એક દેશ એક કાયદો
મિલકત સંપાદન અને સંચાલન, લગ્ન – છૂટાછેડા અને દત્તક લેવા સંબંધિત બાબતો માટે સમાન કાયદો બનાવવાનો અત્યંત મહત્વપૂર્ણ
લગ્ન, વારસો, ભરણપોષણ, બાળ કસ્ટડી, ઉત્તરાધિકાર, દત્તક…હાલમાં ભારતમાં વિવિધ ધાર્મિક સમુદાયો માટે આ પાસાઓને સંચાલિત કરતા જુદા જુદા કાયદા છે. ત્યારે આ બાબતોમાં અનેક વિસંગતતા જોવા મળે છે જે વિસંગતતાને દૂર કરવા યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) એટલે કે સમાન નાગરિકત્વ ધારાની અમલવારી જરૂરી છે.
હાલ દેશમાં સમાન નાગરિકત્વ ધારાની અમલવારીની માંગ ઉઠી છે જેનો એકમાત્ર ઉદેશ્ય એક દેશ એક કાયદાનો છે. સમાન નાગરિકત્વ ધારો અમલી બનતા ઉપરોક્ત વિષયો પર એક જ કાયદો હશે જે તમામ ધર્મના લોકોને લાગુ પડશે. એવુ સહેજ પણ નથી કે, સમાન નાગરિકત્વ ધારાની અમલવારી માટેનો મુદ્દો પ્રથમ વાર ઉઠ્યો છે. અગાઉ પણ આ મુદ્દે અનેકવાર ચર્ચાઓ થઇ છે પણ દુર્ભાગ્યપણે આ મુદે હાલ સુધી ફકત ચર્ચાઓ જ થઇ છે અને અમલવારી તરફ કોઈ નક્કર પગલાંઓ લેવામાં આવ્યા નથી. વર્ષ 1985માં પણ જયારે શાહબાનો કેસ અસ્તિત્વમાં આવ્યો ત્યારે સમાન નાગરિકત્વ ધારાની અમલવારીનો મુદ્દો જોરોશોરોથી ચર્ચાયો હતો.
આ વખતે કાયદા પંચે 14મી જૂને એક જાહેર નોટીસ ઇસ્યુ કરીને ભારત દેશના નાગરિકો તેમજ ધાર્મિક સંગઠનો પાસેથી સમાન નાગરિકત્વ ધારાની અમલવારી અંગેના સૂચનો માંગવામાં આવ્યા છે. કાયદા પંચ હાલ જે રીતે આ દિશામાં આગળ ધપી રહ્યું છે તે પ્રમાણે પ્રાથમિક દ્રષ્ટિએ એવુ ચોક્કસ લાગી રહ્યું છે કે, હવે સમાન નાગરિક્તવ ધારાની અમલવારી તરફ કોઈ નક્કર પગલાં લેવામાં આવશે.
ભારતને આઝાદી મળ્યાના 75 વર્ષે પણ હજુ આ મુદ્દે કોઈ ઠોસ કાર્યવાહી થઇ નથી પણ બીજી બાજુ દેશમાં લગ્ન જીવન અને પારિવારિક બાબતોમાં વિવિધ અદાલતોએ સમાન નાગરિકત્વ ધારાનું બ્રાન્ડિંગ કર્યા વિના એવા ચુકાદાઓ આપ્યા છે જે સમાન નાગરિકત્વ ધારાની અમલવારી તરફ દોરી જનારુ છે. આ ચુકાદાઓનો ઉલ્લેખ નીચે વિસ્તૃત રીતે કરવામાં આવ્યો છે.
ભારતીય છૂટાછેડા (સુધારો) અધિનિયમ,2001
ભારતીય છૂટાછેડા (સુધારો)અધિનિયમ,2001ની સૌથી વધુ અસર ખ્રિસ્તી મહિલાઓને અસર કરનારી હતી. આ કાયદા હેઠળ લૈંગિક પૂર્વગ્રહ દૂર કરીને રદ્દીકરણ અને ભરણપોષણની વિસંગતતાઓ દૂર કરનારી હતી. આ સુધારાને સમાન નાગરિકત્વ ધારાની અમલવારી તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.
