એકદંતાય વક્રતુંડાય ગૌરીતનયા ય ધિમહિ:
ઠેર ઠેર ગણેશ મહોત્સવમાં
ભાવભીના આયોજનો
ગણપતિનું ભાવભર્યુ પુજન અર્ચન કરી ભાવિકો ધન્યતા અનુભવશે
જમણી બાજુ સુંઢ વાળા ગણપતિ ગ્રહ દોષમાંથી મુકિત અપાવે છે
વક્રતુન્ડ મહાકાર્ય સૂર્ય કોટી સમસ્ત પ્રભ: ગુરુવારથી ગણેશ ઉત્સવ શરુ થઇ રહ્યો છે. ગણપતિના આગમનને લઇ ભાવિક ભકતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં ગણપતિને વધાવવાની તડામાર તૈયારીઓ થઇ રહી છે. નાના બાળકોથી માંડીને અબાલ વૃઘ્ધ દરેક વ્યકિતમાં ગણપતિ અતિ પ્રિય છે.
૧૪ દિવસના આ ઉત્સવમાં માર્કેટમાં પણ વિવિધ પ્રકારના ગણપતિની મુર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટર સાયકલ ચલાવતા ગણપતિ, ઇકોફ્રેન્ડલી ગણપતિ કે પછી બેઠેલા ઉભા કે વિષ્ણુ શૈયામાં સૂતા ગણપતિ આકર્ષણનું કેન્દ બન્યા છે.
જો કે જુદી જુદી ગણપતિની મુર્તિઓ સાથે ગણપતિની સૂંઢનું જ એટલું જ મહત્વ છે. આ અંગે વધુ જણાવતા શાસ્ત્રી રાજદીપ જોષીએ કહ્યું કે, આમ તો દરેક શુભ પ્રસંગોમાં ગણપતિનું આગમન થાય જ છે અને ગણપતિદાદા એકલા નથી આવતા તેમની સાથે ર૭ લોકોનો પરિવાર લઇને આવે છે. સામાન્ય રીતે આપણે જયારે ગણપતિની ઘરે પધરામણી કરીએ છીએ ત્યારે તેની આગમન પૂજા કરવી પડે છે. જમણી બાજુ સુંઢ વાળા ગણપતિની પૂજા દરરોજ કરવી પડે છે. તેને ગોળનો ભોગ પણ કરવો પડે છે. જમણી બાજુ સુંઢ ધરાવતા ગણપતિ મંગળ દોષ હોય તેના માટે ખુબ જ શુભ ગણાય છે.કોઇપણ પ્રકારના ગ્રહ દોષનું નિવારણ કરવું હોય તો જમણી બાજુ સુંઢ ધરાવતા ગણપતિનું પુજન કરવું જોઇએ. અને ડાબી બાજુ સુંઢ વાળા ગણપતિનું નિયમિત પૂજન ન થઇ શકે તો કોઇ દોષ લાગતો નથી. સામાન્ય રીતે બેઠેલા ગણપતિનું મહત્વ વધારે છે. શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર બેઠેલા ગણપતિની સાથે રિઘ્ધિ સિઘ્ધી તેમજ તેમનો પરિવાર પણ સાથે બેસે છે અને દરેકનું એક સમાન સન્માન જળવાઇ રહે છે.
ગણપતિને લાલ રંગ ખુબ જ પ્રિય છે. હજારો સૂર્યના તેજવાળા વિધ્ન હર્તા દરેક કાર્યમાં ગણપતિનું પ્રથમ પુજન થાય છે. ગણપતિને લાભ ગુલાલ લાલ કરેણના ફૂલનું પુજન કરી ગોળ અને મોદકનો ભોગ ધરવામાં આવે છે. કહેવાય છે કે સોપારીમાં પણ ગણપતિનો વાસ છે માટે ગણપતિ પાસે સોપારી પણ મુકવામાં આવે છે.
ગણેશની સ્થાપના કરતી વખતે તેમની જમણી બાજુએ એક કળશ મુકવો તેમાં પાણી ભરી સવા રૂપીયો નારી આસોપાલવના પાન ગોઠવી તેની ઉ૫ર નાળીયેર પધરાવવું અને આ કળશને ગણેશની બાજુમાં જ સ્થાપન કરવું.ગણપતિની સ્થાપના ઘરમાં કરવી હોય તો તેને દોઢ દિવસ, ત્રણ દિવસ કે પાંચ, સાત અને અગીયાર દિવસ સ્થાપન કરી શકાય છે. આ દિવસો દરમિયાન ગણપતિનું નિયમિત પુજન કરવું પડે છે. ગણપતિ દાદાને દુર્વા કે ઘરો ખુબ જ પ્રિય છે. દાદા એક રાક્ષસ ને ગળી ગયા હતા. અને ઘરો ચઢાવવાથી જીવનમાં રાહત રહે છે અને ઉગ્રતા આવતી નથી જીવનમાં શાંતિ અને શરીરમા ઠંડક રહે છે માટે દાદાને ઘરલ ચઢાવવામાં આવે છે.
ગણપતિનું અંગપૂજન
સૌના લાડલા ભગવાન ગણેશના પૂજનની પણ એક વિધિ હોય છે ગણેશ સ્થાપના કર્યા બાદ સૌ પ્રથમ ગણપતિનું અંગ પૂજન કરવામાં આવે છે. શ્રીમુખનું પુજન કરવું ઓમ શ્રી સુમુખાય નમ: બોલીને ગણપતિ દાદાને ચોખા અને કંકુ સાથે વધાવાય છે.
ત્યારબાદ ઓમ અંકદંતાય નમ: બોલતા તેમના દાંતનું પુજન કરવું ત્યારબાદ ઓમ વક્રતુંડાય નમ: બોલતા તેમની સૂંઢનું પુજન કરવું ત્યારપછી ઓમ ગજકર્ણ કાય નમ: બોલીને તેમના કાનનું પુજન કરવું. આમ પ્રથમ પુજય ભગવાન એવા ગણપતિની અંગ પૂજા કરવી. અંગ પૂજા કર્યા બાદ દાદાને ગોળ અને મોદકનો ભોગ ધરવો.ર૭ જણાનો પરિવાર છે દાદાનો
ગણપતિ દાદાનું સ્થાપન કરતી વખતે તેમના પરિવારનું સ્થાપન કરવું પણ ખુબ જ જરૂરી છે. આ અંગે વધુ જણાવતા શાસ્ત્રી રાજદીપ જોષીએ કહ્યું કે, ગણપતિ દાદા સાથે તેમનો ર૭ જણાનો પરિવાર આવે છે. અને આ ર૭માં રિઘ્ધિ-સિઘ્ધિ લાભ-શુભ મુશક બધાનો સમાવેશ થાય છે.
માટે જ ગણપતિ દાદા ગૃહસ્થોના વિઘ્ન ટાળે છે. ગણપતિ પધરાવી પૂજા કરતી વખતે પણ મનમાં આ ર૭ જણાનું પણ પુજન કરવું આવશ્યક છે. સપરિવાર પધારતા ગણપતિ પરિવારના તમામ વિઘ્નો કરી સુખ સમૃઘ્ધિ અને યશ પ્રાપ્ત કરાવે છે.
દાદાને શા માટે મોદક/ગોળનો ભોગ
આપણા શાસ્ત્રોમાં દરેક દેવી-દેવતાનું મહત્વ રહેલું છે. ગણપતિ દાદા ગૃહસ્થનું સ્વરૂપ છે અને તેઓ સપરિવાર આપણા ઘરે પધારે છે. તેમના દાંત મોટા છે માટે તેઓ ને લાડવા મોદક કે ગોળનો ભોગ ધરાવાય છે. જયારે માતાને ખીર કે દૂધ પાક ધરવામાં આવે છે કેમ કે માતાજી ૧ર વર્ષની કુંવારી કન્યાનું રૂપ છે અને બાળકને ખીર ખુબ જ પ્રિય હોય છે. તો બીજી તરફ સત્યનારાયણ ભગવાનને સીરાનો ભોગ ધરવામાં આવે છે. કથામાં પણ એવો ઉલ્લેખ છે કે સત્યનારાયણ ભગવાન ધરડા બ્રાહ્મણના રૂપમાં પ્રગટ થયા હતા અને ધરડાને દાંત ન હોવાથી સત્યનારાયણ ને સીરાનો ભોગ ધરવામાં આવે છે આમ મોદક કે ગોળના લાડુ દાદાને ખુબ જ પ્રિય છે.