દિલ્હીમાં આંદોલનકારીઓની ટ્રેકટર રેલીના તોફાનોએ દેશની પ્રજાસત્તાક ગરિમાને ઠેસ પહોંચાડી: હિંસક અથડામણોમાં પોલીસ અધિકારીઓ સહિત ૨૨ ઈજાગ્રસ્ત, બે ગંભીર
‘જિંદગી મોત ના બન જાયે સંભાલો યારો… ખો રહા ચેનો અમન… હા મુશ્કીલો મેં હે વતન… શરફરોશીકી સમા દિલમાં જલા લો યારો… એક તરફ પ્યાર હૈ, ચાહત હૈ વફાદારી… એક તરફ દેશ મેં ધોખા હૈ, ગદ્દારી હૈ…
દિલ્હી લાલ કિલ્લા પર ગઈકાલે આંદોલનકારીઓની ટોળાશાહીએ તિરંગાનું અપમાન કરતી ઘટના સર્જી હતી. ખેડૂત આગેવાનોએ અગાઉ આચારસંહિતા ઘડીને કોઈપણ અન્ય ધ્વજ લઈ ન જવાની માર્ગદર્શિકા બહાર પાડી હતી પરંતુ બેવકુફ ટોળાશાહીમાં તિરંગા પર અન્ય ધ્વજ લહેરાવવાની ઘટનાએ દેશદ્રોહીઓનું પોત પ્રકાશાવી દીધું હતું.
વિશ્વની સૌથી મોટી લોકશાહીનું ભારતનું લોકતંત્ર વસુદેવ કુટુમ્બકમની ભાવનાના પાયા ઉપર રચાયું છે. એથી જ ગાંધીજી આઝાદી અપાવવામાં નિમીત બન્યા કેમ કે, બાપુ એ જ નાત, જાત, ધર્મ, ભેદ કે ભાષાના વાડા વગર સમગ્ર દેશને એક ગણીને આઝાદીની મસાલ પ્રજ્જવલીત કરી હતી. ભારતમાં આથી જ ૧૫મી ઓગષ્ટની જેમ જ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની એક આગવી ગરીમા રહી છે.
આઝાદી મળ્યા બાદ ખરી આઝાદી ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે બંધારણના અમલથી શરૂ થઈ. પ્રજાસત્તાક પર્વ ખરા અર્થમાં આઝાદીની ફલશ્રુતી છે અને દેશને તેના ઉપર ગૌરવ હોય ત્યારે ગઈકાલે નવીદિલ્હી ખાતે ૨૬મી જાન્યુઆરીના પર્વ ઉપર કાલીમા લાગતી ઘટનાઓમાં ખેડૂત આંદોલનકારીઓના રૂપમાં ઘુસી ગયેલા દેશ વિરોધી તત્વોએ દિલ્હીમાં જે રમખાણ કરી હતી તેનાથી દેશ હચમચી ઉઠ્યો છે.
તિરંગાની ગરીમાને ઝાખપ લગાવે તેવા કૃત્યમાં લાલ કિલ્લા પર ફરકતા તિરંગાની ઉપરવટ સાપ્રદાયીક ધ્વજ ચડાવવાની ઘટનામાં વધુ એકવાર ટોળાશાહીએ અનર્થ સર્જયુ હતું. બાબરી ધ્વંશની ટોળાશાહીથી પણ ગઈકાલની તિરંગાની અવમાન્યતાની ઘટના વધુ ગંભીર બની ગઈ છે.
ખેડૂત આંદોલનકારીઓના રૂપમાં દેશ વિરોધી તત્ત્વોએ દિલ્હીમાં જે રમખાણ મચાવી હતી. તેની સંભાવનાઓ આંદોલનના પ્રથમ દિવસથી જ ઉભી થઈ હતી. ‘અબતક’એ પ્રથમ દિવસથી જ કરેલા મર્મસ્પર્શી અને આગોતરા દ્રષ્ટીકોણ સાથેના અહેવાલો ગઈકાલે સત્ય પુરવાર થયા હતા. આંદોલનકારીઓના રૂપમાં દેશ વિરોધી તત્વોની ગઈકાલની હરકતે સમગ્ર દેશને હચમચાવી મુક્યો છે અને ટ્રેકટર રેલીએ રમખાણ સર્જાવી દીધા હતા. ખેડૂત આગેવાનોએ પણ આંદોલનકારીઓ વચ્ચે ઘુસેલા તત્ત્વો પર દોષનો ટોપલો ઢોળી દિલગીરી વ્યકત કરી છે અને દેશના ઈતિહાસમાં ગઈકાલનો દિવસ અતિ દુ:ખદ બન્યો હતો અને અંતે આંદોલનકારીઓનું આંદોલન દેશવિરોધી તત્ત્વો અને રાજકીય કુટનીતિનો ભોગ બન્યો હોવાનું સામે આવ્યું છે.