1950 થી 1965 સુધી ઘણી ફિલ્મો આવી જે બહુ જ સફળ રહી હતી: આ ફિલ્મોના ગીતો ખૂબ જ પ્રચલિત થયા હતા જે આજે પણ સાંભળવા મળે છે: રામસે બ્રધર્સની હોરર ફિલ્મનો પણ યુગ હતો
વહ કૌનથી, અનિતા, ગુમનામ, કોહરા, બિસસાલ બાદ, કોહરા, યે રાત ફિર ન આયેગી, ટાવર હાઉસ જેવી ઘણી ફિલ્મો ખુબ જ સફળ નીવડી હતી: કહી દીપ જલે, કહીં દિલ, રૂમ ઝુમ ઢલતી રાત જેવા ગીતો આજે પણ સાંભળવા ગમે છે
બોલીવુડમાં લત્તાજી જે ફિલ્મના ગીતથી દેશભરમાં જાણીતા થયા તે ‘મહલ’ ફિલ્મનું ગીત “આયેગા આનેવાલા” એક સસ્પેન્સ, થ્રીલર ફિલ્મ હતી જે એ જમાનામાં પુનર્જન્મ આધારીત પ્રથમ ફિલ્મ હતી, તેથી ગીતો, ફિલ્મો, ગાયકો અને કલાકાર જાણિતા બની ગયા હતા. આ સફળતા બાદ નિર્માતાએ આ પ્રકારની ઘણી ફિલ્મો બનાવી જેમાં કોહરા, બીસ સાલ બાદ, યે રાત ફિર ન આયેગી, વહ કૌન થી, ટાવર હાઉસ જેવીનો સમાવેશ થાય છે. આ ફિલ્મની વિશેષતા તેના ગીતો હતા. ખાસ છાપામાં એ જમાનામાં ફિલ્મની જાહેરાતમાં લખતા કે અંત કોઇને કહેશો નહી. 1949 થી 1965 સુધી આ પ્રકારની ફિલ્મો આવી હતી બાદમાં રામસે બ્રધર્સની હોરર ફિલ્મનો યુગ શરૂ થયો હતો.
એ જમાનામાં સામાજીક, પારિવારિક, રોમેન્ટિક સાથે સસ્પેન્સ, થ્રીલર કે હોરર ફિલ્મ પણ આવતી જે ઘણી સફળ રહી હતી. વિશ્ર્વજીતે આ પ્રકારની 4 સફળ ફિલ્મો કરી હતી. મનોજ કુમારે પણ બે કે ત્રણ સફળ ફિલ્મો કરી હતી. જેને આજે પણ લોકો યાદ કરે છે. આવી ફિલ્મોના વિલન આખા ફિલ્મમાં બહુ જ ઓછીવાર બતાવવામાં આવતા છતાં ડર લાગતો હતો. એ વખતે ત્રણ કલાકની લાંબી ફિલ્મ જોવાનો કંટાળો ન આવતો. બે ઇન્ટરવલ પણ અમુક ફિલ્મમાં પડતા હતા એટલી લાંબી ફિલ્મો હતી. ધાર્મિક ફિલ્મમાં અગરબત્તી કે નાળિયેર પણ ફોડતા તો ગમતા જાણિતા ગીતોમાં પૈસા પણ ઉડાડતા હતા.
બોલીવુડનો છેલ્લા 100 વર્ષનો ઇતિહાસ સાથે મુંગી ફિલ્મો બાદ બોલતી ફિલ્મો આવી. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મનો યુગ સુવર્ણ હતો. સ્ટોરી, ગીતો, સંગીતની તાકાતથી ફિલ્મો સફળ થતી. એક ફિલ્મમાં સાત-આઠ ગીતો હતા. લોકોને ગીત ગમતાને પૈસા પણ ઉડાડતા હતા. પ્રારંભે ઐતિહાસિક-રોમેન્ટિક પ્રણય ત્રિકોણ, ધાર્મિક, સસ્પેન્સ, થ્રીલર, હોરર, કોમેડી અને પારિવારીક જેવી ફિલ્મો એ જમાનામાં આવતી. છેલ્લી પાંચ-દશ મિનિટ ફાઇટીંગ હીરો-વિલેનની અચુક આવેએ નક્કી જ હતું. હિરોઇનને વિલન ઉપાડી જાયને કાર પાછળ સાયકલ, સ્કુટર, ધોડો કે દોડીને હિરો પાછળ જઇને છોડાવેને ફિલ્મ પૂરી થાય. લોકો ફિલ્મ જોવાને દુનિયાની સૌથી વધુ ખુશી માનતા હતા. ટોકિઝમાં ફિલ્મના પોસ્ટર જોઇને પણ મિત્રો સાથે કલાકો સુધી વાતો કરતાએ દિવસો હતા.
