ભગવાનના વધામણા-આંગી-ધર્મયાત્રા ગૌતમ પ્રસાદ માટે તડામાર તૈયારીઓ
વિશ્ર્વ માનવ સમાજને અહિંસા અને જીવદયાના સંસ્કાર આપી કલ્યાણક ભાવ જગાવનાર ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ આ વર્ષે 21મી એપ્રીલે યોજાશે. મહોત્સવ માટે જૈનમના સંકલનની તડામાર તૈયારી સાથે સમસ્ત જૈન સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાનશ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહયો છે ત્યારે આ ઉજવણીનાં ભાગ રૂપે રાજકોટનાં સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાં પ્રમુખશ્રી, મંત્રીશ્રી, દાતાશ્રીઓ સાથે જન્મ કલ્યાણકની ભવ્યાતિ ભવ્ય ઉજવણી થાય તેવું આયોજન કરવા અંગે વિશેષ ચર્ચા-વિચારણા કરવા ગત સોમવારનાં રોજ રોટરી કલબ હોલ ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
જૈનમ્ પરિવાર દ્વારા નિમિત માત્ર બની રાજકોટનાં ચારેય ફીરકાનાં જૈનો સાથે 18 આલમ ઉપરાંત સમાજનાં તમામ વર્ગ હર્ષ ભેર જોડાઈ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી કરતું આવ્યું છે. જે અનુસાર આ વર્ષે પણ દર વર્ષ કરતા કંઈક અલગ અને વિશેષ ઉજવણી કરવાનાં હેતું થી પૂર્વ તૈયારીનાં ભાગરૂપે એક મીટીંગ ગત સોમવારનાં રોજ મળેલ હતી. જેમાં રાજકોટનાં જૈન અગ્રણીઓ તથા જૈનમ્ પરિવારનાં સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
આ તકે ઉપસ્થિત તમામ જૈન આગેવાનોએ આ ઉજવણીમાં સંપૂર્ણ રીતે સહયોગ આપવાનો કોલ આપ્યો હતો તથા સમાજનાં આગેવાનો અને દાતાશ્રીઓએ જૈનમ્ની પહેલને મન મુકીને વધાવી આ મહોત્સવ માટે દાનની સરવાણી વહાવી ઝોળી છલકાવી દીધી હતી. આમ આ વર્ષે પણ અતિ ભવ્યાતિ ભવ્ય રીતે આ આયોજન થવા જઈ રહયું છે ત્યારે તેની પૂર્વ તૈયારીનાં ભાગરૂપે અલગ અલગ કમીટીઓ બનાવી તમામને જવાબદારીની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં ધર્મયાત્રા, ધર્મસભા, બાઈક-સ્કુટર-કાર સુશોભન, ગૌતમ પ્રસાદ, ચિત્ર-રંગોળી સ્પર્ધા, એનીમેશન ફીલ્મ-નૃત્ય નાટીકા, 18 આલમ-એનજીઓ સંકલન, પ્રભુજીનું પારણું, વિર વર્ધમાન ભગવાનનો રથ, રૂટ સુશોભન, બાળકોની વેશભુષા કાર્યક્રમ વિગેરે માટે અલગ અલગ કમીટીની જાહેરાત આ તકે કરવામાં આવી હતી.
આ તમામ કમીટીઓ ઉજવણીને ખૂબ સુંદર રીતે પાર પાડવા અત્યારથી જ પોતાની જવાબદારીઓ માટે કાર્યરત થઈ ગઈ છે. પૂર્વ તૈયારીઓનો ધમધમાટ અત્યારથી જ ચાલુ થઈ ગયો છે. આવનાર દિવસોમાં મહોત્સવની ઉજવણી હજુ સુપેરે થાય તે માટે એક મધ્યસ્થ કાર્યાલય ખોલવામાં આવનાર છે. જ્યાંથી આ મહોત્સવને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવશે.
આ તકે રાજકોટ સ્થાનકવાસી જૈન મોટા સંઘનાં પ્રમુખશ્રી હરેશભાઈ વોરા એ પોતાના સંબોધનમાં જણાવ્યું હતુ કે આ વખતે સ્થાનકવાસી અને દેરાવાસી જૈનોની એક જ દિવસે ઉજવણી થનાર હોય મને આશા છે કે તમામ જૈનો એક સંપ બની ખૂબ મોટી સંખ્યામાં આ સમગ્ર ઉજવણીમાં જોડાઈને ભગવાનનાં વધામણાં કરશે.
આ મીટીંગમાં ઉપસ્થિત માંડવી ચોક જીનાલયનાં પ્રમુખશ્રી જીતુભાઈ ચાવાળાએ જણાવેલ કે આ દિવસે રાજકોટનાં તમામ જિનાલયોમાં ભગવાન મહાવીરની વિશેષ આંગી કરી ઉજવણી કરવામાં આવશે આ ધર્મયાત્રા અને ધર્મસભામાં ગુરુભગવંતો, ગુરુણી ભગવંતો, શ્રાવિકો-શ્રાવિકાઓ મોટી સંખ્યામાં જોડાઈને ભગવાન મહાવીરની જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીને ચાર ચાંદ લગાવશે. જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ એ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતુ કે આપણે અલગ અલગ ફીરકાનાં વાડાથી પર રહીને માત્ર જૈન છું એવી ભાવના સાથે આ મહોત્સવમાં જોડાઈ જવું જોઈએ.
જૈનમ્નાં જીતુભાઈ કોઠારીએ પારદર્શક વહીવટ જે જૈનમ્ની આગવી ઓળખ છે તેના ભાગરૂપે ગત વર્ષનાં તમામ હિસાબો દાતાશ્રીઓ, ઉપસ્થિત શ્રેષ્ઠીઓ સમક્ષ રજુ કરેલ હતા. સુજીતભાઈ ઉદાણીએ આ કાર્યક્રમ માટે દાનની પહેલ નાખતા તમામ અગ્રણીઓ, દાતાશ્રીઓએ આ પહેલને બે હાથે વધાવી દાનની સરવાણી વહાવીને આ મીટીંગમાં જ જરૂરી અનુદાન એકત્ર કરી આપ્યું હતુ. આ વર્ષે ધર્મયાત્રા પૂર્ણ થયે ધર્મસભા બાદ સૌ જૈનો જેના અન્ન ભેગા તેના મન ભેગા એ કહેવત અનુસાર સાથે ગૌતમ પ્રસાદ લેશે તેવી માહીતી પણ જૈનમ્ જયેશભાઈ વસાએ આપેલ હતી. આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણી માટે સમસ્ત જૈન સમાજમાં ઉત્સાહ પ્રર્વતિ રહયો છે.
જેમાં જૈનમ્ નિમિત બની સંકલન દ્વારા આ ઉજવણીને બેનમુન બનાવવા માટે પ્રયત્નશીલ થયો છે. આ મીટીંગમાં ઉપસ્થિત મહેમાનું સ્વાગત વૈભવભાઈ સંઘવીએ તથા દરેકનો આભાર નિપૂણભાઈ દોશીએ વ્યકત કર્યો હતો. સમગ્ર મિટીંગનું સંચાલન નિલેશભાઈ શાહ તથા સેજલભાઈ કોઠારીએ કર્યું હતું.