એસજીવીપી સ્વા.ગુરૂકુળમાં ઓન લાઇન સત્સંગીજીવન કથામાં નરનારાયણ દેવના જન્મોત્સવ (પુષ્પ દોલોત્સવ)ની ભાવભેર ઉજવણી

ભગવાન શ્રી નરનારાયણના તપની ઉર્જા ભારત વર્ષના સાધકો સુધી પહોંચે છે અને તેમની સાધનાને ઉર્જાવાન બનાવે છે તેમ એસજીવીપી સ્વામીનારાયણ ગુરૂકુળમાં આઠ માસથી આવતી ઓનલાઈન સત્સંગીજીવન કથામાં નરનારાયણ દેવના જન્મોત્સવ, પુષ્પ દોલોત્સવની ઉજવણી પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજીએ જણાવ્યું હતું. આજથી હજારો વર્ષ પૂર્વે સ્વયંભૂ મનવન્તરમાં ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે ભગવાન નરનારાયણ દેવનું પ્રાગટ્ય થયેલ તે વખતે બ્રહ્માદિ દેવોએ ભગવાન  નરનરાયણદેવને દિવ્ય પુષ્પોથી શણગારેલ હિંડોળામાં પધરાવી ઝુલાવ્યા હતા. એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસ પદે એસજીવીપી ગુરુકુલ ખાતે છેલ્લા આઠ માસથીઓન-લાઇન, સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોડ ગ્રન્થો સત્સંગીજીવન અને ભક્તચિંતામણી આધારિત લીલા ચરિત્રોની કથા ચાલી રહી છે. તે પ્રસંગે એસજીવીપી ગુરુકુલમાં નરનરાયણદેવનો જન્મોત્સવ – પુષ્પોદોલોત્સવ- ઉજવાયો હતો.એસજીવીપી ગુરુકુલના બગીચાના ગુલાબ, ગલગોટા અને આંબાના પર્ણો અને ડાળીઓથી ગુરુકુલના સંતો, ભકતો અને ભકિતમહિલા મંડળની બહેનોએ સુંદર રીતે હિંડોળો શણગારી શ્રી નરનારાયણદેવને ભકિતભાવ પૂર્વક ઝુલાવ્યા હતા. હિંડોળા શણગારમાં ભક્તવત્સલ સ્વામી, કુંજવિહારી સ્વામી, યજ્ઞવલ્લભ સ્વામી, મુનિવત્સલ સ્વામી વગેરે સંતો તથા પાર્ષદો, હરિભક્તો જોડાયા હતા.

આ પ્રસંગે પૂ. શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ નરનારાયણદેવના પ્રાગટ્ય મહોત્સવનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, પુરાણો ભગવાન નરનારાયણને ભરતખંડના અધિપતિ કહે છે. અવતારના હેતુઓ અલગ અલગ હોય છે. ભગવાન કપિલ સાંખ્યજ્ઞાનના પ્રચાર માટે પ્રગટ થયા હતા. ભગવાન વ્યાસ વેદ સંકલન અને વેદાંત પ્રચાર -પ્રસાર માટે પ્રગટ થયા હતા. ભગવાન હંસ સત્ય-અસત્યના વિવેકજ્ઞાન માટે પ્રગટ થયા હતા. ભગવાન નરનારાયણના પ્રાગટ્યનો હેતુ તપ છે. તેઓ ગંદમાદન પર્વત પર આવેલ બદ્રિકાશ્રમમાં તપ કરે છે. ભરતખંડના મનુષ્યોની ભકિતને પોષણ કરવા માટે તેઓ તપ કરે છે. જેમ મુખ્ય વીજ મથકેથી સર્વત્ર વીજપ્રવાહ વહે એમ ભગવાન નરનારાયણના તપની ઉર્જા ભારતવર્ષના સાધકો સુધી પહોંચે છે અને સાધનાને ઊર્જાવાન બનાવે છે. આ પ્રસંગે દર્શનપ્રિયદાસજી સ્વામી, ઘનશ્યામ ભગત સાથે તબલા વાદક રાકેશકુમાર વાણી અને ઓક્ટોપેડ પર રાકેશભાઇ સોનારાએ સંગત કરી હતી.પૂ.માધવ પ્રિયદાસજી સ્વામીએ સંગીતકારોનું ભાવભર્યુ સન્માન કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.