દેશભરમાં કુલ ૩૪ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર ઉભા કરતું CBDT
દેશમાં અલગ અલગ પોર્ટ અને કસ્ટમ સેન્ટર ઉપર આયાતી માલની આકારણી થતી હોય છે. અલબત કસ્ટમના કેટલાક કર્મચારીઓના ‘સેટીંગ’ હોવાના કારણે આકારણીમાં ગોલમાલ જોવા મળે છે.જેનાથી દેશને આર્થિક મોરચે અનેકવિધ પ્રકારની નુકશાની સર્જાતી હોય છે. આવી સ્થિતિમાં સરકારે વચલો રસ્તો શોધી કાઢ્યો છે. જે મુજબ આગામી ૩૧મી ઓકટોબરથી આયાતી માલ ઉપર ફેસલેસ એસેસ્મેન્ટ કરવામાં આવશે. એકંદરે અલગ અલગ પોર્ટના સ્થાને એક જ જગ્યાએથી એસેસ્મેન્ટ થવાથી કસ્ટમના અનેકવિધ સેટીંગ વિખાય તેવી અપેક્ષાઓ છે. જેના ભાગરૂપે હાલ સીબીડીટીએ અલગ અલગ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર ઉભા કરવાની શરૂઆત કરી દીધી છે. તમામ એસેસ્મેન્ટનું માર્ગદર્શન અને નિરીક્ષણ ધ નેશનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર કરશે.
દેશમાં ૩૧ ઓકટોબરથી ફેસલેસ એસેસ્મેન્ટ અમલમાં આવશે. પ્રારંભીક તબક્કે ચેન્નઈ અને બેંગ્લોરમાં ફેસલેસ એસેસ્મેન્ટ કરવામાં આવતું હતું. પરંતુ હવે વ્યાપ વધારી દેવામાં આવશે. દેશભરમાં પોર્ટ ઉપર ઠલવાતા આયાતી માલનું ફેસલેસ એસેસ્મેન્ટ સેન્ટર બોર્ડ ઓફ ઈન્ડાયરેકટ ટેકસીસ એન્ડ કસ્ટમ દ્વારા કરવામાં આવશે. આ પધ્ધતિ તાજેતરમાં કસ્ટમ યોજના હેઠળ અમલમાં મુકાશે. નોંધનીય છે કે, ઈન્કમટેકસ દ્વારા ફેસલેસ પધ્ધતિનો ભરપુર ઉપયોગ કરવામાં આવનાર છે. આ સેકટરમાં તો ૨૫ સપ્ટેમ્બરથી જ ફેસલેસ એસેસ્મેન્ટ શરૂ થવા જઈ રહ્યું છે. ઈન્કમટેકસ ક્ષેત્રમાં ફેસલેસ પધ્ધતિના કારણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશને વેગ મળશે. ઉપરાંત ભ્રષ્ટાચાર ઘટશે. કરચોરીના પ્રમાણમાં કડાકો બોલશે તેવી અપેક્ષાઓ સેવવામાં આવી રહી છે. વર્તમાન સમયે સીબીડીટી દ્વારા દેશભરમાં નેશનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર હેઠળ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર ઉભા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. અગાઉ દેશભરમાં ૮ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર કાર્યરત હતા જેમાં નોંધપાત્ર વધારો કરી આ સંખ્યાને ૩૪ સુધી પહોંચાડી દેવામાં આવી છે.
નેશનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટરમાં ચીફ કમિશનરની મુખ્ય ભૂમિકા રહેશે કે જેમના હેઠળ ૩૨ કમિશનર, ૯૬ પ્રિન્સીપલ કમિશનર, ૨૬૧ આસીસ્ટન્ટ એન્ડ ડેપ્યુટી કમિશનર અને ૧૨૭૪ ઈન્કમ ટેકસ ઓફિસરનો સમાવેશ કરાશે. ફેસલેસ એસેસ્મેન્ટ પધ્ધતિનો પ્રથમ તબક્કો વર્ષ ૨૦૧૯માં ૫૮૩૨૦ કેસ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વર્ષે ૧૩ ઓગષ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પારદર્શી ટેકસેશન પધ્ધતિ માટે બીજા તબક્કાનું ફેસલેસ એસેસ્મેન્ટ અમલી બનાવ્યું છે.
ગત વર્ષે સમગ્ર દેશભરમાં નવીદિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકતા, હૈદરાબાદ, અમદાવાદ, પૂણે અને બેંગ્લોર સહિતના શહેરોમાં કુલ ૮ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર કાર્યરત હતા જેની સામે હવે મુંબઈ ખાતે ૫, કોલકતા ખાતે ૪, દિલ્હી ખાતે ૩ અને ચેન્નઈ ખાતે ૩ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ કાર્યરત રહેશે. ઉપરાંત વિજયવાડા, વિશાખાપટનમ, રાચી, અમદાવાદ, વડોદરા, બેંગ્લોર, પણજી, ઈન્દોર, પંચકુલા, શિમલા, નાસીક, થાણે, જોધપુર, ત્રિચી, બરેલી અને દહેરાદુન ખાતે પણ રિઝનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટર કાર્યરત થશે. જેને નાણા પ્રધાન નિર્મલા સીતારામને મંજૂરી આપી છે. વર્ષ ૨૦૧૯ના સપ્ટેમ્બર માસમાં સીબીડીટીએ આઈઆરએસ વર્ષ ૧૯૮૪ બેંચના ઓફિસર ક્રિષ્નમોહન પ્રસાદને નેશનલ ઈ-એસેસ્મેન્ટ સેન્ટરના પ્રથમ પ્રિન્સીપાલ ચીફ કમિશનર તરીકે નિમણૂંક આપી હતી. જેમાં ચીફ કમિશનર અને પ્રિન્સીપાલ કમિશનર તરીકે ૬૧૯ ઓફિસરનો સમાવેશ કરાયો હતો. આગામી ટૂંક સમયમાં આ પધ્ધતિથી દેશભરની ટેકસેશન પદ્ધતિમાં પારદર્શીતા આવશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.