- કાલે નિરંજન શાહ સ્ટેડિયમમાં જામશે ટી-20 જંગ
- પાંચ ટી-20 મેચની શ્રેણી જીતવા માટે ટીમ ઇન્ડિયા કાલે જોર લગાવશે: ઇંગ્લેન્ડ ટીમ માટે શ્રેણી બચાવવાની અંતિમ તક
- બેટીંગ પેરેડાઇઝ વિકેટ પર રનના ઢગલા થવાની પ્રબળ સંભાવના: ક્રિકેટ રસીકોનો મોજ પડી જશે
- કાલે બપોરે 4:30 કલાકથી પ્રેક્ષકોને અપાશે સ્ટેડિયમમાં એન્ટ્રી 6:30 કલાકે ટોસ ઉછાળાશે, 7 વાગે પ્રથમ બોલ ફેંકાશે
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ પર કાલે યજમાન ભારત અને મહેમાન ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે ટી-20નો રોમાંચક જંગ ખેલાશે. બેટીંગ પેરેડાઇઝ વિકેટ પર રનના ઢગલા થવાની પ્રબળ સંભાવના જણાઇ રહી છે. ક્રિકેટપ્રેમીઓને મોજ પડી જશે. દરમિયાન આજે અંગ્રેજોએ નેટ પ્રેક્ટિસમાં કલાકો સુધી પરસેવો પાડ્યો હતો. જ્યારે સમી સાંજે કોચ ગૌતમ ગંભીરની આગેવાનીમાં ટીમ ઇન્ડિયાએ પણ આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી.
ચેન્નઇ ખાતે રમાયેલા બીજા ટી-20 મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. ગઇકાલે બંને ટીમોનું રાજકોટમાં આગમન થતા ભારતીય પરંપરા મુજબ બંને ટીમના ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ટીમ ઇન્ડિયાને સયાજી હોટલ ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. જ્યારે ઇંગ્લેન્ડની ટીમ ફોર્ચ્યુન હોટલમાં ઉતરી છે. આજે બપોરે ઇંગ્લેન્ડની ટીમે ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે સતત ચાર કલાક સુધી આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી. પ્રથમ બે ટવેન્ટી-ટવેન્ટી મેચમાં પરાજય મેળવ્યા બાદ ઇંગ્લેન્ડની ટીમ માટે શ્રેણી બચાવવાની આ અંતિમ તક રહેલી છે. હાલ ઇંગ્લેન્ડની ટીમ ટી-20 ફોર્મેન્ટમાં સૌથી મજબૂત બોલીંગ લાઇન ધરાવે છે છતાં ભારત સામે ઇંગ્લીશ બોલરો વામણા પૂરવાર થઇ રહ્યા છે. બીજી તરફ ભારતીય કોઇ એક બેટ્સમેન પર નિર્ભર નથી. પ્રથમ મેચમાં અભિષેક શર્માએ ટીમને વિજેતા બનાવી હતી. જ્યારે બીજી મેચમાં જીતનો હિરો તિલક વર્મા રહ્યો હતો. આવતીકાલે ત્રીજી ટવેન્ટી-ટવેન્ટી મેચ જીતી ભારત શ્રેણી કબ્જે કરવાનો પ્રયાસ કરશે. સૂર્યકુમાર યાદવ માટે રાજકોટની વિકેટ ખૂબ જ લક્કી રહી છે. તેણે ગત મેચમાં શ્રીલંકા સામે ફાફડી સદી ફટકારી હતી. છેલ્લા બે મેચથી નિષ્ફળ જઇ રહેલો સૂર્યકુમાર યાદવ કાલે રાજકોટમાં ખીલી જાય તેવી આશા ક્રિકેટપ્રેમીઓ રાખી રહ્યા છે. આજે સમી સાંજે ટીમ ઇન્ડિયાએ પણ આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી.
બપોરે 4:30 કલાકથી પ્રેક્ષકોને સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરવામાં આવશે. સાંજે 6:30 કલાકે ટોસ ઉછળશે. 7 કલાકે મેચનો પ્રથમ બોલ ફેંકાશે. રાજકોટની વિકેટ બેટીંગ પેરેડાઇઝ મનાઇ રહી છે. આવામાં કાલની મેચ હાઇસ્કોરીંગ રહે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.
ટી-20માં ખૂબ જ ઝડપથી મેચનો માહોલ બદલી જતો હોય છે, હવે તમામ મેચ જીતી શ્રેણી ફતેહ કરવાના પ્રયાસો કરીશું કાલની મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ: માર્ક વુડ
આજે નેટ પ્રેક્ટિસ પૂર્વે ઇંગ્લેન્ડની ટીમના ઝડપી બોલર માર્ક વુડે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આવતીકાલે રાજકોટ ખાતે રમાનારી ત્રીજી ટી-20 મેચ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
બીજી ટી-20 મેચમાં અમારા બોલરોએ ખૂબ જ સારી બોલીંગ કરી હતી પરંતુ ભારતીય બેટ્સમેનોએ હારની બાજી જીતમાં ફેરવી નાંખી હતી. ટી-20 ફોર્મેન્ટમાં ગમે ત્યારે મેચનો માહોલ બદલાઇ જતો હોય છે. રાજકોટની વિકેટ જો બેટીંગ પેરેડાઇઝ હશે તો અમારે ખૂબ જ સાતત્યપૂર્ણ બેટીંગ કરવી પડશે. ઇંગ્લેન્ડની ખૂબ જ પોઝીટીવ છે. હજુ શ્રેણીની ત્રણ મેચ બાકી હોય આ ત્રણેય મેચ જીતીને અમે શ્રેણી ફતેહ કરવાનો પ્રયાસ કરીશું. પહેલી મેચમાં હાર બાદ બીજી મેચ ખૂબ જ ક્લોઝ રહી હતી.
