ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળામાં વધારો નોંધાયો છે. ત્યારે રાજ્યમાં શરદી ઉધરસ, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ વધ્યા છે. આ દરમિયાન બદલાતા વાતાવરણ અને ડબલ સિઝનને કારણે વાયરલ કેસના દર્દીઓમાં વધારો થયો છે. તેમજ સુરતમાં મેલેરિયાથી એક શ્રમિકનું મોત થયું છે. જ્યારે રાજકોટમાં ડેન્ગ્યુએ મહિલાનો જીવ લઈ લીધો છે. અને વડોદરામાં પાંચ દિવસમાં 46 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.

સપ્ટેમ્બરમાં 20થી વધુનાં મોત:

ચોમાસું હવે વિદાય લેવાની તૈયારીમાં છે. તે પહેલા જ રોગચાળાએ માથું ઉંચક્યુ છે. આ સાથે સિઝન બદલાતા વાયરલ, શરદી, ખાંસીથી માંડીને ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા કેસોમાં વધારો થઈ રહ્યો છે. વડોદરામાં પાંચ દિવસમાં 46 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. ત્યારે હજુ દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. આ બીમારીઓને કારણે સપ્ટેમ્બરમાં જ 20થી વધુનાં મોત અને અંદાજિત 10 હજારથી વધુ લોકો બીમાર પડ્યા છે. આ આંક ફક્ત સરકારી હોસ્પિટલોનો જ છે.

વડોદરા પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ:

વડોદરાની હોસ્પિટલમાં છેલ્લા પાંચ દિવસમાં ડેન્ગ્યુના 46 કેસ નોંધાયા છે. તેમજ 15 દિવસમાં 500થી વધુ વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાઇ ચૂક્યા છે. વડોદરામાં લોકો પહેલા પૂરથી પરેશાન થયા અને હવે રોગચાળાથી પરેશાન થઈ રહ્યા છે. ત્યારે, હોસ્પિટલના RMOએ પણ સ્વચ્છતા જાળવવા અને સાવચેતી રાખવા અપીલ કરી છે. આ સાથે તાવ કે વાયરલની અસર લાગે તો તરત જ યોગ્ય તબીબ પાસે સારવાર કરાવો. આ ઉપરાંત, ખેલૈયાઓને ભૂખ્યા પેટે ગરબા ન રમવા પણ અપીલ કરી છે.

રોગચાળાને કાબૂમાં લેવા જરૂરી પગલા ભરવા માંગ

સુરત શહેરમાં ઉઘાડ નીકળતા જ પાણી-મચ્છરજન્ય રોગોમાં વધારો થયો છે. સિવિલમાં તાવના દર્દીઓ વધુ નોંધાતા બેડ ખૂટી પડતા દર્દીઓને જમીન પર પથારી પાથરીને સારવાર શરૂ કરાઈ હતી. ત્યારે સુરતમાં રોગચાળાએ વધુ એકનો ભોગ લીધો છે. આ સાથે કાપોદ્રામાં શ્રમિક યુવકનું મેલેરિયાની સારવાર દરમિયાન મોત થયું છે.

ગત મહિને ડેન્ગ્યૂના 63 અને મેલેરિયાના 91 કેસ નોંધાયા હતા. સૌ પ્રથમ રાજકોટમાં 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત થયું છે. તંત્ર રોગચાળાને વહેલા કાબૂમાં લેવા જરૂરી પગલા ભરે તેવી સ્થાનિકો દ્વારા માગ કરવામા આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.