1949માં આવેલી પુનર્જન્મ આધારીત ફિલ્મ ‘મહલ’એ જમાનામાં ખૂબ જ સફળ રહી હતી. ‘આયેગા…..આયેગા…..આનેવાલા’ ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ફિલ્મ બાદ સસ્પેન્સ ફિલ્મોનો દૌર શરૂ થયોને થ્રિલર સાથે હોરર ફિલ્મો પણ બનવા લાગી. અભિનેતા મનોજ કુમારની ફિલ્મો વધુ આવી જેમાં સાજન, ગુમનામ, અનીતા અને વહ કૌનથી ખૂબ જ સફળ રહી તેના ગીતો પણ ખૂબ જ લોકપ્રિય થયા હતા. કોહરા અને બિસ સાલ બાદ ફિલ્મોએ સફળતાના શિખરો સર કર્યાં હતા. ‘કહી દિપ જલે કહી દિલ’ જેવા હિટ ગીતો લોકો આજે પણ મોબાઇલમાં સાંભળે છે.
એ વખતના વિલન લાંબા ઓવર કોટ અને માથે કેપ અને હાથમાં ચીરૂટ કે પાઇપ વડે ધુમાડાના ગોટા કાઢે, કશુ જ ન બોલે ફક્ત ચહેરાના હાવભાવથી જ દર્શકોમાં ડર પેદા કરતાં જેમાં કે.એન.શીંગ સૌથી મોખરે આવે બાદમાં ઘણા વિલનો આવ્યા પણ તેના જેવી અમીટ છાપ એકપણ વિલન છોડી શક્યો નથી. વિલનની યાત્રામાં અન્સારી, બી.એમ.વ્યાસ, જીવન, પ્રાણ, શેખ મુખ્તાર, અનવર હુશેન, મદનપૂરી, અજીત, પ્રેમ ચોપડા, કમલ કપૂર, રૂપેશ કુમાર, દેવ કુમાર જેવા ઘણા વિલનો 1950 થી 70ના દશકમાં આવ્યાને સફળ ફિલ્મો આપી હતી. રામસે બ્રધર્સની હોરર ફિલ્મોનો એકયુગ હતો જેના નામો પૂરાની હવેલી, તયખાના, વિરાના, અંધેરી રાત જેવા હતા.
નૂર મહેલમાં કોમેડિયન જગદીપ મુખ્યા પાત્રમાં હતો. આ ફિલ્મનું ગીત “મેરે મહબૂબ ન જા…..આજ કી રાત ન જા” ખૂબ જ સફળ નિવડ્યું હતું. આ વિષય આધારીત અપરાધી કોન (1957), ગુમનામ (1965), અનિતા (1967), સાજન (1969), વહ કૌન થી (1964), કાનુન (1960), સી.આઇ.ડી. (1956), ઇત્તફાક (1969) અને હમરાઝ (1967) સફળ ફિલ્મો રહી હતી. રાજ ખોસલા, બી.આર.ચોપરા જેવા નિર્માતાઓએ ઘણી સસ્પેન્સ, થ્રીલર ફિલ્મો બનાવી હતી. સુનિલ દત્ત, મનોજ કુમાર, વિશ્ર્વજીત જેવા કલાકારોએ ખૂબ જ સુંદર અભિનય આવી ફિલ્મોમાં કર્યો હતો. આ બધી સફળ ફિલ્મોના ગીતો પણ એટલા જ સુંદર હતા. ટાંચા સાધનોમાં શ્ર્વેત-શ્યામ રંગમાં પણ દર્શકોને જકડી રાખવામાં ફિલ્મો સફળ રહી હતી.
