જાણભેદું પર શંકા : ડુપ્લીકેટ ચાવીથી ચેમ્બર ખોલી હોવાની શંકા: છ કર્મચારી પર તપાસ કેન્દ્રિત
રાજકોટના યાજ્ઞીક રોડ ડો.હોમી દસ્તુર માર્ગ પર આવેલ વિરલ બિલ્ડીંગમાં લેન્ડ ડેવલોપર્સની ઓફિસ ધરાવતા બિલ્ડરની ઓફિસના ડુપ્લીકેટ ચાવીથી લોક ખોલી ચેમ્બરમાંથી લાયસન્સવાળી રિવોલ્વર સાથેની આખી તીજોરી ઉઠાવી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જાણભેદું પર શંકા હોય તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ અમીન માર્ગ ચિત્રકૂટધામ-4માં રહેતા અને ડો.યાજ્ઞીક રોડ પર ડો.હોમી દસ્તુર માર્ગ પર વિરલ ડેવલોપર્સ નામની ઓફિસ ધરાવતા બિલ્ડર ભાવીન લલીતભાઇ ભાલોડીયા (ઉ.વ.40)એ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત તા.9/9/21ના ફરિયાદી પોતાની ઓફિસે રોજીંદા સમયે આવ્યા હતા અને સાંજે પોતાની ચેમ્બરમાં રહેલ ડિજીટલ તીજોરીમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વર અને છ કાર્ટીસ રાખ્યા હતાં.
બાદમાં સાંજે બિલ્ડર ભાવીનભાઇને માધાપર ચોકડી પાસે પ્રોપર્ટી જોવા જવાનું હોય ઓફિસથી માધાપર ચોકડી ગયા હતા અને ત્યાંથી સીધા ઘરે જતા રહ્યાં હતાં.
બીજા દિવસે સવારે સાડા દશેક વાગ્યે ભાવીનભાઇ ઓફિસે પહોંચ્યા ત્યારે પોતાની ચેમ્બર ખુલી હતી અને ચેમ્બરમાં રહેલી ડિજીટલ તીજોરી ગાયબ હોય પોતાની ઓફિસમાં કામ કરતા છ શખ્સોની પૂછપરછ કરી હતી પરંતુ કોઇ કશું જ જાણતું નહીં હોવાનું કહ્યું હતું.
બે દિવસ બિલ્ડરે જાતે તપાસ કર્યા બાદ ગત રાત્રે એ-ડીવીઝન પોલીસ મથકને જાણ કરતા પોલીસે ગુન્હો નોંધી ઓફિસમાં કામ કરતા કર્મચારીઓની સઘન પૂછપરછ હાથધરી છે.
પોલીસમાં જણાવ્યા પ્રમાણે બિલ્ડર ભાવીનભાઇએ થોડા સમય પહેલા પોતાની ડિઝીટલ તીજોરી રીપેરીંગમાં આપી હતી અને રિવોલ્વર સર્વીસમાં આપી હોવાનું જાણવા મળ્યું છે આ મુદ્ે પણ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.