોજેકટની બે ટીમો વિજેતા બની. મિત્સુશિબી ઈલેકટ્રીક સ્પર્ધામાં પણ જીટીયુની ટીમ ઝબકીને ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું.
રાષ્ટ્રીય રોબોટીકસ સ્પર્ધામાં ભાગ લેવા જીટીયુઅે બે ફેકલ્ટી મેમ્બરો અને ૩૩ વિદ્યાર્થીઓ સહિત કુલ ૩૫ સભ્યોની ટીમને પૂણે મોકલી છે. જીટીયુ આયોજીત ટેકફેસ્ટની વાત કરીએ તો અગાઉ દરેક ઝોનમાં એક-એક કોલેજને યજમાનપદ અપાતું હતું પરંતુ આ વર્ષે એકથી વધારે કોલેજોને બ્રાંચદીઠ યજમાનપદ ફાળવવામાં આવ્યું છે. ગુજરાતભરના વિદ્યાર્થીઓ વધુને વધુ પ્રમાણમાં ભાગ લેતા થાય તે હેતુથી આ વર્ષે પહેલી વખત દશ કોલેજોમાં ઝોનલ ટેકફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. એટલું જ નહીં તો પ્રથમ વખત મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે પણ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું.ઝોનલ અને સેન્ટ્રલ ટેકફેસ્ટ માટેનું ભંડોળ પણ વધારીને રૂ.૬૦ લાખ કરવામાં આવ્યું છે.
દેશના સૌથી મોટા ટેકનીકલ મહોત્સવ જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટનું યજમાનપદ આ વખતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) તરફથી વિશ્ર્વકર્મા સરકારી ઈજનેરી કોલેજ અને એસ.એમ.ફાર્મસી કોલેજને સંયુકતપણે ફાળવવામાં આવ્યું છે. જીટીયુ સેન્ટ્રલ ટેકફેસ્ટ આગામી ૧૪,૧૫ અને ૧૬ માર્ચના રોજ આ બંને કોલેજોમાં યોજાશે.
આગામી પ્રકલ્પો વિશે જણાવતા ડો.નવીનભાઈ શેઠે જણાવેલ કે, હવેથી ૧૬મી મે એ જીટીયુની સ્થાપના દિવસને નજીટીયુ દિવસથ તરીકે ઉજવવામાં આવશે. જીટીયુ ગાન તૈયાર કરવામાં આવ્યું છે અને પદવીદાન સમારોહથી લોન્ચ કરવામાં આવ્યું છે.
હવે જીટીયુના અને સંલગ્ન કોલેજોના તમામ કાર્યક્રમોમાં તે ગુંજતુ થશે. જીટીયુ દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું આયોજન થઈ રહ્યું છે.
મારા અને જીટીયુના વિકાસમાં રાજકોટનો મોટો ફાળો
જીટીયુના વાઈસ ચાન્સેલર ડો.નવીનભાઈ શેઠે કહ્યું કે, તેઓના અને ગુજરાત ટેકનીકલ યુનિવર્સિટીના વિકાસમાં રાજકોટ શહેરનો મહત્વનો ફાળો રહ્યો છે. તેઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી જે અનુભવ મેળવ્યો તે જીટીયુના સંચાલન માટે ખુબ કામ આવી રહ્યો છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, રાજકોટ સાથે તેઓ ધરોબો ધરાવે છે. અહિંના લોકો સાથે તેઓના લાગણીસભર સંબંધો રહ્યા છે.