આજના યુગમાં રામ ગોપાલ વર્માની ફિલ્મો પણ આવે છે. જેમાં ‘રાત’ ખૂબ જ સારી ફિલ્મ હતી. 1920 અને રાઝ નામની ફિલ્મો પણ 21મી સદીમાં સફળ રહી હતી. વર્ષો પહેલા દિલીપકુમારના ભાઇ નાસીર ખાન અને તનુજાની ફિલ્મ ‘સન્નાટા’ આવી હતી. આ દૌરની ઝાલ, બ્લેક કેટ, ઘર નં.44, કહી દીન કહી રાત, બુઢા મીલ ગયા, જવેલ થીફ, યે રાત ફિર ન આયેગી, ટાવર હાઉસ, રાત ઔર દીન, નુરમહલ ઘુંદ, ખેલ ખેલ મેં, પરદે કે પીછે, શિકારી, જંગલ મે મંગલ, પુનમ કી રાત, લાલ બંગલા અને તીસરી મંજીલ જેવી હિટ ફિલ્મો દર્શકોને ખૂબ જ પસંદ પડી હતી.
અંગ્રેજી ફિલ્મ ‘હાઉસ ઓફ વેક્સ’ ઉપરથી નિર્માણ થયેલ હિન્દી ફિલ્મ “વહ કોઇ ઔર હોગા” જેમાં ફિરોઝ ખાને સુંદર અભિનય કર્યો હતો. એ જમાનામાં આવી ફિલ્મો સફળ થતી તો અમુક બી ગ્રેડની ફિલ્મો આવતી. થ્રીલર, સસ્પેન્સ ફિલ્મની જાહેરાતમાં ‘અંત કોઇને કહેશો નહી’ એવું લખતા હતા. મિત્રો પણ ફિલ્મની બધી સ્ટોરી કરે પણ અંતની વાત ન કરતા. એ જમાનામાં ફિલ્મની સ્ટોર પણ સૌ મિત્રો ટોળું વળીને રસમયથી સાંભળતા હતા.
એ યુગમાં એટલે 1950 થી 75 સુધીમાં રહસ્યમય ફિલ્મો ઘણી સફળ રહી હતી. બોલીવુડની શ્રેષ્ઠ ફિલ્મો આ સમયમાં જ આવી હતી. દર્શકો સાથે જોડાયેલી મજબૂત વાર્તા તેનું જમા પાસું હતું. ઘણી ફિલ્મોમાં તે દર્શકો ખુરશી સાથે ચોટી જતા હલતા પણ નહી એટલી તન્મયતા ફિલ્મોની હતી. એ જમાનામાં સસ્પેન્સ ફિલ્મ જોવાનો ક્રેઝ હતો. 1960ના દશકામાં આવી ઘણી ફિલ્મો આવી હતી. આ સમયની ટોપ-10 ફિલ્મોમાં કાનુન (1960), બીસ સાલ બાદ (1962), વહ કૌન થી (1964), કોહરા (1964), ગુમનામ (1965), મેરા સાયા (1966), તીસરી મંઝીલ (1966), હમરાઝ (1967), ઇત્તેફાક (1969) જેવી સફળ ફિલ્મોના નામ આવતા હતા. આ બધી જ ફિલ્મોના સુંદર ગીતો પણ હતા સાથે તમામ કલાકારોએ શ્રેષ્ઠ અભિનય કરીને સુંદર સંગીત સાથે દર્શકોને જકડી રાખી હતી.
1940 થી 1970 સુધીના બોલીવુડના ત્રણ દાયકામાં ઘણી શ્રેષ્ઠ ફિલ્મો આવી હતી. ઐતિહાસિક વિષય આધારીત પ્રણય ત્રિકોણ સાથેની રોમેન્ટિક ફિલ્મો પણ સફળ રહી હતી. ધાર્મિક વિષયની ફિલ્મો પણ લોકો જોવા જતા હતા. સસ્પેન્સ, થ્રીલર અને હોરર ફિલ્મોનો પણ એક દૌર આ યુગ સાથે જોડાયો ઘણી સુપર ડુપર ફિલ્મો આપણને માણવા મળી હતી.