સામાન્ય શરદી-ઉધરસ-તાવના ૩૩૬, ઝાડા-ઉલ્ટીના ૨૧૩, ટાઈફોઈડનો ૧, અન્ય તાવના ૨૩ અને મેલેરીયાનો ૧ કેસ
શિયાળાની કાતિલ ઠંડીમાં સામાન્ય રીતે રોગચાળો ઘટવો જોઈએ પરંતુ શહેરમાં જાણે રોગચાળાએ માઝા મુકી હોય તેમ છેલ્લા એક સપ્તાહમાં અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં તાવ-શરદી-ઉધરસના ૫૭૪ કેસો નોંધાયા છે. જો કે, ડેન્ગ્યુનો એક પણ કેસ નોંધાયો નથી અને મેલેરીયાનો માત્ર એક જ કેસ નોંધાયો છે.
આ અંગે આરોગ્ય શાખાના સુત્રોએ વધુમાં વિગત આપતા જણાવ્યું હતું કે, છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ અલગ સરકારી તથા ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય શરદી-ઉધરસ અને તાવના ૩૩૬ કેસ, ઝાડા ઉલ્ટીના ૨૧૩ કેસ, ટાઈફોઈડનો તાવનો ૧ કેસ, મરડાના ૩ કેસ અન્ય તાવના ૨૩ કેસ અને મેલેરીયાનો ૧ કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૬૪૫૦ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મચ્છરોના નાશ માટે ૨૭૬ ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. શાળા-કોલેજ, હોટલ હોસ્પિટલ અને બાંધકામ સાઈટ સહિત કુલ ૧૬૬ સ્થળે ચેકિંગ હાથ ધરાયું હતું. મચ્છરોની ઉત્પતિ સબબ ૧૬ આસામીને નોટિસ ફટકારવામાં આવી છે. કોલ સેન્ટરમાં નોંધાયેલી ૨૭ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
ખોરાકજન્ય રોગચાળાને નાવા ૧૧૫ સ્થળે ચેકિંગ
ખોરાકજન્ય રોગચાળાને નાવા માટે આરોગ્ય શાખા દ્વારા ૩૪ રેકડી, ૨૮ દુકાનો, ૪ હોટલ રેસ્ટોરન્ટ, ૯ ડેરીફાર્મ અને ૪૦ અન્ય સ્થળ સહિત કુલ ૧૧૫ સ્થળે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૧૦ આસામીઓને નોટિસ ફટકારી ૩૭ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો.