માંડલ-બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના હાંસલપૂરમાં રૂ.પ૪૪ લાખના નવનિર્મિત વહિવટી ભવનનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે સંપન્ન
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહેલા માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયન એસઆઈઆરના સમગ્ર વિસ્તારને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપ્ડ સિટીના શ્રેષ્ઠ મોડેલ તરીકે દેશભરમાં પ્રસ્થાપિત કરવાની નેમ વ્યકત કરી છે.
મુખ્યમંત્રીએ અમદાવાદ જિલ્લાના ૮ અને મહેસાણાના ૧ એમ કુલ ૯ ગામોના વિસ્તારોને આવરી લેતા માંડલ-બહુચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના રૂ. પ૪૪ લાખના ખર્ચે હાંસલપૂરમાં નવનિર્મિત વહિવટી ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ ગાંધીનગરથી કર્યુ હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રૂ. ર૦૦ કરોડના ખર્ચે અદ્યતન રોડ અને સુઆયોજિત વિકાસ માટે ટી.પી પણ ફાયનલ કરીને ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓ સાથે આ સમગ્ર એસઆઈઆર ક્ષેત્રને વિકાસની હરણફાળ ભરાવવાની આપણી મનસા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, વર્તમાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ર૦૧રમાં આ વિસ્તારને એસઆઈઆર તરીકે ડેવલપ કરવાની દુરદર્શીતા દર્શાવીને જે પહેલ કરી હતી તે આજે ઓટોમોબાઇલ હબ તરીકે સફળતાપૂર્વક વિસ્તરી છે. મારૂતિ સુઝૂકી, હોન્ડા સહિત અનેક મોટરકાર ઉત્પાદકોએ પોતાના પ્લાન્ટ અહિ શરૂ કરવા માટે પસંદગી ઉતારી છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે વર્તમાન સ્થિતિમાં જે ઊદ્યોગો ચાયનાથી અન્યત્ર રિલોકેટ થવા ઇચ્છે છે તેમના માટે ભારત અને ખાસ કરીને ગુજરાત અને ગુજરાતમાંય વિશેષત: આ માંડલ બેચરાજી એસઆઈઆર શ્રેષ્ઠ વિકલ્પ બને તેવી બધી જ વ્યવસ્થાઓ આપણે ઊભી કરી રહ્યા છીયે.
વિજયભાઇ રૂપાણીએ દેશના કુલ એફડીઆઈના ૫૨% રોકાણ મેળવી ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત થયું છે તેનો ઉલ્લેખ કરતાં ઉમેર્યુ કે હવે આપણે જીઆઈડીસી વસાહતોના માધ્યમથી વોકલ ફોર લોકલ અન્વયે વન ડિસ્ટ્રીકટ વન પ્રોડકટની નેમ સાકાર કરવી છે.
આ ઇ-લોકાર્પણ અવસરે સુરેન્દ્રનગરના સાંસદ મહેન્દ્ર મૂંજપરા, વિરમગામના પૂર્વ ધારાસભ્ય તેજશ્રીબહેન પટેલે પ્રાસંગિક વકતવ્યોમાં આ સમગ્ર પટ્ટાની આર્થિક, સામાજિક કાયાપલટ માટે, એસઆઈઆર અને નવું વહિવટી ભવન ઉપયુકત બનશે તેનો આનંદ વ્યકત કર્યો હતો.
પ્રારંભમાં માંડલ બેચરાજી સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજીયોનલ ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ અને સચિવ હારિત શુકલાએ સૌનું સ્વાગત કર્યુ હતું. મુખ્યમંત્રીના અને ઊદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ તથા આ ડેવલપમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ એમ. કે. દાસ અને પદાધિકારીઓ, અધિકારીઓ આ ઇ-લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.