- ખાસ ડ્રેસ કોડ સાથે ભાજપના ધારાસભ્યો કરશે અંબાજીમાં પરિક્રમા: આરતીમાં પણ થશે સામેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત આજે આખુ મંત્રી મંડળ અને ભાજપના તમામ ધારાસભ્યો અંબાજીમાં ‘ર્માં અંબા’ના શરણે જશે. આજે વિધાનસભામાં સત્રની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ ધારાસભ્યો અંબાજી પરિક્રમા મહોત્સવમાં સામેલ થશે.
ગુજરાત વિધાનસભાના તમામ સભ્યો આજે સાંજે ખાસ ડ્રેસ કોડમાં પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ર્માં અંબાના દર્શનાર્થે જશે. ધારાસભ્યો માટે લાલ કલરના ઝબ્બા અથવા ટી-શર્ટ ડ્રેસ કોડ રાખવામાં આવ્યા છે. જ્યારે મહિલા ધારાસભ્યોને લાલ કલરની સાડી પહેરીને આવવા સુચના આપવામાં આવી છે. તમામ ધારાસભ્યો અંબાજી ખાતે પરિક્રમામાં સામેલ થશે. શક્તિપીઠના વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરશે. ગબ્બર તળેટીમાં ર્માં અંબાની મહા આરતીમાં સામેલ થશે અને લાઇટ એન્ડ સાઉન્ડ-શો નિહાળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ મંત્રી મંડળના તમામ સભ્યો અને ધારાસભ્યો અંબાજી ખાતે જશે. આજે સાંજે વિધાનસભામાં ચાલતા સત્રની સમાપ્તી બાદ તમામ ધારાસભ્યો અંબાજી જશે. 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સામેલ થશે. રાત્રે મહાપ્રસાદ લઇ તમામ ગાંધીનગર પરત ફરશે.