દર સોમવારે શુદ્ધ ઘીનાં મહાદેવ દર્શન: દરરોજ કૈલાશદર્શન અને બરફાની બાબા: મંદિરમાં સેવા-પૂજા માટે રાજસ્થાનની ૧૫૦ બ્રાહ્મણોની ટીમ
રાજકોટમાં પંચનાથ મહાદેવનું મહત્ત્વ અનોખું જ છે. ૧૪૫ વર્ષ જૂના આ મંદિર સાથે લાખ્ખો લોકોની શ્રદ્ધા અને ભક્તિ જોડાયેલા છે. અહી દર્શનાર્થે આવતાં ભાવિકોને દિવ્ય અનુભવ પણ થાય છે. એમાં પણ શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોળાનાથના થતાં દિવ્ય દર્શનથી ભાવિકો ભાવવિભોર થઈ જાય છે. આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ છે ત્યારે આખો મહિનો આ મંદિરમાં પૂજા અને ભક્તિની આરાધના થશે. સાથોસાથ વિવિધ મનોરમ્ય દર્શનનો લાભ પણ ભાવિકોને મળશે. ખાસ કરીને દર સોમવારે મંદિરમાં શુદ્ધ ઘીનાં મહાદેવનાં દર્શન થાય છે. સાથોસાથ દરરોજ કૈલાશ દર્શન તેમજ બરફાની બાબાના દર્શનનો લાભ પણ ભાવિકોને મળે છે. આ આખા શ્રાવણ માસ દરમિયાન સેવા-પૂજા કરવા માટે રાજસ્થાનથી ૧૫૦ જેટલા બ્રાહ્મણોની ટીમ અહી આવી છે.
આખો શ્રાવણ માસ પંચનાથ મહાદેવ મંદિરમાં સાંજે ૭:૩૦ થી ૮:૩૦ દરમિયાન આરતી થાય છે. આ આરતી માટે જયપુરથી ખાસ નગારાવાદક પણ આવ્યા છે. આ મંદિરમાં વિવિધ આકર્ષણોની સાથે સાથે કૃષ્ણનો ઝૂલો પણ એક અનોખું આકર્ષણ બની રહે છે.
સવારે આરતી ઉપરાંત ભાવિકોને સવારે ૪:૩૦થી રાત્રે ૧૨ વાગ્યા સુધી કૈલાશ દર્શનનો અનોખો લ્હાવો પ્રાપ્ત થાય છે. આ કૈલાશ દર્શનમાં બરફાની બાબાની પ્રતિકૃતિ નિહાળી શકાય છે.
મંદિરમાં વહેલી સવારે ૪:૩૦થી ૬ દરમિયાન ભૂત ટોળી દ્વારા પૂજા અને આરતી કરવામાં આવે છે. જ્યારે દર સોમવારે શુદ્ધ ઘીનાં મહાદેવનાં દર્શનનો લાભ પણ ભાવિકોને મળે છે.
મંદિરમાં દર શનિવારે તથા સોમવારે રાત્રે ૯:૩૦થી ૧૧:૩૦ દરમિયાન ભજન-કીર્તનનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. મંદિરમાં દરરોજ બપોરે અને સાંજે અંદાજિત ૧૫૫ જેટલા બ્રાહ્મણોને ૧૯૯૪થી આજ દિવસ સુધી સતત ભોજન કરાવવામાં આવે છે.
આખો શ્રાવણ માસ દરમિયાન થતાં વિવિધ કાર્યક્રમો અને સેવા-પૂજા માટે ખાસ રાજસ્થાનથી ૧૫૦ જેટલા બ્રાહ્મણોની ટીમ આવી પહોંચી છે. આખો મહિનો મંદિરમાં ફૂલોનો વિશેષ શણગાર કરવામાં આવે છે તેમજ નયનરમ્ય ડેકોરેશન પણ કરવામાં આવે છે. પંચનાથ મંદિરના સંચાલક મંડળે ભાવિકોને મહાદેવનાં દર્શનનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે.