તિરંગા યાત્રામાં આશરે 2000થી વધુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ સ્વયં જોડાયા: રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર માટે યુવાનોનો જુસ્સો અકલ્પનીય: કુલપતિ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા” સંદર્ભમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના આચાર્યો સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ગિરીશભાઈ ભીમાણી ઉપસ્થિતિમાં આજે વરસતા વરસાદમાં ભવ્ય “તિરંગા યાત્રા” યોજાઈ.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય, ભવનના અધ્યક્ષ, શૈક્ષણીક-બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં સ્વયં જોડાયા.
આજે આયોજીત આ તિરંગા યાત્રામાં આશરે 2000 થી વધુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ પોતાની રાષ્ટ્ર ભાવનાને મુર્તિમંત કરવા જોડાયા હતા.આ તકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી તિરંગા યાત્રામાં ઉપસ્થિત સૌ યુવાનોને જણાવ્યું હતું કે આપણો રાષ્ટ્રધ્વજ આપણા સૌનું સ્વાભિમાન છે. ભારતના યુવાનો એ આપણા રાષ્ટ્રનું ગૌરવ છે. આપણા દેશના રાષ્ટ્રધ્વજનું આપણને સૌને ગૌરવ હોવું જોઈએ.
કુલપતિએ આજના આ પ્રસંગે જણાવ્યું હતું કે ન ભુતો… ન ભવિષ્યતિ… સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમવાર આયોજીત તિરંગા યાત્રામાં રાષ્ટ્રપ્રેમના દર્શન થયા છે. રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્ર માટે યુવાનોનો જુસ્સો અકલ્પનીય છે.આજના યુવાનો આપણા રાષ્ટ્રધ્વજ, આપણા રાષ્ટ્ર કાર્ય માટે સદૈવ કાર્યરત રહે અને ભારત દેશને ઉચ્ચસ્થાને લઈ જાય એ માટે હું સૌ યુવાનો પાસે અપેક્ષા રાખું છું.
આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરિસર ખાતે યોજાએલ ભવ્ય તિરંગા યાત્રામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલસચિવ અમીતભાઈ પારેખ, ભવનોના અધ્યક્ષ, અધિકારીઓ, પ્રાધ્યાપક, બિનશૈક્ષણીક કર્મચારીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રામાં પ્રાસંગિક પ્રવચન નાયબ કુલસચિવ ડો. જી.કે. જોશી તથા આભારવિધિ શારીરિક શિક્ષણ નિયામક ડો. મીનાક્ષીબેન પટેલે કર્યું હતું.