પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે, જેની શરૂઆત ૨૪ મેએ લોર્ડ્સના મેદાન પર થઈ રહી છે
આઇપીએલની ૧૧મી સિઝન એ તબક્કામાં પહોંચી ચૂકી છે, જ્યાં એક પરાજય ટીમને પ્લે ઓફની રેસમાંથી બહાર ફેંકી શકે છે. ખાસ કરીને રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ જેવી ટીમ માટે આ વાત લાગુ પડે છે. પ્લે ઓફની લડાઇ વચ્ચે ઈંગ્લેન્ડથી ખરાબ સમાચાર આવી રહ્યા છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે પોતાના ચાર દિગ્ગજ ખેલાડીને આઇપીએલ અધવચ્ચે છોડીને સ્વદેશ પાછા ફરવાનો આદેશ જારી કરી દીધો છે.
જે ખેલાડીઓને ઈસીબીએ પાછા બોલાવ્યા છે તેઓ છે ક્રિસ વોક્સ (આરસીબી), મોઈન અલી (આરસીબી), માર્ક વૂડ (સીએસકે) અને બેન સ્ટોક્સ (રાજસ્થાન રોયલ્સ). સૂત્રોની વાત માનીએ તો આ ખેલાડીઓને ૧૭ મે સુધીમાં ઈંગ્લેન્ડ પાછા ફરવાનું છે.
પાકિસ્તાન સામે ઈંગ્લેન્ડ બે ટેસ્ટ મેચની શ્રેણી રમવાનું છે, જેની શરૂઆત ૨૪ મેએ લોર્ડ્સના મેદાન પર થઈ રહી છે. ક્રિસ વોક્સ, માર્ક વૂડ અને બેન સ્ટોક્સ ટીમના મહત્ત્વના સભ્ય છે, જ્યારે મોઈન અલી પોતાના ખરાબ ફોર્મને કારણે હાલ ઈંગ્લેન્ડની ટીમની બહાર ચાલી રહ્યો છે.
ચેન્નઈની ટીમ વૂડ વિના પણ જીતી રહી છે, તેથી તેને વૂડના જવાથી કોઈ ફરક નહીં પડે. વૂડ વર્તમાન આઇપીએલમાં ફક્ત એક મેચ જ રમ્યો છે, પરંતુ અંતિમ સમયમાં કોઈ અન્ય અન્ય ખેલાડીને ટીમમાં સામેલ કરવો સીએસકે માટે આસાન નહીં હોય.
જ્યારે પ્લે ઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી રાજસ્થાન રોયલ્સને બેન સ્ટોક્સની ગેરહાજરી એ સમયે વધારે અનુભવાશે, જો ટીમ અંતિમ ચારમાં પહોંચી જાય. વોક્સ આ સિઝનમાં કુલ પાંચ મેચ રમ્યો છે અને આઠ વિકેટ ઝડપી છે. સતત બે સિઝનથી આઇપીએલના સૌથી મોંઘો ખેલાડી રહેલો બેન સ્ટોક્સ જોકે આ વખતે ખાસ કોઈ કમાલ કરી શક્યો નથી. સ્ટોક્સે નવ મેચમાં ૧૬૦ રન બનાવ્યા છે અને ફક્ત બે જ વિકેટ ઝડપી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,