- આતંકવાદના અજગરી ભરડામાં ‘પાક’ ફડફડાયું
- 104 બંધકોને મુક્ત કરાવી લીધાનો પાક આર્મીનો દાવો: 30 જવાનોના મોત, 14 વિદ્રોહીઓ ઠાર
- તાત્કાલિક બલુચીસ્તાન છોડો નહીંતર બંધકોના મોત માટે તૈયાર રહેજો: પાકિસ્તાન અને ચીનને બીએલએની ધમકી
પાકિસ્તાનમાં બલુચિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીએ એક ટ્રેન હાઈજેક કરી લીધી. અલગ દેશની માંગણી કરી રહેલા બલુચ વિદ્રોહીઓએ મંગળવારે ક્વેટાથી પેશાવર જઈ રહેલી ઝાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કરી લીધી હતી. 9 બોગીઓવાળી આ ટ્રેનમાં લગભગ 400 મુસાફરો સવાર હતા. જેમાં લગભગ 100 જેટલા મુસાફરો પાકિસ્તાન આર્મી, પોલીસ અને આઈએસઆઈના કર્મીઓ હતા. વિદ્રોહીઓએ ટ્રેનને હાઈજેક કરી અને એક સુરંગની અંદર લઈ ગયા હતા. આ ઘટનાથી હડકંપ મચી ગયો અને પાકિસ્તાની સેના ટ્રેનમાં સવાર લોકોને છોડાવવા માટે અભિયાન ચલાવી રહી છે. બીજી બાજુ બલુચિસ્તાન આર્મીએ વોર્નિંગ આપી છે કે સેના જો ટ્રેનની નજીક પણ આવી તો તમામ બંધકોને મારી નાખીશું.
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ક્વેટાથી પેશાવર જતી જાફર એક્સપ્રેસ ટેનને હાઈજેક કરી લેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. આ હુમલાને અંજામ આપનાર બળવાખોર જૂથ બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ) સામે પાકિસ્તાની સૈન્ય જાણે લાચાર દેખાઈ રહ્યું છે. બીએલએ દ્વારા હવે ચીન અને પાકિસ્તાનને સીધી ધમકી આપી દેવામાં આવી છે. બીએલએનું કહેવું છે કે ચીન અને પાકિસ્તાનના લોકો તેમના જીવ બચાવવા માગતા હોય તો બલૂચિસ્તાન છોડીને જતા રહે. જાફર એક્સપ્રેસમાં 400થી વધુ મુસાફરો સવાર છે જેમાં સૈન્ય અધિકારીઓની સંખ્યા વધારે છે. 18 કલાક વીતી જવા છતાં હજુ સુધી તમામ બંધકોને મુક્ત કરાવવામાં સફળતા મળી નથી.
બીજી બાજુ એવા અહેવાલ આવ્યા હતા કે પાકિસ્તાની સૈન્યએ 104 બંધકોને મુક્ત કરાવી લીધા છે. આ ઓપરેશન દરમિયાન 16 આતંકીઓને ઠાર મરાયાનો દાવો પણ કરાયો હતો. જ્યારે બીએલએ તરફથી પણ એવો દાવો કરાયો છે કે અમે પાકિસ્તાની સૈન્યના 30 જવાનોને ઠાર કરી દીધા હતા.
બીએલએના જણાવ્યાં મુજબ 214 મુસાફરોને બંધક બનાવવામાં આવ્યા છે અને દાવો થઈ રહ્યો છે કે અત્યાર સુધીમાં 30થી વધુ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટ્રેન હાઈજેક કર્યા બાદ બીએલએ બહાર પાડેલા પોતાના નિવેદનમાં શહબાઝ સરકારને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાની આર્મી તેમના વિરુદ્ધ એક્શન લેશે તો તેઓ તમામ બંધકોને મારી નાખશે. હાઈજેક કરાયેલી ટ્રેનમાંથી 104 મુસાફરોને બચાવી લેવાયા છે. પીટીઆઈના રિપોર્ટ 14 વિદ્રોહીઓને ઠાર કરાયા છે. ઓપરેશન હજું પણ ચાલુ છે. જો કે બીએલએનો દાવો છે કે તેમણે પાકિસ્તાનના 30થી વધુ સૈનિકોને ઠાર કર્યા છે.
બીએલએ દ્વારા પાકિસ્તાન પર આ કોઈ નવો હુમલો નથી. બીએલએ છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાન પર આવા હુમલા કરતું રહ્યું છે. ક્યારેક ચીનના એન્જિનિયરોને નિશાન બનાવ્યા તો ક્યારેક પાકિસ્તાનના રાજનયિકોને નિશાન બનાવે છે.
બીએલએની માંગ શું?
બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. 1948થી અહીં બલૂચ અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણો થઈ રહી છે. બલૂચિસ્તાનના લોકો લાંબા સમયથી
પાકિસ્તાનથી અલગ થવાની માંગ કરી રહ્યા છે. તાજેતરના સમયમાં, આ ક્ષેત્રમાં ચીનની દખલગીરી વધી છે. ચીન આ વિસ્તારમાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યું છે, જેના કારણે તેને સતત હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીએલએ બલૂચિસ્તાનને પાકિસ્તાનથી અલગ કરવાની માંગ કરે છે. બીએલએની સૌથી મહત્વપૂર્ણ માંગ એ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાની સરકાર કે સુરક્ષા એજન્સીનો કોઈ પ્રતિનિધિ ન હોવો જોઈએ. આ ઉપરાંત, ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (સીપીઈસી) પણ બલુચિસ્તાનમાંથી પસાર થાય છે. બીએલએ તેનો વિરોધ કરે છે.
તુર્કમેનિસ્તાનના પાકિસ્તાની રાજદૂતને લોસ એન્જેલસથી દેશ નિકાલ કરતું અમેરિકા
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તર અનેક વાર શરમજનક સ્થિતિમાં મૂકાયું છે, જોકે એમાં કશુંય નવું નથી. તુર્કમેનિસ્તાન સ્થિત પાકિસ્તાનના રાજદૂતને અમેરિકાએ એન્ટ્રી આપવાનો ઈનકાર કરી દીધો છે. હાલ, આ મામલે અમેરિકા કે પાકિસ્તાન સરકાર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પાકિસ્તાનના રાજદૂત પાસે યાત્રા સંબંધિત તમામ દસ્તાવેજો હોવા છતાં તેમને પરવાનગી અપાઇ નથી. વાગાન અનુભવી રાજદ્વારી છે. તેમણે આ મામલામાં હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી. મીડિયા અહેવાલ મુજબ, પાકિસ્તાનના રાજદૂત કેકે એહસાન વાગાનને અમેરિકાના લોસ એન્જેલિસ એરપોર્ટથી પરત ફરવું પડ્યું છે. તેમની પાસે માન્ય વીઝા સહિત તમામ કાયદાકીય ડોક્યુમેન્ટ હોવા છતાં અમેરિકાએ તેમને એન્ટ્રી આપી નથી. પાકિસ્તાનના રાજદૂત અમેરિકા રજા ગાળવા ગયા હતા અને એ દરમિયાન અમેરિકાના ઇમિગ્રેશન અધિકારીઓએ તેમને રોક્યા અને કાર્યવાહી કરી હતી. હાલ, અમેરિકાએ આ કાર્યવાહીનું કારણ આપ્યું નથી. આ મામલામાં પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડાર અને સચિવ અમીના બલોચને જાણ કરવામાં આવી છે. બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પોતાના કોન્સ્યુલેટને મામલાની તપાસ કરવા સૂચના આપી છે.