મહિલાઓને હિંસા સામે રક્ષણ આપતો ઘરેલુ હિંસા સંરક્ષણ અધિનિયમ, 2005
આ કાયદો સ્ત્રીને પરિવારના સભ્યો દ્વારા થતા દુર્વ્યવહારથી બચાવે છે. ઘરની તમામ મહિલાઓ કે જેમાં છૂટાછેડા લેનાર, વિધવા, લિવ-ઇન જીવનસાથી, બહેન, માતાઓને વાસ્તવિક અથવા દુરુપયોગની ધમકીઓથી જેવી કે, શારીરિક, જાતીય, મૌખિક, ભાવનાત્મક અથવા આર્થિક હિંસા સામે રક્ષણ પૂરું પડે છે. નિષ્ણાતોના મતે આ અધિનિયમ એ સૌથી મહત્વપૂર્ણ ભાગોમાંનો એક છે. 2018માં બોમ્બે હાઈકોર્ટે જ્યારે ચુકાદો આપ્યો ત્યારે એટલું ચોક્કસ સાબિત થયું કે, આ કાયદો મુસ્લિમ મહિલાઓને પણ તેટલો જ લાગુ પડશે જેટલો કોઈપણ અન્ય સમુદાયની મહિલાઓને લાગુ પડશે.
દીકરીઓને વારસાગત મિલ્કતમાં હક્ક અપાવતો હિંદુ ઉત્તરાધિકાર (સુધારો) અધિનિયમ,2005
આ સીમાચિહ્નરૂપ સુધારાએ મહિલાઓને પુરૂષોની જેમ વારસાગત મિલ્કતોમાં સમાન અધિકારો આપ્યા છે. આ સુધારા પહેલા પરિવારની દીકરીને વારસાગત મિલ્કતમાં હિસ્સો મળતો ન હતો પણ આ કાયદાની અમલવારી બાદ દીકરીઓને પણ સમાન હિસ્સો અપાવ્યો હતો. આ મુદ્દાએ એક દાયકાથી વધુ સમય સુધી વિવિધ હાઈકોર્ટોને મૂંઝવણમાં મૂક્યા હતા. ત્યારબાદ ઓગસ્ટ 2020માં સુપ્રીમ કોર્ટે તમામ શંકાઓને દૂર કરી દીધી હતી. 121 પાનાના ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કરી નાખ્યું કે, દીકરીઓને સમાન હિસ્સો આપવો જોઈએ અને આ સુધારો 2005 પહેલા જન્મેલી તમામ દીકરીઓને પણ લાગુ પડશે.
બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ, 2006એ લગ્નની ચોક્કસ ઉંમર નક્કી કરાવી
બાળ લગ્નની પ્રથા નાબૂદ કરવા માટે પીસીએમએ એક્ટ પાસ કરવામાં આવ્યું હતું. અગાઉ દેશભરમાં વિવિધ સમુદાયોમાં લગ્નની ઉંમરમાં અનેક વિસંગતતા હતી પણ જયારે આ સુધારો અમલમાં મુકવામાં આવ્યો ત્યારે કોઈ પણ યુવક-યુવતીની લગ્નની એક સમાન ઉંમર નક્કી કરવામાં આવી અને તે ઉંમર પહેલા લગ્ન કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ વ્યાખ્યા આપવામાં આવી હતી કે, 21 વર્ષના પુરુષ અને 18 વર્ષની મહિલા જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. જો આ ઉંમરથી નીચેની વ્યક્તિના લગ્ન કરાવવામાં આવે તો તેને રદ્દ બાતલ ઠેરવવામાં આવે છે.
મુસ્લિમ મહિલા (લગ્ન પરના અધિકારોનું રક્ષણ) અધિનિયમે ટ્રિપલ તલાકમાંથી અપાવી મુક્તિ
આ મુદ્દાની શરૂઆત શાયરા બાનો કેસના સુપ્રીમના ચુકાદાથી થઈ હતી. અદાલતે તલાક-એ-બિદ્દત અથવા ટ્રિપલની ઇસ્લામિક પ્રથાની ટીકા કરી હતી. ટ્રિપલ તલાક હેઠળ મુસ્લિમ પુરુષને તાત્કાલિક તલાક આપવાની છૂટ આપતું હતું પણ મુસ્લિમ મહિલાને લગ્ન પરના અધિકારોનહીં રક્ષણ આપતો કાયદો પસાર કરવામાં આવતાની સાથે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું જે મુસ્લિમ મહિલાઓ માટે આશિર્વાદરૂપ સાબિત થયું.