૧૮ વોર્ડ વિસ્તારોમાં ૧૮ પ્રોટેક્ટર ટાઈપના હાઈ ક્લીયરન્સ બૂમ સ્પ્રેયર મશીન દ્વારા દવાના છંટકાવની કામગીરી શરૂ
વર્તમાન સમયમાં મોટા ભાગના દેશોમાં કોરોના વાઇરસના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે અને આ રોગચાળો આગળ ફેલાતો અટકાવવા લોકોના આરોગ્ય માટે પગલા લેવાઈ રહ્યા છે. ભારતમાં પણ કેન્દ્ર સરકાર અને તમામ રાજ્ય સરકાર દ્વારા આ માટે લોકોના આરોગ્યની રક્ષા અર્થે કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં મુખ્ય રસ્તા પર દવા છંટકાવ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. આ અંગે વિશેષ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડે જણાવ્યું હતુ કે, આજરોજ સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ/ કર્મચારીઓને સાથે રાખી, શહેરના ૧૮ વોર્ડમાં વહેલી સવારથી ૧૮ મશીનથી દવા છાંટવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત શહેરના બી.આર.ટી.એસ. રૂટ પર મહાપુજા ધામ, સાધુવાસવાણી રોડ, સોરઠીયાવાડી સર્કલથી કોઠારીયા મેઈન રોડ, સંત કબીર રોડ, જવાહર રોડ, કેનાલ રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, જીલ્લા ગાર્ડન ચોક, મહિલા કોલેજ અન્ડર બ્રીજ વિગેરે વિસ્તારોમાં હાલ કામગીરી ચાલુ છે અને શહેરના ૧૮ વોર્ડમાં વોર્ડ દીઠ એક-એક મશીન ફાળવવામાં આવેલ જે દ્વારા શહેરના તમામ મુખ્ય માર્ગો તથા તમામ શેરી-ગલીઓ સહિત તબક્કાવાર સમગ્ર શહેરને આવરી લેવામાં આવશે. દવા છંટકાવની આ કામગીરી કોરોના વાયરસના રોગચાળાના અંત સુધી અવિરત ચાલુ રહેશે. આજની આ કામગીરીમાં ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પર્યાવરણ ઈજનેર નીલેશભાઈ પરમાર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશભાઈ સોલંકી તથા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના જુદા જુદા અધિકારીઓ જોડાયા હતા.