ખેડૂતોના વિરોધ વચ્ચે સરકારની ફરીથી વાટાઘાટો કરવા તૈયારી
ખેડૂત આંદોલન દેશની સુરક્ષા માટે ચિંતાનો વિષય બની ગયો છે. ટૂકડે-ટૂકડે ગેંગ જેવા તત્ત્વો ખેડૂત આંદોલનનો લાભ લેવા તાકીને બેઠા છે. જેનાથી દેશની સુરક્ષાને ખતરો છે તેવી દહેશત મંત્રી રવિશંકરે વ્યકત કરી છે.
કૃષિ કાયદાના વિરોધમાં ચાલુ થયેલા આંદોલનનો અંત લાવવા માટે સરકારે અનેક રસ્તા સુચવ્યા છે. કાયદામાં ફેરફાર કરવાની તૈયારી પણ દર્શાવી છે. જો કે, આંદોલનકારીઓ કૃષિ કાયદો હટાવી જ લેવામાં આવે તેવી જીદ લઈને બેસી ગયા છે. આવી સ્થિતિમાં કેટલાક અસામાજીક તત્ત્વો કૃષિ આંદોલનનો લાભ લેવાની પેરવીમાં હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા સીએએના કાયદાના વિરુધ્ધમાં જે તત્ત્વો ધરણા પ્રદર્શન કરી રહ્યાં હતા તેવા જ તત્ત્વો આ આંદોલનનો લાભ લેવા સક્રિય બન્યા છે. એક તરફ વિરોધ પક્ષો રાજકીય રોટલા શેકી રહ્યાં છે. બીજી તરફ યુપીથી આવેલા જામીયાના વિદ્યાર્થીઓએ આંદોલનમાં જોડાવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. અલબત આવા તત્ત્વોને સામેલ થવા દેવાયા નથી.
નોંધનીય છે કે, કૃષિ કાયદાના વિરોધમાં બેઠેલા ખેડૂતોના આંદોલનમાં ગાજીયાબાદ, ગાજીપુર-દિલ્હી બોર્ડ પરથી જામીયા-મીલીયા ઈસ્લામીયાના છાત્રો જોડાવા ગયા હતા પરંતુ તેમને મંજૂરી અપાઈ ન હતી. બીજી તરફ કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીએ વાટાઘાટો માટે સરકાર તૈયાર છે અને ટૂંક સમયમાં આંદોલનનો અંત લવાશે તેવી આશા વ્યકત કરી છે. આ ઉપરાંત ત્રિપુરાના મુખ્યમંત્રી વિપલ્વકુમારે ખેડૂતોને રાજકીય હાથો ન બનાવવાની અપીલ પણ કરી છે. તેમણે કહ્યું છે કે, આંદોલનકારીઓએ સામ્યવાદીઓની જાળમાં ન આવવું જોઈએ. આંદોલનકારીઓ વચ્ચે માઓવાદીઓ ઘુસી ગયા છે અને ત્રિપુરા જેવી સ્થિતિ તેમજ આંદોલનને રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલ આંદોલન હવે વચેટીયાઓ અને કમિશન એજન્ટ અને રાજકીય હિત ધરાવતા નેતાઓના હાથમાં દોરી સંચાર ચાલી ગયો હ હોવાનો ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શાંતાકુમારે જણાવ્યું હતું.
હરિયાણાના સૈનિકોએ જયપુર હાઈવે પર બેઠેલા પ્રદર્શનકારોને આગળ વધતાં અટકાવવા બેરીકેટ લગાવી દીધી છે. દરમિયાન જંતર-મંતર પર પંજાબના સાંસદો દ્વારા ચાલી રહેલા આંદોલનમાં શશી થરૂર જોડાયા હતા.
ખેડૂત આંદોલનના હવે વિવિધ તત્ત્વો ઘુસવા લાગ્યા છે. ખેડૂતોને નકસલવાદી ન જ કહેવાય પણ દેશનું વાતાવરણ બગાડવાના મનસુબા ધરાવતા તત્ત્વો આંદોલનકારીઓની વચ્ચે ઘુસી ગયા હોવાનો સંદેહ હવે ઉભો થયો છે અને સરકાર સામે રાજકીય સંકટ ઉભુ કરવા પ્રયત્નશીલ થઈ ગયા છે.