તેઓએ ઉમેર્યું હતું કે હવે આગળની મેચમાં વધુ એફર્ટ્સ સાથે ટીમ ઉતરશે. સીરીઝનો બીજો મેચ ખૂબ મનોરંજન ભર્યો હતો. ટી 20 ફોર્મેટ ખૂબ ઝડપી કોઈ પણ એક ઓવરમાં મેચનો મહલો બદલી હતો હોય છે. જેથી હવે આગામી મેચોમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે ઇંગ્લેન્ડ ની ટીમ તૈયાર છે. મારી બોલિંગમાં હજુ સારી ગતિ અને આગળના બેટરોને આઉટ કરવા માટે પ્રયત્ન કરીશું કે જેના પરિણામ આગળ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ સારું પ્રદર્શન કરવા માટે વધુ ફોકસ રહી શકે. પરિસ્થિતિની વધુ ચિંતા કર્યા વગર કોચ મેક્લામ પણ આગળનું વિચારી રહ્યા છે. અમે શરૂઆતમાં જ વિકેટો લેવાનો પ્રયાસ કરીશું જેનાથી સામે વાડી ટીમ પર પ્રેશર બનાવી શકીએ. રાજકોટની પીચ પર સ્પીનર્સને મદદ મળતી હોય તો અમારી પાસે વર્લ્ડ ક્લાસ સ્પિનર અબ્દુલ રશીદ છે જે મિડલ ઓર્ડરના બેટરોને આઉટ કરવા માટે ખૂબ સારો વિકલ્પ છે. તેની સાથે લિવિમ લિવિંગસ્ટન્ટ પણ અમારી પાસે બીજા સ્પિનર તરીકે વિકલ્પ છે. અત્યાર સુધીના બંને મેચમાં પીચ સ્વભાવ અલગ-અલગ જોવા મળ્યો હતો. જેમાં દિલ્હીમાં પીચ થોડી લો હોવાથી બાઉન્સ ઓછો હતો જ્યારે ચેન્નઈમાં અપ ડાઉન બાઉન્સના કારણે અમુક શોર્ટ્સ ટોપ એજ સાથે સિક્સર માટે હતા હતા. શોર્ટ ફોર્મેટમાં ટીમના જીત માટે એક બે ઓવર મહત્વની સાબિત થાય છે. જેના માટે અમે ટીમ મેમ્બર પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. ભારતીય ટીમના યંગ બેટર પણ સારૂં પ્રદર્શન કરી રહ્યા છે. તિલક વર્મા, અભિષેક શર્મા અને સંજુ સેમસનની તકનીક અદ્ભૂત છે તેઓ ટીમને સારું સ્ટાર્ટ આપવા માટે ખૂબ સારા વિકલ્પ છે.
- તિલકની સમજણભરી બેટીંગ: ભારતે બીજી ટી-20માં ઇગ્લેન્ડને હરાવ્યું જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી
ભારતે ટી20 શ્રેણીની બીજી મેચમાં ઈંગ્લેન્ડને 2 વિકેટે હરાવ્યું છે. ચેન્નાઈમાં શનિવારે રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત નોંધાવી હતી. તેના માટે તિલક વર્માએ વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી. ભારતની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ તિલકે એક છેડો મજબૂત રીતે પકડી રાખ્યો અને મેચ જીતાડી હતી. ભારત તરફથી બોલિંગમાં વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે કમાલ કર્યો હતો. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ઈંગ્લેન્ડે ભારતને જીતવા માટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં ભારતે તિલકની ઇનિંગના આધારે 19.2 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ભારતે પ્રથમ ટી20 મેચ પણ જીતી લીધી હતી. હવે બીજી મેચ પણ જીતી લીધી છે. તેણે પાંચ મેચોની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમની એક છેડેથી સતત વિકેટો પડી રહી હતી. પરંતુ તિલકે ક્રિઝ પર રહ્યો હતો. તેણે 55 બોલનો સામનો કરીને અણનમ 72 રન બનાવ્યા હતા. તિલકે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. રવિ બિશ્નોઈ 9 રન બનાવીને અણનમ રહ્યો હતો. ભારતે બીજી ઓવરમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. અભિષેક શર્મા 6 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આ પછી સંજુ સેમસનની વિકેટ પડી. સેમસન 7 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ પણ કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે 12 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી હાર્દિક પંડ્યાની વિકેટ પડી. પંડ્યા 7 રન બનાવીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડની શરૂઆત ખરાબ રહી હતી. પરંતુ જોસ બટલરે સારી ઈનિંગ રમી. ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. બટલરે 30 બોલનો સામનો કર્યો અને 45 રન બનાવ્યા. તેણે 3 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા. બ્રેયડન કાર્સે 31 રનની ઇનિંગ રમી હતી. જેમી સ્મિથે 22 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યા નથી.